બુકી અનિલ જયસિંઘાનીએ ધરપકડને ગેરકાયદે ગણાવીને એફઆઇઆર રદ કરવા માટે હાઈ કોર્ટ સમક્ષ કરી રજૂઆત

ફાઇલ તસવીર
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને લાંચ આપવાના તથા બ્લૅકમેઇલ કરવાના કથિત આરોપી શંકાસ્પદ બુકી અનિલ જયસિંઘાનીએ પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવીને તેની સામેનો એફઆઇઆર રદ કરવા ગઈ કાલે મુંબઈ હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. અનિલ જયસિંઘાનીએ એવો દાવો કર્યો હતો કે તેની સામેનો એફઆઇઆર દુર્ભાવનાપૂર્ણ તથા રાજકીય રીતે પ્રેરિત છે અને કાયદેસર નથી.
અમૃતા ફડણવીસને ક્રિમિનલ કેસમાં મધ્યસ્થી કરવા કથિત રીતે એક કરોડ રૂપિયાની લાંચ ઑફર કરનાર અને તેમને ધમકી આપનાર અનિલ જયસિંઘાનીની પુત્રી અનીક્ષાની ધરપકડ ૧૬ માર્ચે કરવામાં આવી હતી. અનિલ જયસિંઘાની અને આ કેસમાં આરોપી તેમ જ તેમના સંબંધી નિર્મલ જયસિંઘાનીની ધરપકડ ૨૦ માર્ચે ગુજરાતથી કરવામાં આવી હતી.
ઍડ્વોકેટ મનન સાંઘાઈ દ્વારા ફાઇલ કરવામાં આવેલી પિટિશનમાં જણાવાયું હતું કે આ ગુનો દુર્ભાવનાપૂર્ણ છે તથા પિટિશનર અનિલ જયસિંઘાની અને તેમના સહયોગી નિર્મલ જયસિંઘાનીને બળજબરી આ કેસમાં સંડોવવામાં આવ્યા છે. અનિલ જયસિંઘાનીએ હાઈ કોર્ટમાં વચગાળાના જામીનની અરજી પણ કરી હતી, જેની સુનાવણી સોમવાર, ૨૭ માર્ચે કરવામાં આવશે.