° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


કૂતરાની સામે ક્રૂરતા બતાવવા બદલ બાઇકર સામે થયો કેસ

06 December, 2021 10:41 AM IST | Mumbai | Rohit Parikh

સિક્કાનગર પાસેથી એક બિઝનેસમૅન બાઇક પસાર થતો હતો ત્યારે ડૉગ ભસ્યો એટલે રોષમાં તેણે તેની બાઇક ડૉગના પગ પર ચડાવી દેતાં પશુપ્રેમીઓએ પોલીસ પાસે કેસ દાખલ કરાવ્યો

શામની સામે ફરિયાદ કરીને બહાર આવેલા જસ્ટ સ્માઇલ ટ્રસ્ટના કાર્યકરો અને ફરિયાદી સિમરન શુકલા

શામની સામે ફરિયાદ કરીને બહાર આવેલા જસ્ટ સ્માઇલ ટ્રસ્ટના કાર્યકરો અને ફરિયાદી સિમરન શુકલા

મુંબઈમાં છેલ્લાં થોડાં વર્ષોમાં જીવદયા અને પશુપ્રેમમાં વૃદ્ધિ આવી છે. આથી રસ્તા પર ચાલતા કે વાહનમાં જતા હોઈએ અને કોઈ પશુ વચ્ચે આવી જાય તો એ અબોલ મૂંગો જીવ છે એટલે એની સાથેનો દુર્વ્યવહાર આપણને કાયદાકીય ચુંગાલમાં ફસાવી શકે છે. ઘણા લોકો તેમના બિલ્ડિંગમાં ડૉગ અને બિલાડીઓથી કંટાળીને એમને મારવા લાગે છે તો ડ્રાઇવરો ડ્રાઇવ કરતી વખતે અબોલ જીવ શું કરી લેશે એમ માનીને એને વાહન નીચે કચડીને ઈજાગ્રસ્ત કરીને ભાગે છે. આવા લોકો કોઈ પશુપ્રેમીની નજરમાં આવી જાય તો તેમને કાયદાકીય મુસીબતોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. 
સાઉથ મુંબઈના સિક્કાનગર પાસે એક બિઝનેસમૅન બાઇકર પર ડૉગ ભસતાં એ બાઇકરે એ ડૉગના પગ પર બાઇક ચલાવીને એને ઈજાગ્રસ્ત કરતાં તેને છ કલાકથી વધુ સમય પોલીસ-સ્ટેશનમાં ગાળવો પડ્યો હતો. 
આ બનાવ શુક્રવારે રાતના ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બન્યો હતો. ગિરગામના કુંભારવાડામાં રહેતા બાવન વર્ષના બિઝનેસમૅન શામ ચંદ્રકાંત કોલવણકર તેમની બાઇક પર સિક્કાનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે અમુક પશુપ્રેમી ટીનેજર સ્ટ્રે-ડૉગને ખવડાવી રહી હતી. આ ડૉગમાંથી એક ડૉગ શામ પસાર થતાં ભસ્યો હતો. આથી રોષમાં આવેલા શામે તેની બાઇક પાછી વાળીને ડૉગના પગ પર ચડાવી દીધી હતી. એથી ડૉગ ચિલ્લાવા લાગ્યો હતો. ત્યાં ઊભેલી પશુપ્રેમી ટીનેજરો શામના આ વર્તનથી ઉશ્કેરાઈ ગઈ હતી. 
ત્યાર પછી આખા બનાવની માહિતી આપતાં ૨૦ વર્ષની સિમરન વિનોદ શુકલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શામનું ડૉગ સાથેનું આ વર્તન અમારાથી સહન થયું નહોતું. ડૉગ તો ઈજાગ્રસ્ત થઈને ત્યાંથી ચાલ્યો ગયો હતો, પણ અમે શામની બાઇકને પકડી લીધી હતી અને શામને ભાગતો રોકી દીધો હતો. અમે શામને પકડતાં જ શામ અમને દમ દેવા લાગ્યો હતો. તેણે અમને કહ્યું હતું કે તુમ કો કયા કરના હૈ, તુમ્હારે ઘર લેકે જાઓ જનાવર કો. એમ કહીને તે ગાળાગાળી કરવા લાગ્યો હતો કે એ ડૉગ મને મળે તો હું એને પકડીને મારી નાખું.’ 
શામના આ વર્તનથી મામલો બગડી ગયો હતો એમ જણાવતાં સિમરન શુકલાએ કહ્યું હતું કે ‘ત્યાર પછી બહુ દલીલો થતાં તેણે મારો હાથ મચકોડી નાખીને મને પણ મારવાની ધમકી આપી હતી. અમને ઝઘડતાં જોઈને સ્થાનિક રહેવાસીઓ પણ ભેગા થઈ ગયા હતા. આ જોઈને શામે પલટી ખાધી હતી. તે કહેવા લાગ્યો કે ડૉગે મને બટકું ભર્યું એટલે મેં એને ઈજા પહોંચાડી હતી. જોકે શામના શરીર પણ ક્યાંય ડૉગે બાઇટ ભર્યું હોય એવું નિશાન નહોતું. એથી તે ભોંઠો પડી ગયો હતો. તરત જ જસ્ટ સ્માઇલ ટ્રસ્ટની કાર્યકર સેજલ ત્યાં હાજર થઈ ગઈ હતી. તેણે શામને દબડાવતાં કહ્યું હતું કે તેં કોઈ લેડીઝનો હાથ પકડવાની હિંમત જ કેવી રીતે કરી? વધારે રકઝક થતાં જસ્ટ સ્માઇલ ટ્રસ્ટની સ્નેહા વિસરિયા અને અન્ય કાર્યકરો પણ ત્યાં હાજર થઈ ગયાં હતાં અને મામલો વી. પી. રોડ પોલીસ સ્ટેશનમાં ગયો હતો.’ 
જસ્ટ સ્માઇલ ટ્રસ્ટની સ્નેહા વિસરિયાએ આ મામલામાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શામનું વર્તન ચોરી ઉપર શિનાજોરીનું હતું. તેણે તેનો ક્કકો પકડી રાખ્યો હતો કે મને કૂતરાએ બટકું ભર્યું હતું એટલે મેં એને ઈજા પહોંચાડી. આથી અમે શામે ડૉગ અને ટીનેજરો સાથે કરેલા વર્તનનું સીસીટીવી કૅમેરાનું ફુટેજ પણ પોલીસને સોંપ્યું હતું. શામ તેની વાતને પોલીસ સમક્ષ સાબિત કરવામાં નિષ્ફળ જતાં તેના પર પોલીસે છ કલાક પછી પશુ પર અત્યાચાર કરવાનો ગુનો નોંધ્યો હતો.’
વી. પી. રોડ પોલીસ સ્ટેશનના ઇન્ક્વાયરી ઑફિસરે આ બનાવ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સી પી ટૅન્ક પાસે બનેલી ઘટનામાં આરોપી સામે ગુનો નોંધીને તેને કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. હવે કોર્ટ તેના પર કાર્યવાહી કરશે.’

06 December, 2021 10:41 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પ્રશાસને શું આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ?

ઘાટકોપરમાં વૅક્સિન લેવાથી મૃત્યુ થયું છે એવા ગેરપ્રચાર પછી ટીનેજરના પરિવારને મળવા ગયેલાં મુંબઈનાં મેયરે ત્યાં ભેગી થયેલી મેદની અને મીડિયાને આ સવાલ પૂછ્યો હતો

16 January, 2022 11:35 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

ક્લીન શેના, ડર્ટી માર્શલ

લૅમિંગ્ટન રોડના વેપારીઓએ બે દિવસમાં ઑથોરિટી લેટર કે યુનિફૉર્મ વગર ફરતા ક્લીન-અપ માર્શલોને ખુલ્લા પાડ્યા

15 January, 2022 09:33 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

૨૪ કલાકમાં કોવિડ ટેસ્ટના રિઝલ્ટનાં બણગાં : બીએમસીનાં વાતોનાં વડાં

મહાનગરપાલિકા સતત કહે છે, ૨૪ કલાકમાં કોરોનાની ટેસ્ટના રિપોર્ટ મળે એવી વ્યવસ્થા કરી છે, પણ ઘાટકોપરમાં એકનાં સૅમ્પલ્સ ગુમાવી દીધાં ને બીજાનો રિપોર્ટ છઠ્ઠા દિવસે આપ્યો

12 January, 2022 10:13 IST | Mumbai | Rohit Parikh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK