Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધર્મચક્ર તપની અભૂતપૂર્વ ૫૭૩૬ આરાધના

ધર્મચક્ર તપની અભૂતપૂર્વ ૫૭૩૬ આરાધના

24 September, 2023 10:55 AM IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

આચાર્ય શ્રી વિજય જગવલ્લભસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મુંબઈ, મહારાષ્ટ્ર કે ગુજરાત જ નહીં; ઉત્તર અને દક્ષિણ ભારતની સાથે અમેરિકા સહિત ૪૦ સ્થળોએ ૮૨ દિવસની આરાધના થઈ રહી છે

માટુંગા સંઘમાં બિયાસણું કરી રહેલા આરાધકો (તસવીર : જિતેન ગાંધી)

માટુંગા સંઘમાં બિયાસણું કરી રહેલા આરાધકો (તસવીર : જિતેન ગાંધી)


જૈન ધર્મમાં તપને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આથી ચાતુર્માસ દરમ્યાન સાધુ-ભગવંતો વિવિધ પ્રકારની આરાધના કરાવતા હોય છે. જૈન શ્રાવક-શ્રાવિકા તેમ જ સાધુ-ભગવંતો આઠ દિવસની અઠ્ઠાઈ સહિતનાં તપ કરતાં હોય છે, પરંતુ ૫૭૩૬ જૈનો ૮૨ દિવસની આરાધના એક-બે નહીં પણ ૪૦ સ્થળે ધર્મચક્રની આરાધના કરે એ અભૂતપૂર્વ ગણાય. આ વર્ષે શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના આચાર્ય શ્રી વિજય જગ‌વલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબની પ્રેરણાથી અમેરિકા ‌સહિત ભારતમાં પહેલી વખત ૪૦ સ્થળોએ ધર્મચક્ર તપની સાધના ચાલી રહી છે. ૨ ગચ્છાધિપતિ, ૮ સમુદાય, ૧૧ આચાર્ય ભગવંતો, ૧૨ પંન્યાસ ભગવંતો, ૬ મુનિ ભગવંતો, ૮ સાધ્વી ભગવંતો પણ ધર્મચક્ર તપની આરાધના કરી રહ્યાં છે.

નાશિકમાં ધર્મચક્ર તીર્થની સ્થાપના કરનારા આચાર્ય શ્રી વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબ અત્યારે માટુંગામાં ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન છે. તેમણે ૪૦ વર્ષ પહેલાં ધર્મચક્ર તપની શરૂઆત કરી હતી અને અત્યારે તેમની નિશ્રામાં અહીં ધર્મચક્ર તપની ૨૫૩ જૈનો આરાધના કરી રહ્યા છે. ચાર દાયકામાં દસથી તેર હજાર જૈન શ્રાવક-શ્રાવિકા કે સાધુ-સાધ્વી ભગવંતોએ આ તપની આરાધના કરી હતી. જોકે આ ચોમાસામાં અગાઉનાં વર્ષોની તુલનામાં જબરદસ્ત કહી શકાય એટલી ૫૭૩૬ તપ આરાધના થઈ છે. આ વખતે અગાઉની સાધનાના તમામ રેકૉર્ડ તૂટી ગયા છે. અગાઉ ૨૦૦૮માં ડોમ્બિવલીમાં ૧૧૬૧ અને ૨૦૧૪માં ભાઈંદરમાં ૧૩૦૦ તપ થયાં હતાં, પરંતુ આ વખતે ૪૦ સ્થળોએ શ્રાવક-શ્રાવિકા ઉપરાંત સાધુ-સાધ્વી ભગવંતો પણ આરાધનામાં જોડાયાં છે.૪૦ વર્ષ પહેલાં શરૂઆત


ધર્મચક્ર તીર્થની સ્થાપના કરનારા આચાર્ય શ્રી વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબે વિશ્વરક્ષક, વિઘ્નવિદારક અને વિશુદ્ધિ પ્રદાયક એવા ધર્મચક્ર તપની આરાધનાની શરૂઆત ૪૦ વર્ષ પહેલાં કરી હતી. આ વિશે અત્યારે માટુંગામાં બિરાજમાન આચાર્ય શ્રી હર્ષવલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘આચાર્ય શ્રી વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબને દીક્ષાને માત્ર બે જ વર્ષ થયાં હતાં ત્યારે તેમણે તપવાલી પુસ્તક વાંચીને તેમના ગુરુ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબને ધર્મચક્ર તપ કરવાની ઇચ્છા કહી હતી. ગુરુજીએ તેમને આ તપ કરવાની સાથે ભવિષ્યમાં જૈન સંઘોમાં પણ આ આરાધના કરાવવાનું કહ્યું હતું. આથી ચાર દાયકાથી ભારતભરમાં જ્યાં-જ્યાં ચોમાસુ હોય ત્યાં ધર્મચક્ર તપની આરાધના કરાવવામાં આવે છે.’

પ્રેરણાસ્રોત


આચાર્ય શ્રી વિજય જગવલ્લભસૂરીશ્વરજી અત્યાર સુધી પોતે ધર્મચક્ર તપની આરાધના કરાવતા હતા અને બીજાઓને આ તપની મહિમા વિશે માહિતી પણ આપતા હતા. ૮૨ દિવસની આરાધના કરવાથી પોતાની સાથે વિશ્વનું પણ ભલું થાય છે એ જાણ્યા બાદ જૈન ધર્મના વિવિધ સમુદાયોએ પણ આ તપ કરાવવાની શરૂઆત કરી છે. આથી આ વર્ષે મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, હૈદરાબાદ અને છેક અમેરિકામાં પહેલી વખત જૈન સંઘ દ્વારા ધર્મચક્ર તપની આરાધના કરવાથી આરાધકોની સંખ્યા ૫૭૩૬ જેટલી થઈ છે. આ વિશે આચાર્ય શ્રી હર્ષવલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘અમારા જ નહીં, બધા માટે આ ખૂબ જ આનંદની વાત છે. ધર્મચક્ર તપની આરાધના કરવા માટે અનેક સંઘોએ અમારો સંપર્ક કર્યો છે. અમે તેમને યોગ્ય માર્ગદર્શન કરવાથી આ અભૂતપૂર્વ સફળતા મળી છે.’

૨૧ આરાધનાનો રેકૉર્ડ

બે અઠ્ઠમ અને એકાંતરે બિયાસણુંના ૮૨ દિવસનું તપ કઠોર છે. આમ છતાં અનેક શ્રાવક-શ્રાવિકાઓએ આ તપની અનેક વખત આરાધના કરી છે. માટુંગાના પ્રકાશ શાહ અને પ્રવીણ શાહનું આ વર્ષે ૨૧મું ધર્મચક્ર તપ છે. વાલકેશ્વરના કૌશલ વારૈયાનું ૨૦મું તપ, માટુંગાનાં જયશ્રી શાહનું ૧૫મું તપ, માટુંગાના જ કનક શેઠ અને જતીન વોરાનું ૧૧મું તપ, વિમલ દોશી અને દેવાંગ શાહનું ૯મું તપ તો દાદરનાં પ્રીતિ કુબડિયાનું ૭મું તપ છે. આવી રીતે અસંખ્ય લોકોએ આ વખતે આરાધના કરી છે. કેટલાકનાં પારણાં થઈ ગયાં છે તો બાકીના આરાધકોનાં પારણાં ટૂંક સમયમાં થશે.

અમેરિકામાં તપ

ધર્મચક્ર તપની આરાધના ગુરુની નિશ્રામાં થાય છે, પણ અમેરિકાના ન્યુ જર્સીમાં આ વર્ષે પહેલી વખત ૨૪ જૈનો આ તપ કરી રહ્યા છે. આચાર્ય શ્રી હર્ષવલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘અમેરિકામાં ધર્મચક્ર તપની આરાધના કોઈ પણ ગુરુની નિશ્રા વિના પહેલી વખત કરવામાં આવી છે. આથી ભારત જ નહીં, વિદેશમાં પણ આ તપની મહિમાની સુવાસ ફેલાઈ છે. તપ વિશેની માહિતી અમારી પાસેથી લીધા બાદ ન્યુ જર્સીના જૈન સંઘ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સફળ રહ્યો છે. જ્યાં સામુદાયિક તપનો વિચાર પણ ન થઈ શકે ત્યાં આટલા બધા જૈનો ધર્મચક્ર કરે એ ખૂબ જ મોટી વાત છે.’

અજૈનો પણ પ્રભાવિત

જૈન સાધુ-સાધ્વી ભગવંતો અને શ્રાવક-શ્રાવિકાઓની સાથે અસંખ્ય અજૈનો પણ ધર્મચક્ર તપની આરાધના કરે છે. આ વર્ષે વૈષ્ણવ સમાજના જિતેન ગાંધી અને સંદીપ દેસાઈ સહિત ત્રણ વ્યક્તિ માટુંગા જૈન સંઘમાં આ તપ કરી રહી છે. ૩૦ વર્ષ બાદ જિતેન ગાંધી બીજી વખત આ આરાધનામાં જોડાયા છે. ૨૦૦૮માં ડોમ્બિવલી સંઘમાં માળી સમાજની મહિલા ઉપરાંત દેરાસરમાં વિવિધ કામ કરતી મુસ્લિમ મહિલાએ પણ આ તપની આરાધના કરી હતી.

સંઘની એકતા વધી

૪૦ વર્ષ પહેલાં ગુરુ પ્રેમસૂરી મહારાજસાહેબે ધર્મચક્ર તપની આરાધના કરવાનું આચાર્ય શ્રી વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબને કહ્યું હતું. ત્યારે પોતાની સાથે બીજાઓને પણ આ તપ કરાવવાનું કહ્યું હતું. આ તપથી સંઘની એકતા વધશે. આજે ચાર દાયકા બાદ ગુરુની વાત સાચી ઠરી છે. સકલ શ્રી સંઘમાં વિભિન્ન સમુદાયનાં અનેક સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રામાં અસંખ્ય લોકો ધર્મચક્ર તપની સામુદાયિક આરાધના કરી રહ્યા છે. સંઘ એકતા થકી વિશ્વમાં ધર્મ તત્ત્વનું ચક્રવર્તી સામ્રાજ્ય સર્જાય એવા શુભ દિવસો આવી રહ્યા હોવાનું કહેવાય છે.

તપની વિશેષતા

ધર્મચક્ર તપ ૮૨ દિવસનું હોય છે, જેની શરૂઆત અને અંત અઠ્ઠમ તપથી થાય છે. આ તપમાં ૪૩ ઉપવાસ અને ૩૯ બિયાસણાં કરવામાં આવે છે. બન્ને અઠ્ઠમને બાદ કરતાં બાકીના દિવસોમાં એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે બિયાસણું કરીને આ તપની આરાધના થાય છે. આ તપ કરવાથી વિશ્વનું રક્ષણ થાય છે, તપ કરનારા ઉપરાંત અસંખ્ય લોકો પર પ્રભાવ પડે છે અને આ તપથી એક જ નહીં, અનેક જન્મનાં કર્મ તૂટે છે એવી માન્યતા છે.

82
ધર્મચક્ર તપ આટલા દિવસનું હોય છે અને એમાં ૪૩ ઉપવાસ અને ૩૯ બિયાસણાં કરવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2023 10:55 AM IST | Mumbai | Prakash Bambhroliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK