° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


તૂટેલા બિલ્ડિંગના પ્લૉટ પર બંધાશે ટ્રાન્ઝિટ કૅમ્પ

12 May, 2022 08:20 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

બીએમસીએ કાંદિવલીના સૂર્યોદય બિલ્ડિંગના ભાડૂતોને ટ્રાન્ઝિટ કૅમ્પ બનાવવાની પરવાનગી આપી: બેઘર બન્યા પછી ૨૪ વર્ષથી પુનર્વસન માટે લડી રહેલા આ મકાનના લોકો માટે આ નિર્ણય નવી આશાનું કિરણ

કાંદિવલી-વેસ્ટમાં ૧૯૯૮માં સૂર્યોદય બિલ્ડિંગને સી-૧ કૅટેગરીમાં નાખીને ધ્વંસ કર્યા પછી એ ખાલી જગ્યા પર થઈ રહેલો પ્લાસ્ટિકના પાઇપનો ધંધો.

કાંદિવલી-વેસ્ટમાં ૧૯૯૮માં સૂર્યોદય બિલ્ડિંગને સી-૧ કૅટેગરીમાં નાખીને ધ્વંસ કર્યા પછી એ ખાલી જગ્યા પર થઈ રહેલો પ્લાસ્ટિકના પાઇપનો ધંધો.

બીએમસીએ મુંબઈ મહાનગરપાલિકાના કાયદા હેઠળ ૨૪ વર્ષથી બેઘર બનેલા અને પુનર્વસન માટે લડી રહેલા કાંદિવલી-વેસ્ટની ઈરાનીવાડીમાં આવેલા સૂર્યોદય બિલ્ડિંગના ભાડૂતોના પરિવારોને તેઓ જ્યાં રહેતા હતા એ જ જગ્યા પર ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની પરવાનગી આપીને અનેક ભાડાનાં બિલ્ડિંગોના રહેવાસીઓને પુનર્વસન માટે એક નવી આશાનું કિરણ દેખાડ્યું છે. નૉન-સેસ બિલ્ડિંગોમાં કદાચ સૂર્યોદય બિલ્ડિંગ પ્રથમ બિલ્ડિંગ છે જેના ભાડૂતોના પરિવારોના બનેલા સૂર્યોદય ઉન્નતિ અસોસિએશનને મહાનગરપાલિકાએ તેમની જ ખાલી પડેલી જગ્યામાં ટ્રાન્ઝિટ કૅમ્પ બનાવીને રહેવાની પરવાનગી આપી હોય. આ પરવાનગી મળવાથી આ બિલ્ડિંગના ૧૫ ભાડૂતોમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું છે.  

હજારો બેઘર ભાડૂતો માટે આ નિર્ણય નવો સૂર્યોદય બનશે

મુંબઈનાં ઉપનગરોમાં ભાડાનાં બિલ્ડિંગોને સી-૧ કૅટેગરી (અત્યંત જોખમી) જાહેર કર્યા પછી હાઈ કોર્ટના આદેશ પ્રમાણે મહાનગરપાલિકા આ ઇમારતોને તોડી પાડે છે, પણ આ ઇમારતોના બેઘર બનેલા રહેવાસીઓના પુનર્વસન માટે કોઈ જ પ્રક્રિયા કરવામાં આવતી નથી. ઘણી વાર મકાનમાલિકો વર્ષોનાં વર્ષો સુધી તેમની ખાલી પડેલી જમીન પર નવી ઇમારત ઊભી કરીને બેઘર ભાડૂતોને તેમનાં ઘર પાછાં આપવા માટે ઠાગાઠૈયા કરતા હોય છે, જેને પરિણામે હજારો ભાડૂતો રાતા પાણીએ રડવા છતાં તેમનાં ઘર પાછાં મેળવી શકતા નથી. 

કાયદો શું કહે છે?
આવા ભાડૂતોના પુનર્વસન માટે મુંબઈ મહાનગરપાલિકામાં કાયદો હોવા છતાં એનો અમલ ભાગ્યે જ થતો જોવા મળે છે. મુંબઈ મહાનગરપાલિકાની કલમ ૪૯૯ પ્રમાણે જો મકાનમાલિક એની તોડી પાડવામાં આવેલી ઇમારતનું પુનર્નિર્માણ શરૂ કરવામાં નિષ્ફળ જાય તો કલમ ૩૫૪ સાથે સંકળાયેલી કલમ ૪૮૯ના અનુસંધાનમાં ઇમારત તોડી પાડવાની તારીખથી એક વર્ષની અંદર ભાડૂતો એક મંડળ અથવા સોસાયટી બનાવીને તેમના મકાનના પુનર્નિર્માણ માટે પગલાં લેવા માટે હકદાર રહેશે.

આ જ કાયદાની કલમમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ધ્વંસ કરેલી ઇમારતના મકાનમાલિકે આવી તોડી પાડવામાં આવેલી ઇમારતની તોડવાની તારીખથી ત્રણ વર્ષની અંદર પુનર્નિર્માણ અથવા પુનર્વિકાસ પૂરું કરવું પડશે અથવા સરકાર દ્વારા ગૅઝેટમાં આપેલી સત્તા અનુસાર જો માલિક ઉપરોક્ત સમયગાળામાં પુનર્નિર્માણ અથવા પુનર્વિકાસ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો ભાડૂતો અસોસિએશન અથવા સોસાયટી બનાવીને આવા મકાનના પુનર્નિર્માણ માટે યોગ્ય પગલાં લેવા હકદાર રહેશે. 

હજારો ભાડૂતોને થશે ફાયદો
અમારી સરકાર સત્તા પર હતી ત્યારે અમે આ કાયદો તૈયાર કર્યો હતો એમ જણાવીને કાંદિવલી-વેસ્ટના બીજેપીના વિધાનસભ્ય યોગેશ સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૂર્યોદય બિલ્ડિંગને ખાલી કરાવ્યા પછી એના મકાનમાલિકે ભાડૂતોના પુનર્વસનને બદલે તેમનો ખાલી પડેલો પ્લૉટ અન્ય કોઈને આપી દીધો હતો, જેને કારણે ભાડૂતો બેઘર બન્યા પછી હતાશ થઈ ગયા હતા. જોકે સરકારના કાયદા પ્રમાણે ભાડૂતોના પુનર્વસનની જવાબદારી મકાનમાલિક ન ઉઠાવે તો ભાડૂતો ખાલી પડેલી જગ્યા પર તેમની જેટલી જગ્યા બિલ્ડિંગને તોડી પાડતાં પહેલાં હતી એટલી જગ્યાનો ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરનો ટ્રાન્ઝિટ કૅમ્પ પોતાના ખર્ચે બનાવી શકે છે. આ કાયદાનો લાભ લઈને મંગળવારે મહાનગરપાલિકાના આર-સાઉથ વૉર્ડ તરફથી આ ભાડૂતોને ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની પરવાનગી આપવામાં આવી હતી. આર-સાઉથ વૉર્ડ દ્વારા કરવામાં આવેલી પહેલનો ફાયદો હવે મુંબઈના હજારો ભાડૂતોને મળશે.’

મુંબઈમાં સૌથી પહેલી વાર ટ્રા‌ન્ઝિટ કૅમ્પની પરવાનગી
મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓને પણ કાયદાની કલમ ૪૯૯નો અભ્યાસ નથી એમ જણાવીને વૉર્ડ-નંબર ૩૦નાં બીજેપીનાં નગરસેવિકા લીના દરેકર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર કાયદાની ૪૯૯ કલમ હેઠળ ૨૪ વર્ષથી પુનર્વસન માટે લડી રહેલા કાંદિવલીના સૂર્યોદય બિલ્ડિંગના ભાડૂતોને પુનર્વસન માટે ટ્રાન્ઝિટ કૅમ્પ બનાવવાની પરવાનગી આપી છે. આ માટે અમારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર સુધી દોડાદોડી કરવી પડી હતી. ત્યાર બાદ સંબંધિત અધિકારીઓને કલમ ૪૯૯ની ઊંડાણથી જાણકારી આપી હતી. હજી આ પરવાનગી પછી પણ ભાડૂતોએ અનેક વિભાગોમાં નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવા માટે ભાગદોડ કરવાની છે. તેમનો ટ્રાન્ઝિટ કૅમ્પનો પ્લાન આર્કિટેક્ટ રાખીને પાસ કરાવવાનો છે, પરંતુ એમાંથી પણ અમે પાર ઊતરી જઈશું એની મને આશા છે. સૂર્યોદય બિલ્ડિંગના ભાડૂતો મુંબઈના હજારો ભાડૂતોને પ્રોત્સાહિત કરશે.’   

૨૪ વર્ષ પછી થઈ જીત 
કાંદિવલી-વેસ્ટના સૂર્યોદય બિલ્ડિંગને અત્યંત જોખમી જાહેર કરીને ૧૯૯૮ની સાલમાં મહાનગરપાલિકાએ ધ્વંસ કરી નાખ્યું હતું અને અમે એ દિવસથી અમારા પુનર્વસન માટે લડી રહ્યા હતા એમ જણાવીને આ મકાનના રહેવાસી અને સૂર્યોદય ઉન્નતિ વેલ્ફેર અસોસિએશનના સભ્ય ભરત દલાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું ‘પહેલાં તો અમારી જીત માટે અમે ‘મિડ-ડે’ના ખૂબ-ખૂબ આભારી છીએ. અમે પુનર્વસન માટે અમારા મકાનમાલિકથી લઈને મુંબઈ મહાનગરપાલિકા સુધી લડત ચલાવી હતી. જોકે અમને રિસ્પૉન્સ હંમેશાં નબળો મળતો હતો. આ દરમ્યાન મકાનમાલિકે અમારી જમીન પર ઇમારતનું પુનર્નિર્માણ કરવાને બદલે અમારી જમીન પ્લાસ્ટિકના પાઇપના એક વેપારીને ભાડે આપી દીધી હતી.’

આનાથી અમારા હોશકોશ ઊડી ગયા હતા એમ જણાવતાં ભરત દલાલે કહ્યું હતું કે ‘અમારા અથાગ પ્રયાસો પછી અમને પહેલાં મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરની, ત્યાર પછી મહાનગરપાલિકાના અન્ય સંબંધિત ‌‌ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્ઝિટ કૅમ્પ માટેની પરવાનગી મળવાની શરૂ થઈ હતી. મંગળવારે અમને મહાનગરપાલિકાના ઝોન-૭ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી પરવાનગી મળતાં હવે અમારી જ જમીન પર પુનર્વસનની આશા જન્મી છે. અમે મહાનગરપાલિકાના કાયદા અનુસાર હવે આગળ વધી રહ્યા છીએ.’

અમને જન્મેલી આશા મુંબઈ અને ઉપનગરોમાં અમારા જેવી જ માનસિક પીડા ભોગવી રહેલા હજારો પીડિતો માટે પણ આશાનું કિરણ બનશે એવી અમને પૂરેપૂરી આશા છે એમ જણાવતાં ભરત દલાલે કહ્યું હતું કે ‘અમને મળેલી માહિતી પ્રમાણે મુંબઈમાં નૉન-સેસ બિલ્ડિંગોમાં અમે સૌથી પહેલાં ૧૫ ભાડૂતો છીએ જેમને મહાનગરપાલિકાએ કાયદાની કલમ ૪૯૯ હેઠળ અમે વર્ષોથી વસતા હતા એ જ જગ્યા પર અમને ટ્રાન્ઝિટ કૅમ્પનું નિર્માણ કરવાની પરવાનગી આપી છે. ટ્રાન્ઝિટ કૅમ્પ બનવાથી અને એમાં પુનર્વસન કરવાથી અમે હવે અન્ય ભાડાની જગ્યામાં રખડતા બંધ થઈ જઈશું અને અમને માનસિક શાંતિ મળશે.’

12 May, 2022 08:20 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

વાગડની ચૂંટણીમાં મતગણતરી કઈ રીતે કરવી? મૅન્યુઅલી કે સ્કૅનિંગ મશીનથી?

શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનની ચૂંટણી લડી રહેલી એકતા પૅનલે મૅન્યુઅલ કાઉન્ટિંગની માગણી કરી છે, જ્યારે અખંડ વાગડ પૅનલનું કહેવું છે કે અમને સ્કૅનિંગ મશીનથી થતી ગણતરી પ્રત્યે પૂરો વિશ્વાસ છે

27 May, 2022 09:07 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

ઑનલાઇન ચારધામની યાત્રા બુક કરાવી અને ગુમાવ્યા નવ લાખ રૂપિયા

સિનિયર સિટિઝન ટ્રાવેલ એજન્ટે અજાણી વ્યક્તિ પાસે જાત્રા બુક કરાવવા જતાં યાત્રા અને પૈસા બન્ને ગુમાવ્યા

27 May, 2022 08:26 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

બીએમસીમાં રાજકીય ઓબીસી આરક્ષણ ૧૩ જૂને જાહેર કરાશે

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યના ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં આવેલી મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની તૈયારી આરંભી દીધી છે.

25 May, 2022 08:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK