Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકબીજાને હરાવવા માટે કાકા-ભત્રીજાએ લગાવ્યું જબરદસ્ત જોર

એકબીજાને હરાવવા માટે કાકા-ભત્રીજાએ લગાવ્યું જબરદસ્ત જોર

06 May, 2024 06:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે સાંજે પ્રચાર પૂરો થયો એ પહેલાં શરદ પવાર અને અજિત પવારે ત્રણ-ત્રણ સભા યોજીને મતદારોને રીઝવવા માટે લગાવી સૉલિડ તાકાત

શરદ પવાર અને અજિત પવાર

શરદ પવાર અને અજિત પવાર


આખા દેશની હૉટેસ્ટ સીટ બારામતી પર નણંદ જીતશે કે ભાભી એનો આવતી કાલે મતદારો કરશે ફેંસલો

લોકસભાની આ વખતની ચૂંટણીમાં પહેલી વખત મહારાષ્ટ્રમાં પવાર સામે પવારનો જંગ છે એટલે દેશની સૌથી હૉટ બેઠક બારામતી બની ગઈ છે. અહીં ત્રણ ટર્મથી સંસદસભ્ય રહેલા શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેનો મુકાબલો શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર સાથે છે. અહીં મંગળવારે ત્રીજા તબક્કામાં મતદાન થશે. ગઈ કાલે પ્રચારનો છેલ્લો દિવસ હતો એટલે સવારથી સાંજ સુધી બન્ને નેતા અને તેમના સહયોગીઓએ અનેક જગ્યાએ જાહેરસભા કરીને મતદારોને રીઝવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. 
પ્રચારના છેલ્લા દિવસે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના શરદ પવારની બારામતી લોકસભા મતદાર ક્ષેત્રમાં આવતાં ભોર, ઇન્દાપુર અને બારામતીમાં સભાઓ કરી હતી. શરદ પવારે આ ત્રણેય સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાંથી દૂર કરવા માટે વિરોધી પક્ષોનું ગઠબંધન તૈયાર કરવામાં આવ્યું હોવાનું કહીને મતદારોને સુપ્રિયા સુળેને વિજયી બનાવવા માટેની અપીલ કરી હતી. શરદ પવારે કહ્યું હતું કે ‘કેન્દ્રની મોદીની સરકારે સત્તાનો દુરુપયોગ કરીને વિરોધ કરનારાઓને જેલમાં નાખ્યા છે. આ સરકાર તાનાશાહી તરફ વધી રહી છે. આથી નરેન્દ્ર મોદીને રોકવા ખૂબ જ જરૂરી છે. લોકસભાની ચૂંટણી ખૂબ જ મહત્ત્વની છે, જે દેશને નવી દિશા આપશે. વિરોધી પક્ષના કાર્યકરો અમારા કાર્યકરોને ધમકાવી રહ્યા છે. તેમની ધમકીથી ડરવાને બદલે તમારે બધાએ એકજૂથમાં રહીને મતદાન કરવું જોઈએ. નરેન્દ્ર મોદીની દસ વર્ષની સરકારમાં યુવાનોને નોકરી આપવાથી લઈને શિક્ષણસંબંધી કોઈ કામ કરવામાં નથી આવ્યાં. ખેતીને લગતી સમસ્યાનો ઉકેલ લાવવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે.’



ઇન્દાપુરની જાહેરસભામાં શરદ પવારે કહ્યું હતું કે ‘અહીં કેટલાક લોકો અમને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ તેમને વિરોધી પક્ષોએ ધમકાવ્યા છે કે અમારી વાત નહીં માનો તો તમારી ખેતીનું પાણી બંધ કરી દેવામાં આવશે. ખેતીનું પાણી કોઈના બાપની એસ્ટેટ નથી. હું ધમકી આપનારાઓને કહું છું કે તમને સીધા કરવામાં મને સમય નહીં લાગે એ ધ્યાનમાં રાખજો.’
શરદ પવારની જેમ અજિત પવારે પણ ગઈ કાલે પ્રચારના છેલ્લા દિવસે ભોર, બારામતી અને ઇન્દાપુરમાં તો બાકીના ભાગમાં સહયોગીઓએ જાહેરસભા દ્વારા પત્ની સુનેત્રા પવાર માટે પ્રચાર કર્યો હતો. અજિત પવારે તેમની ઇન્દાપુરની સભામાં બંધારણ બદલવાની અફવા ફેલાવનારાઓ પર નિશાન તાકતાં કહ્યું હતું કે ‘બંધારણ દિવસની ઉજવણી કરવાની શરૂઆત મહાયુતિની સરકારે કરી છે. અમે ફરી સત્તામાં આવીશું તો બંધારણ બદલી નાખીશું એવી અફવા ફેલાવીને લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. કૉન્ગ્રેસે ક્યારેય બંધારણ દિવસની ઉજવણી કરી હતી કે? અરે, કૉન્ગ્રેસે તો બંધારણની રચના કરનારા બાબાસાહેબને ચૂંટણીમાં હરાવ્યા હતા. ભારતના બંધારણમાં અત્યાર સુધી ૧૦૬ વખત સુધારા કરવામાં આવ્યા છે. એમાંથી કૉન્ગ્રેસ સત્તામાં હતી ત્યારે ૯૬ વખત ફેરફાર થયો છે. જ્યાં સુધી સૂરજ-ચંદ્ર રહેશે આપણા બંધારણને કોઈ બદલી નહીં શકે.’


સુપ્રિયા સુળેએ તાજેતરમાં ટોણો માર્યો હતો કે સંસદમાં પતિને પ્રવેશ નથી અપાતો. તેણે કૅન્ટીનમાં પર્સ સંભાળવું પડે છે. આ વિશે અજિત પવારે કહ્યું હતું કે ‘સુપ્રિયા આવી વાત કરીને લોકોને મૂર્ખ બનાવી રહ્યાં છે. તેઓ ત્રણ ટર્મથી સંસદસભ્ય છે ત્યારે પતિ સદાનંદ સંસદમાં સુપ્રિયાનું પર્સ સંભાળે છે? હું બોલવાનું શરૂ કરીશ તો મુંબઈ પહોંચવું પણ મુશ્કેલ થઈ જશે.’

બારામતીની સભામાં અજિત પવારે સુપ્રિયા સુળેને નિશાના પર લેતાં ‍કહ્યું હતું કે ‘અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ટીકા કરીને સંસદરત્ન મેળવવાથી વિકાસ ન થાય. બારામતીમાં પાણીનો મોટો પ્રશ્ન છે. એ ઉકેલવો જરૂરી છે. મોદીની ગૅરન્ટી તમને ખબર છે. આથી તેઓ જે બોલે છે એ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. વિરોધીઓ હું બધાને દમ આપી રહ્યો હોવાનું કહે છે. એવું હોત તો ૩૦ વર્ષથી હું ચૂંટાઈ આવું છું એનું શું? તમે ભાવનામાં આવીને નહીં પણ કોણ પોતાના વિસ્તારનો વિકાસ કરશે એને ધ્યાનમાં રાખીને મતદાન કરજો. પરિવાર અને સંબંધનું રાજકારણ કરીને ક્યારેય વિકાસ ન થાય.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK