આખરે શુક્રવારે બિલ્ડરે આ બદલ પોલીસમાં ફરિયાદ કરી હતી. શિવાજીનગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
પ્રતીકાત્મક તસવીર
અંબરનાથમાં રહેતા અને પોતાના બે દીકરાઓ સાથે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ૬૮ વર્ષના બિલ્ડરને નાશિકનો ગઠિયો ૨.૫ કરોડમાં છેતરી ગયો હતો.
બિલ્ડરે તેની ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેને ૨૫ કરોડની લોન જોઈતી હતી. કોઈ ઓળખીતાએ તેને નાશિકમાં રહેતા આરોપીનો સંપર્ક કરાવ્યો હતો. આરોપીએ તેને ૨૫ કરોડની લોન ૭ ટકાના વ્યાજદરે અપાવવાનું ગાજર બતાવ્યું હતું, પણ એ માટે લોનના ૧૦ ટકા કમિશન પેટે આપવા પડશે એમ જણાવ્યું હતું. આ માટે બિલ્ડરે તૈયારી દર્શાવતાં એક ખાસ ઍગ્રીમેન્ટ પણ બનાવવામાં આવ્યું હતું. ઑગસ્ટ ૨૦૧૭થી લઈને જાન્યુઆરી ૨૦૧૯ દરમ્યાન બિલ્ડરે આરોપીની કંપનીને ત્રણ હપ્તામાં ૨.૫ કરોડ રૂપિયા આપ્યા હતા. જોકે એ પછી લોનની રકમ મેળવવા માટે બિલ્ડરે આરોપીને અનેક ફોન કર્યા હતા, પણ એ લોનના પૈસા તેને મળ્યા જ નહીં. આખરે શુક્રવારે બિલ્ડરે આ બદલ પોલીસમાં ફરિયાદ કરી હતી. શિવાજીનગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
ADVERTISEMENT
થાણેમાં ભંગારના એક ગોડાઉનમાં મોટી આગ લાગી
શીલફાટામાં આવેલા ભંગારના એક ગોડાઉનમાં રવિવારે આગ લાગી હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘પ્લાસ્ટિક મટીરિયલ ભરેલા આ ગોડાઉનમાં સવારે સાડાદસ વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની સૂચના મળી હતી. થાણે અને નવી મુંબઈની ફાયર-બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગ ઘણી ફેલાઈ ચૂકી હોવાથી એને કાબૂમાં લેવામાં ૩ કલાક જેટલો સમય લાગ્યો હતો. આશરે દોઢ વાગ્યે આગ બુઝાઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી. કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.’
લોકલ ટ્રેનમાં ખોવાઈ ગયેલી સોનાના દાગીના ભરેલી બૅગ શોધી આપી રેલવે પોલીસે
સાતારાથી આવેલી એક મહિલા મુસાફર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જતી ટ્રેનમાં પોતાની બૅગ ભૂલી ગઈ હતી. આ બૅગમાં સોનાના દાગીના ઉપરાંત અન્ય મહત્ત્વની વસ્તુઓ હતી. અંદાજિત ૪.૨૩ લાખ રૂપિયાનો સામાન ભરેલી બૅગ ગુમ થવાની ફરિયાદ વડાલા રેલવે પોલીસને મળતાં પોલીસે ડૉકયાર્ડ રોડ સ્ટેશન પર ટ્રેનના ડબ્બાઓમાં શોધખોળ કરી હતી. ત્યાં તેમને ફરિયાદી મહિલાએ ખોવાયેલા સામાનનું વર્ણન કર્યું હતું એવો જ સામાન ભરેલી બૅગ મળી હતી. કૅમેરા, સોનાના દાગીના તેમ જ અન્ય વસ્તુઓ મળીને ૪.૨૩ લાખ રૂપિયાના સામાનની ખરાઈ કરીને મહિલા મુસાફરને બૅગ પાછી આપવામાં આવી હતી એમ વડાલા રેલવે પોલીસના અધિકારી જણાવ્યું હતું.

