જિતેન્દ્રના પરિવારે આરોપ લગાવ્યો હતો કે પોલીસે પગલાં લીધાં નહોતાં, પણ કોર્ટના આદેશ બાદ FIR નોંધવામાં આવ્યો છે.
નિખિલ નંદા
અમિતાભ બચ્ચનના જમાઈ અને ટ્રૅક્ટર બનાવતી એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર નિખિલ નંદા પર ઉત્તર પ્રદેશના બદાયૂંના એક ટ્રૅક્ટર-ડીલરને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના બદાયૂમાં દાતાગંજ પોલીસ-સ્ટેશને ટ્રૅક્ટર એજન્સીના માલિક જિતેન્દ્ર સિંહને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના કેસમાં નિખિલ નંદા સહિત ૮ અધિકારીઓ સામે FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધ્યો છે. ફરિયાદી જિતેન્દ્રના ભાઈ જ્ઞાનેન્દ્રએ આરોપ લગાવ્યો છે કે કંપનીના અધિકારીઓ ટ્રૅક્ટરના સેલ્સને વધારવા માટે જિતેન્દ્ર સિંહ પર દબાણ લાવતા હતા અને પરિણામે તેણે આત્મહત્યા કરી હતી. જે ૮ અધિકારીઓ સામે FIR નોંધાયો છે એમાં નિખિલ નંદાનો પણ સમાવેશ છે.
ADVERTISEMENT
અપર સિવિલ જજ જુનિયર ડિવિઝન, દાતાગંજની કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપ એવો મૂકવામાં આવ્યો છે કે વેચાણ ઓછું થઈ જવાથી ડીલર જિતેન્દ્ર સિંહને ધમકાવવામાં આવ્યો હતો અને તેની ડીલરશિપ રદ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીથી માનસિક રૂપથી પરેશાન થઈને તેણે ૨૦૨૪ની ૨૨ નવેમ્બરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
જિતેન્દ્રના પરિવારે આરોપ લગાવ્યો હતો કે પોલીસે પગલાં લીધાં નહોતાં, પણ કોર્ટના આદેશ બાદ FIR નોંધવામાં આવ્યો છે. જિતેન્દ્રના પિતા શિવ સિંહને નિખિલ નંદા કોણ છે એની જાણ નથી. તેમણે જણાવ્યું હતું કે અમને ખબર નથી તે કોણ છે, પણ અમને ન્યાય મળવો જોઈએ.
કોણ છે નિખિલ નંદા?
નિખિલ નંદા સ્વર્ગીય શોમૅન રાજ કપૂરની દીકરી રીતુ નંદાના પુત્ર છે. તેમણે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે લગ્ન કર્યાં છે અને તેમને નવ્યા નવેલી નંદા નામની દીકરી અને અગસ્ત્ય નંદા નામનો દીકરો છે.


