પોલીસ ત્રણ ટીમ બનાવીને તેના પેરન્ટ્સની તલાશમાં
થાણેના ખૈરુન્નિસા અપાર્ટમેન્ટના છજા પર પડેલું નવજાત બાળક.
થાણેના કિશનનગરમાં નવોદયા ઇંગ્લિશ સ્કૂલ નજીક આવેલા ખૈરુન્નિસા અપાર્ટમેન્ટના પહેલા માળની બારીની ગ્રિલ પર બેસાડવામાં આવેલા પતરા પર ગઈ કાલે વહેલી સવારે એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાની તપાસ થાણેનું શ્રીનગર પોલીસ-સ્ટેશન કરી રહ્યું છે. પોલીસે નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ મોકલીને બાળકના પેરન્ટ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. નિર્દયી રીતે નવજાતને ફેંકી દેનાર પેરન્ટ્સને શોધવા માટે સ્થાનિક રહેવાસીઓ પણ પોલીસ સાથેની તપાસમાં જોડાયા છે. ગઈ કાલે કિશનનગરનાં આશરે ૩૫થી વધુ બિલ્ડિંગોમાં ઘરે-ઘરે જઈને પોલીસ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓએ તપાસ-પૂછપરછ કરી હતી.
નવજાત બાળકને તરછોડવા માટે જન્મતાંની સાથે જ તેને ઉપરથી ફેંકી દેવામાં આવ્યું હોય એવો અમારો પ્રાથમિક અંદાજ છે એમ જણાવતાં શ્રીનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગુલઝારીલાલ ફડતરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે વહેલી સવારે ખૈરુન્નિસા અપાર્ટમેન્ટના પહેલા માળે બારીની ગ્રિલ પર બેસાડવામાં આવેલા પતરા પર એક બેબીબૉય ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બાળકને બુધવારે મોડી રાતે બિલ્ડિંગ પરથી ફેંકી દેવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી અમારી સામે આવી છે. ઘટના વિશે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. રહેઠાણ વિસ્તારમાં ક્રૂર રીતે બાળકને ફેંકી દેનારને શોધવા માટે અમારી ત્રણ ટીમ અલગ-અલગ ઍન્ગલથી કામ કરી રહી છે જેમાં એક ટીમ નજીકની તમામ મૅટરનિટી હૉસ્પિટલમાં ડૉક્ટરોની પૂછપરછ કરી રહી છે. બીજી ટીમ આસપાસની સોસાયટીમાં રહેતા લોકોના ઘરે-ઘરે જઈને તપાસ કરી રહી છે. ત્રીજી ટીમ ટેક્નિકલ માહિતી ભેગી કરી રહી છે. આ બાળકનાં માતા-પિતાને શોધવા માટે સ્થાનિક લોકોની પણ અમને મદદ મળી રહી છે.’

