બીએમસીના ગાર્ડન ડિપાર્ટમેન્ટે નવરાત્રિના ગરબાનું વિસર્જન દરિયામાં ન કરતાં એમને વૉર્ડ-ઑફિસોમાં જમા કરવા કહ્યું અને ત્યાર બાદ એમાં નાના-નાના છોડ ઉગાડવામાં આવ્યા : દિવાળીમાં ગરબામાં ઉગાડેલા છોડની રંગોળી કરવામાં આવી અને રંગોળીની ફરતે અને ડેકોરેશનરૂપે
બીએમસીની ચેમ્બુરની ઑફિસમાં રંગોળીની ફરતે ગરબામાં ઉગાડેલા ફૂલછોડથી કરાયેલું ડેકોરેશન.
મુંબઈ ઃ નવરાત્રિમાં ઘરે-ઘરે ગરબાની સ્થાપના થતી હોય છે અને એનું મોટા ભાગે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. જોકે દરિયાનો સ્વભાવ છે કે તમે એને જે આપશો એ તમને પાછું આપશે. એ મુજબ ભરતીના સમયે દરિયામાં તરતા મૂકી દેવાયેલા ગરબા પાછા કિનારે આવીને પથરાયેલા જોવા મળતા હોય છે. જોકે બીએમસી દ્વારા આ વર્ષે સરસમજાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બીએમસીના ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા એ ગરબાનું વિસર્જન દરિયામાં ન કરતાં એમના વૉર્ડની ઑફિસોમાં જમા કરવા કહ્યું હતું અને ત્યાર બાદ એમાં નાના-નાના છોડ ઉગાડવામાં આવ્યા છે. બીએમસીના એમ-વેસ્ટ વૉર્ડ સહિત અન્ય ઑફિસમાં આ વખતે દિવાળીમાં ગરબામાં ઉગાડેલા છોડની રંગોળી કરવામાં આવી હતી અને રંગોળીની ફરતે અને ડેકોરેશનરૂપે અનેક જગ્યાએ એ ગોઠવવામાં આવ્યા છે. આમ માટીના રંગીન ડેકોરેશન કરેલા ગરબામાં જ્યારે છોડ ઊગી ઊઠ્યા ત્યારે એ દીપી ઊઠ્યા હતા. બીએમસીના ગાર્ડન ડિપાર્ટમેન્ટનું કુદરત પાસેથી લીધું અને કુદરતને પાછું આપ્યું એ સૂત્ર ખરેખર કામ કરી ગયું.
ગરબાના આવા સુંદર અને પાર્યવરણલક્ષી ઉપયોગ બાબતે માહિતી આપતાં બીએમસીના ગાર્ડન ડિપાર્ટમેન્ટના સુપરિન્ટેન્ડેન્ટ જિતેન્દ્ર પરદેશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં જગ્યાની અછત છે એટલે અમે માઇક્રો ગ્રીનિંગના કન્સેપ્ટ પર કામ કરી રહ્યા છીએ. એમાં વર્ટિકલ ગાર્ડન ઊભું કરવા ઉપરાંત ટેરેસ ગાર્ડન અને બાલ્કની ગાર્ડનને અમે પ્રોત્સાહન આપીએ છીએ. અમે જોયું કે નવરાત્રિમાં ગરબાનું સ્થાપન થાય છે એ માટીના જ બનેલા હોય છે. એથી જ એ ફરી માટીમાં ભળી જાય કે પછી માટી સાથે એનો નાતો જોડી દેવાય તો એ ઉત્તમ રિઝલ્ટ આપી શકે. એથી આ વખતે અમે અમારા બીએમસીના ૨૪ વૉર્ડમાં આ અભિયાન ચાલુ કર્યું હતું. ઘણાં મંડળો ફુટપાથ પર કે રોડ પર નવરાત્રિ ઊજવતાં હોય છે તેઓ બીએમસી પાસે પરવાનગી લેવા આવતાં હોય છે. એમને અમે પરવાનગી આપતી વખતે જ કહ્યું હતું કે તમે જે વિસર્જન માટેના ગરબા દરિયામાં પધરાવો છો એ દરિયામાં ન પધરાવતાં અમને આપજો, અમે એમાં ફૂલછોડ ઉગાડીશું. મોટા ભાગના વૉર્ડમાં એને વધતો-ઓછો રિસ્પૉન્સ મળ્યો. દશેરામાં એ ગરબા અમારી પાસે જમા થયા. ત્યાર બાદ અમારા સ્ટાફે એમાં માટી-ખાતર સાથે નાના-નાના ફૂલછોડ વાવ્યા અને પાણી પાયું. ૨૦ દિવસ પછી એનું સુંદર પરિણામ જોવા મળ્યું. એ છોડે ગરબામાં ઊગવાનું શરૂ કરી દેતાં નજારો જ બદલાઈ ગયો. સુંદર ડેકોરેશન કરેલા ગરબામાં હવે સરસમજાના છોડ ઊગી રહ્યા છે. બીએમસીની ઑફિસોમાં આ વર્ષે એથી દિવાળીની રંગોળીની આસપાસ એ ગરબા ગોઠવી ડેકોરેશન કરાયું છે અને ઘણી જગ્યાએ એ ગરબામાં ઉગાડાયેલા છોડથી જ રંગોળી પણ કરાઈ છે. વેસ્ટમાંથી બેસ્ટનું આ સુંદર ઉદાહરણ અમારી સામે હતું. અમે પર્યાવરણને અનુરૂપ એવું જે કુદરત પાસેથી લીધું એ ઇકો-ફ્રેન્ડ્લી મટીરિયલ ફરી કુદરતને જ પાછું આપવાનો નિર્ધાર કર્યો છે અને એમાં મુંબઈગરાનો પણ સહકાર મળી રહ્યો છે જે આગળ પણ મળતો રહેશે એવી આશા છે.’