સાડાપંદર લાખ રૂપિયાના દાગીના અને ૫૦ હજાર રોકડા ચોરી ગયા
પ્રતીકાત્મક તસવીર
પ્રેન્ગન્ટ બહેનની ડિલિવરી કરાવવા તેને કૂપર હૉસ્પિટલમાં લઈ ગયેેલ ભાઈના ઘરેથી ચોરો આશરે સાડાપંદર લાખ રૂપિયાના દાગીના અને પચાસ હજાર રૂપિયાની રોકડ તફડાવી ગયા હોવાની ફરિયાદ અંધેરી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. આ મામલે પોલીસ ઘટનાસ્થળની નજીકમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી આરોપીને શોધવાની કોશિશ કરી રહી છે. બહેન સિંપી મિશ્રા ડિલિવરી માટે ભાઈ વિનય ઉપાધ્યાયના અંધેરી-ઈસ્ટના ઘરે આવી હતી. તસ્કરો તેના પણ આશરે સાડાપાંચ લાખ રૂપિયાના દાગીના તફડાવી ગયા હતા.
અંધેરી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સવારે સિંપીને લેબર-પેઇન શરૂ થતાં ડિલિવરી માટે તેને વિનય અને તેની પત્ની કૂપર હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં જ્યાં તેની આખો દિવસ ટ્રીટમેન્ટ ચાલી હતી. દરમ્યાન સાંજે ડિલિવરી થતાં વિનય પોતાના ઘરે આવ્યો હતો. એ સમયે તેણે ઘરનો દરવાજો ખુલ્લો જોયો હતો. અંદર જઈને તપાસ કરતાં કબાટમાં રાખેલા સોનાના દાગીના ચોરી થયા હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ વધુ તપાસ કરતાં માલૂમ થયું હતું કે સિંપી અને વિનયની પત્નીના આશરે સાડાપંદર લાખ રૂપિયાના દાગીના ચોરી થયા હતા. એ ઉપરાંત સિંપીના હૉસ્પિટલમાં ભરવા માટે રાખેલા પચાસ હજાર રૂપિયાની રોકડ પણ ચોરી થઈ હતી. અંતે ઘટનાની જાણ અમને કરવામાં આવતાં અમે અજ્ઞાત ચોરો સામે ફરિયાદ નોંધી છે.’


