રેલવે પરિસરોમાંથી દબાણ હટાવવા, પ્લૅટફૉર્મ પરનાં જોખમી સ્ટ્રક્ચર્સ દૂર કરવા, એસ્કેલેટર્સ અને બાઉન્ડરી-વૉલ બનાવવા તેમ જ ટ્રૅકના વળાંક પર વ્હિસલ બોર્ડ મૂકવાનાં કામોની યાદી છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબ્રા રેલવે-સ્ટેશન નજીક ટ્રેનમાંથી પડી જવાને કારણે પાંચ મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. રેલવેમાં આવા બનાવો ટાળવા માટે સેન્ટ્રલ રેલવેએ એણે લીધેલાં સુધારાત્મક પગલાં દર્શાવતી ઍફિડેવિટ બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. એમાં રેલવે પરિસરોમાંથી દબાણ હટાવવા, પ્લૅટફૉર્મ પરનાં જોખમી સ્ટ્રક્ચર્સ દૂર કરવા, એસ્કેલેટર્સ અને બાઉન્ડરી-વૉલ બનાવવા તેમ જ ટ્રૅકના વળાંક પર વ્હિસલ બોર્ડ મૂકવાનાં કામોની યાદી છે.
સેન્ટ્રલ રેલવે તરફથી સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મૅનેજર પ્રવીણચંદ્ર વણઝારીએ ઍફિડેવિટ રજૂ કરી હતી. એમાં જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મના છેડે બનાવાયેલા અમુક જોખમી રૅમ્પ હટાવવામાં આવ્યા છે. ઉપરાંત રેલવે પરિસરમાંથી છેલ્લાં ૩ વર્ષમાં ૧૨૬૭ અતિક્રમણ હટાવવામાં આવ્યાં છે, ૭૩ જેટલા ટ્રેસપાસિંગ ઝોન બંધ કરવામાં આવ્યા છે, ૧૭૬ નવા એસ્કેલેટર મૂકવામાં આવ્યાં છે, દીવા સ્ટેશનના ટ્રૅક પર બાઉન્ડરી-વૉલ બનાવવામાં આવી છે તેમ જ તાજેતરમાં ટ્રૅકના વળાંક પર મોટરમૅનને અલર્ટ કરવા માટે વ્હિસલ બોર્ડ લગાવવામાં આવ્યાં છે.’
ADVERTISEMENT
વ્હિસલ બોર્ડ એ રેલવેની ભાષામાં એવું સાંકેતિક બોર્ડ છે જેમાં W/L (વ્હિસલ/ લેવલ ક્રૉસિંગ) લખેલું હોય છે. આ બોર્ડ એવી જગ્યાએ મૂકવામાં આવે છે જ્યાં મોટરમૅનને ટ્રૅક બરાબર રીતે દેખાતો ન હોય અથવા લેવલ ક્રૉસિંગ હોય. આ બોર્ડ વાંચીને મોટરમૅન વ્હિસલ વગાડીને ત્યાંથી પસાર થતાં લોકોને અને ટ્રૅક પર કામ કરતા વર્કરને ચેતવી શકે છે.

