આશિષ શેલારે કહ્યું હતું કે ‘મનોજ જરાંગે પાટીલ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સતત ટાર્ગેટ બનાવી રહ્યા છે`
ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું કે ‘મનોજ જરાંગે પાટીલ મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેની માગણી કરીને આંદોલન કરે છે એમાં અમે સાથે છીએ અને આરક્ષણ આપ્યું પણ છે. જોકે જેમણે મરાઠા સમાજને આરક્ષણ નથી આપ્યું અથવા તો મળ્યું હતું તો પણ ગુમાવ્યું છે તેમના વિરોધમાં મનોજ જરાંગે પાટીલ બોલતા નથી. મહારાષ્ટ્રમાં હિન્દુઓના હિતની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી (BJP)ને ખતમ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.’
પત્રકારો સાથેની વાતચીતમાં આશિષ શેલારે કહ્યું હતું કે ‘મનોજ જરાંગે પાટીલ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સતત ટાર્ગેટ બનાવી રહ્યા છે. મરાઠા સમાજને કાયદાકીય રીતે આરક્ષણ દેવેન્દ્ર ફડણવીસ અને BJPએ અપાવ્યું છે. આ વાત મનોજ જરાંગે પાટીલ ભૂલી ગયા છે. તેઓ સમાજના હિતની વાત કરશે ત્યાં સુધી અમે તેમની સાથે છીએ, પણ મર્યાદા છોડશે તો અમે પણ એવી ભાષામાં જવાબ આપીશું. છેલ્લા કેટલાક સમયથી જોઈએ છીએ કે કૉન્ગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા, તેમની સંસ્થા, સંગઠન, અર્બન નક્સલ અને આંદોલન કરનારા કેટલાક લોકોની સાથે મનોજ જરાંગે પાટીલનાં નિવેદનોમાં BJPને ખતમ કરવાની એકરૂપતા દેખાય છે. BJPને ખતમ કરવાનો અર્થ એ છે કે મહારાષ્ટ્રમાં હિન્દુ હિતની વાત કરનારા ન બચવા જોઈએ. આ લોકો દેવેન્દ્ર ફડણવીસને ખતમ કરવાની, BJPને ખતમ કરવાની સતત વાત કરી રહ્યા છે. તેઓ હિન્દુઓને જાતિ-જાતિમાં વિભાજિત કરી રહ્યા છે. આ એક મોટું કાવતરું છે.’


