કોંકણથી રોપાઓ લઈને તૈયાર કરેલી આફ્રિકાની આફૂસ ડિસેમ્બર સુધી મળશે. જોકે એક બૉક્સની કિંમત છે ૪૫૦૦થી ૫૫૦૦ રૂપિયા

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આવેલી આફ્રિકાની આફૂસ કેરી. પીટીઆઈ
મુંબઈ : ભારતમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કેરી આવે છે, પરંતુ નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આફ્રિકાના માલાવી દેશની આફૂસ કેરીનું શનિવારથી આગમન થઈ ગયું છે. અંદાજે ૫૧૮ બૉક્સ ભરીને કેરી આવી છે. દરેક બૉક્સની કિંમત અંદાજે ૪,૫૦૦થી ૫,૫૦૦ રૂપિયા છે. કેરીની કિંમત વધુ હોવાથી સામાન્ય લોકો એને ખરીદતા નથી, પરંતુ કૉર્પોરેટ્સમાં દિવાળીની ભેટ તરીકે આ કેરી આપવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોંકણની આફૂસ આંબાના રોપાઓ લઈ જઈને ત્યાં વૃક્ષોને ઉછેરવામાં આવ્યા હતા. ત્યાંનું હવામાન અહીંની આફૂસ કેરીઓને માફક આવી ગયું છે. વળી આ કેરીઓનો દેખાવ પણ અદ્દલ આફૂસ જેવો જ છે. ૨૦ ડિસેમ્બર સુધી આ માલાવી આફૂસ કેરીઓની આવક ચાલુ રહેશે.

