કાંદિવલીના લક્ષ્મી નિવાસ બિલ્ડિંગના બેઘર બનેલા ભાડૂતોને ૧૧ વર્ષની લાંબી લડત પછી કંઈક હકારાત્મક પરિણામ મળ્યું
લક્ષ્મી નિવાસના ૬ ભાડૂતો.
કાંદિવલીના લક્ષ્મી નિવાસ બિલ્ડિંગના બેઘર બનેલા ભાડૂતોને ૧૧ વર્ષની લાંબી લડત પછી કંઈક હકારાત્મક પરિણામ મળ્યું : BMCએ તેમના તોડી પડાયેલા બિલ્ડિંગના પ્લૉટ પર ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની મંજૂરી આપી : ૩૫૦ સ્ક્વેર ફીટની એક રૂમ બાંધવાનો ખર્ચ અંદાજે સાડાસાત લાખ રૂપિયા
કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પરના લક્ષ્મી નિવાસ બિલ્ડિંગના ભાડૂતોએ જ્યાં સુધી ડેવલપર તેમની ઇમારતનું રીડેવલપમેન્ટ કરે નહીં ત્યાં સુધી એ જ પ્લૉટ પર કામચલાઉ ટ્રાન્ઝિટ કૅમ્પ સ્વખર્ચે બાંધવાની શરૂઆત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. તેઓ આ ટ્રાન્ઝિટ કૅમ્પ મુંબઈ મહાનગરપાલિકાની પરવાનગીથી બાંધી રહ્યા છે. લક્ષ્મી નિવાસના ભાડૂતોને ૧૧ વર્ષની લાંબી લડત પછી તેમનાં ઘર પાછાં મેળવવામાં સફળતા મળી છે.
ADVERTISEMENT
લક્ષ્મી નિવાસ બિલ્ડિંગને મુંબઈ મહાનગરપાલિકાએ અત્યંત જોખમી બિલ્ડિંગ જાહેર કરીને ૨૦૧૪ની ૧૮ જુલાઈએ ખાલી કરાવ્યું હતું. ત્યારથી આ બિલ્ડિંગના ૧૨ ભાડૂતો પુનર્વસન માટે મુંબઈ મહાનગરપાલિકા અને તેમના લૅન્ડલૉર્ડ સામે લડી રહ્યા હતા. જોકે મહાનગરપાલિકા બેઘર બનેલા ભાડૂતોને અનેક આંદોલનો પછી પણ ન્યાય આપવા ટસની મસ થતી નહોતી.

કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પર લક્ષ્મી નિવાસના ભાડૂતોના ખર્ચે બંધાઈ રહેલી ટ્રાન્ઝિટ કૅમ્પની રૂમો. તસવીર : નિમેશ દવે
અમારી લાંબી લડત પછી અમને ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની પરવાનગી આપવા મહાનગરપાલિકા તૈયાર થઈ હતી એમ જણાવતાં આ ભાડૂતોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ઇમારતને ધરાશાયી કરી ત્યારે અમને વહેલી તકે ઘર આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. એ વાયદાના ભરોસે અમે વર્ષોથી અમારું ઘર હોવા છતાં બીજે ભાડા પર રહીએ છીએ. અમારામાંથી અમુક સિનિયર સિટિઝનો પાસે હવે બહાર ભાડાં આપવા માટે પણ પૈસા નથી ત્યારે અમને અમારી ઇમારતના ખાલી પ્લૉટ પર ટ્રાન્ઝિટ કૅમ્પ પણ અમારા ખર્ચે બાંધવાનું મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું હતું. એમાં મહાનગરપાલિકાને બૅન્ક-ગૅરન્ટી આપવાથી લઈને અમારાં ચાલ-ટાઇપનાં મકાનો ઊભાં કરવા માટે એક-એેક ભાડૂતે અંદાજે સાડાસાત લાખ રૂપિયા કાઢવા પડ્યા છે. મહાનગરપાલિકાના કાયદા પ્રમાણે આ બધો બોજ અમે ઉપાડ્યો છે, જ્યારે લૅન્ડલૉર્ડના માથે એક પૈસાનો બોજો આવતો નથી. આમ છતાં અમે સબકા સાથ, સબકા વિકાસના સૂત્રને વળગીને રહ્યા હતા. અમારે કોઈ પણ રીતે અમારાં ઘરો પાછાં મેળવવાં છે. આથી અમે મહાનગરપાલિકાના ટ્રાન્ઝિટ કૅમ્પના સૂચનના પગલે આગળ વધતા રહ્યા હતા જેમાં અમને સફળતા મળી છે.’
અમારી સામે પહેલાં અમારા લૅન્ડલૉર્ડ તરફથી ૨૦૧૨માં કેસ કરવામાં આવ્યો હતો એમ જણાવતાં લક્ષ્મી નિવાસ ભાડૂત મંડળના સેક્રેટરી નીલેશ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્યાર પછી ૨૦૧૪માં મહાનગરપાલિકાએ અમારા વિરોધ વચ્ચે અમારા મકાનને ખાલી કરાવીને અમને બેઘર કરી દીધા હતા અને ૨૦૧૯માં અમારા મકાનને ધરાશાયી કરી દેવામાં આવ્યું હતું. એ દિવસથી જ અમારી રોડ પર ઊતરીને લડત શરૂ થઈ હતી. અમે ૨૦૨૦માં અમારા ઘરને પાછાં મેળવવા મુંબઈ મહાનગરપાલિકાના અનેક અધિકારીઓ અને રાજકીય નેતાઓને હાથ-પગ જોડ્યા હતા, પણ અમને નિરાશા મળી હતી. કાયદા પ્રમાણે મકાનના ભાડૂતોએ લડવા માટે ભાડૂત મંડળ બનાવવું અનિર્વાય છે, તો જ તેઓ કાયદાકીય લડત લડી શકે છે.’
લક્ષ્મી નિવાસના ૧૨ ભાડૂતોએ ત્યાર પછી ભાડૂત મંડળ બનાવ્યું હતું. નાણાકીય અછત વચ્ચે પણ તેમણે ભાડૂત મંડળના નામે બૅન્ક-અકાઉન્ટ ખોલાવ્યું અને મહાનગરપાલિકામાં ભાડૂતોને સર્ટિફાઇડ કરાવવાની પ્રક્રિયા પૂરી કરી હતી. ત્યાર પછી નગરસેવિકા લીના પટેલ અને વિધાનસભ્ય યોગેશ સાગર અમારી લડતમાં જોડાયાં હતાં એ બાબતની જાણકારી આપતાં લક્ષ્મી નિવાસ ભાડૂત મંડળના ચૅરમૅન દિનેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાન્ઝિટ કૅમ્પની પરવાનગી માગવી એ પણ કંઈ ખાવાના ખેલ નહોતા; પણ અમારા ભાડૂતો કેતન વ્યાસ, હિતેશ વોરા, ભરત, ચેતન, દિલીપ મજીઠિયા, મનોજ, હરેશ, અજય બધા ઘર પાછાં મેળવવા માટે સક્રિય બન્યા. અમારી ચળવળને ‘મિડ-ડે’નો પણ ડગલે ને પગલે સાથ મળ્યો. અમારો અવાજ બુલંદ કરવામાં અને હિંમત આપવામાં ‘મિડ-ડે’નો પણ રોલ રહ્યો છે. ટ્રાન્ઝિટ કૅમ્પની પરવાનગી મહાનગરપાલિકા આપવા તૈયાર હતી, પણ એની શરતો અને નિયમો અમલમાં મૂકવાં સરળ નહોતાં. ટ્રાન્ઝિટ કૅમ્પ માટે આર્કિટેક્ટ નીમવો, પ્લાન પાસ કરાવવો, બૅન્ક-ગૅરન્ટી આપવી, ફાયર-ડિપાર્ટમેન્ટ અને મહાનગરપાલિકા પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું, પૈસા ભરવા આ બધી પ્રક્રિયા પછી અમને ૨૦૨૫ની ૮ મેએ મહાનગરપાલિકાની ટ્રાન્ઝિટ કૅમ્પ માટેની પરવાનગી મળી. અમારા માટે આ બહુ મોટી જીત હતી. અમને એક નવી આશાનું કિરણ દેખાયું અને અમે આ અઠવાડિયામાં સમય બગાડ્યા વગર ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની શરૂઆત કરી દીધી છે. અત્યારે ૧૨ ભાડૂતોમાંથી અમે ૬ ભાડૂતો મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય કુરાડે, આર્કિટેક્ટ મિલિંદ સુર્વે, કૉન્ટ્રૅક્ટર મુખ્તાર શેખ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર સંકેત શાહના સાથસહકારથી ગ્રાઉન્ડ લેવલ પર ૩૧૦ સ્ક્વેર ફીટનાં વન રૂમ-કિચનનાં ઘરો બાંધી રહ્યા છીએ.’
આ બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ કેમ નથી થયું?
લક્ષ્મી નિવાસ ભાડૂત મંડળના સેક્રેટરી નીલેશ મારુએ આ વિશે કહ્યું હતું કે ‘લક્ષ્મી નિવાસના મકાનમાલિક વસનજી શાહે રીડેવલપમેન્ટના મુદ્દે કોર્ટમાં લખીને આપ્યું હતું કે મને રીડેવલપમેન્ટ કરવામાં કોઈ રસ નથી. કોર્ટ તરફથી મળેલા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મકાનમાલિક રીડેવલપમેન્ટ માટેના કોઈ જરૂરી રેકૉર્ડ કોર્ટમાં રજૂ કરી શક્યા નથી. અમે જગ્યાના માલિક ન હોવાથી રીડેવલપમેન્ટ માટે કોઈ ડેવલપર શોધવાની કોશિશ કરી નથી. ત્યાર પછી જ અમને મુંબઈ મહાનગરપાલિકા તરફથી એમના કાયદા પ્રમાણે અમને મકાનનાં છેલ્લાં છ વર્ષથી ખાલી પડેલા પ્લૉટ પર ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધીને રહેવાની છૂટ મળી હતી.’
જોકે વસનજી શાહે રીડેવલપમેન્ટના વિલંબ માટે ભાડૂતોને દોષી ગણાવ્યા હતા. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં લક્ષ્મી નિવાસના રીડેવલપમેન્ટ માટેની વિધિ ૨૦૦૮માં શરૂ કરી દીધી હતી, પણ ભાડૂતો એમાં સહમત થયા નહોતા. તેમનો સહકાર ન મળવાથી આખરે રીડેવલપમેન્ટ માટેના સંબંધિત દસ્તાવેજો પણ સમય જતાં રદ થઈ ગયા હતા. ત્યાર પછી મને સરકારી અધિકારીઓ તરફથી જોઈએ એવો સહકાર મળ્યો નહોતો જેને કારણે પ્રોજેક્ટ રખડી પડ્યો છે. એક વાર પ્રોજેક્ટમાં વિલંબ થવાથી ડેવલપરો પણ રીડેવલપમેન્ટ માટે આગળ આવવા તૈયાર નથી. આમ છતાં અમારી કોશિશ આજે પણ ચાલી રહી છે. અમે ટૂંક સમયમાં જ ડેવલપરને નીમીને અમારા પ્લૉટ પર રીડેવલપમેન્ટ શરૂ કરીશું. એનાથી બધા ભાડૂતોને મહાનગરપાલિકાના નિયમો પ્રમાણે જગ્યા મળશે અને ઓનરશિપ કરી આપવામાં આવશે. અત્યારે ફક્ત છ ભાડૂતોએ ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની શરૂઆત કરી છે જેને કારણે અન્ય ભાડૂતોને અન્યાય થઈ રહ્યો છે.’
ભાડૂતોને જીવતેજીવ મારવા કેમ માગો છો?
અમે ખૂબ જ ખુશ છીએ એમાં કોઈ શંકા નથી, પણ એક વાતની વેદના છે એમ જણાવતાં આ ભાડૂતોએ કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો જાનહાનિ થશે એે બહાના હેઠળ રહેવાસીઓને બેઘર કરવા એ અયોગ્ય છે. આ માટે મહાનગરપાલિકાના ૧૩૭ વર્ષ જૂના કાયદામાં તાત્કાલિક પરિવર્તન લાવવાની જરૂર છે. કેન્દ્ર સરકાર કાયદાઓ બદલી શકે છે તો મહારાષ્ટ્ર સરકાર કેમ નહીં? જ્યાં સુધી પુનર્વસનની વ્યવસ્થા મહાનગરપાલિકા અને લૅન્ડલૉર્ડ કરી શકે નહીં ત્યાં સુધી જગ્યા ખાલી કરાવી શકે નહીં. મકાનમાલિક અને મહાનગરપાલિકા અત્યંત જોખમી બિલ્ડિંગ કહીને કોર્ટનો આદેશ દેખાડીને લાઇટ-પાણી કાપી નાખે છે એ ખુલ્લેઆમ દાદાગીરી છે. જો ભાડૂતો પર દબાણ કરવામાં આવે છે તો કાયદામાં મકાનમાલિક પર કોઈ નિયમ લાદવામાં આવ્યો નથી? ઇમારત તોડી નાખ્યા પછી ભાડૂતોનું ખાલી કરેલી જગ્યામાં જ ફરીથી પુનર્વસન કરાવવામાં આવશે એવું ઍગ્રીમેન્ટ કરવામાં કેમ નથી આવતું અથવા તો સરકાર તરફથી એ જ ખાલી પ્લૉટ પર ટ્રાન્ઝિટ કૅમ્પની સુવિધા કેમ આપવામાં આવતી નથી? સરકાર અનેક ક્ષેત્રે બાંધછોડ કરે છે, પણ ભાડૂતોને વર્ષોથી વાયદા જ આપવામાં આવે છે. હજારો જિંદગીઓનો સવાલ છે. સરકારે આ મુદ્દે તાત્કાલિક અમલમાં આવે એ રીતે કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે. ક્યાં સુધી ભાડૂતોને રિબાવશો? જીવતેજીવ તેમને મારવા કેમ માગો છો? આઝાદીના અમૃત મહોત્સવની સાચી ઉજવણી તો અમારા જેવા બેઘરોના પુનર્વસન માટેની સરકારી યોજના જાહેર કરીને સરકારે કરવી જોઈએ.’


