આરોપીએ આસપાસની બે દુકાનોનાં શટર તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ દુકાનમાં અંદર બીજું લૉક હોવાથી તે અંદર જઈ શક્યો નહોતો
દુકાનનું શટર તોડવાની કોશિશ કરી રહેલા વિશાલને સુરેશભાઈએ પકડી લીધો હતો ત્યારે તેમની દીકરી પણ સાથે હતી.
મોબાઇલમાં ગેમ રમતી વખતે સુરેશ જૈનની પુત્રીથી ભૂલથી CCTVની ઍપ્લિકેશન ખૂલી જતાં કારખાનામાં કોઈ ચોરી કરી રહ્યું હોવાનું દેખાયું હતું. તરત જ તેણે પપ્પાને જાણ કરી, તેમણે પોલીસને જાણ કરવાને બદલે બન્ને દીકરીને લઈને કારખાને પહોંચી ગયા અને આરોપીને રંગેહાથ પકડ્યો
થાણે-વેસ્ટના ટેંભીનાકામાં આવેલા સુભાષ રોડ પર આવેલા નવકાર નામના દાગીના બનાવવાના કારખાનામાં ચોરી કરવાના ઇરાદે દુકાનનું શટર તોડનાર ૨૦ વર્ષના વિશાલ જાધવની શુક્રવારે સવારે થાણે નગર પોલીસે ધરપકડ કરી હતી. ગુરુવારે રાતે ૧૨ વાગ્યાની આસપાસ નવકારના માલિક સુરેશ જૈનની પુત્રી ખુશી મોબાઇલમાં ગેમ રમી રહી હતી એ સમયે ભૂલમાં તેનાથી કારખાનામાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાની ઍપ્લિકેશન ખૂલી જતાં કારખાનાનું શટર તોડી કોઈ વ્યક્તિ અંદર પ્રવેશવાની કોશિશ કરતી નજરે પડી હતી. જેની જાણ પુત્રીએ પિતાને કરતાં તાત્કાલિક સુરેશભાઈએ બન્ને પુત્રીઓ સાથે પોતાના કારખાને પહોંચી ચોરને રંગેહાથ પકડી પાડ્યો હતો. ત્યાર બાદ તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. ચોરી કરવા આવેલા વિશાલે આજુબાજુની બીજી બે દુકાનોનાં શટર પણ તોડ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘટના બાદ થાણેના વેપારી વર્ગ દ્વારા સુરેશભાઈએ કરેલી બહાદુરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.
આ ઘટનાની માહિતી આપતા સુરેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાતે ૯ વાગ્યાની આસપાસ કારખાનાને બંધ કરી હું ઘરે ગયો હતો. જમ્યા બાદ ટીવી જોઈ રહ્યો હતો એ સમયે મારો ફોન મારી દીકરી ખુશી પાસે હતો જેમાં તે ગેમ રમી રહી હતી. રાતે ૧૨ વાગ્યાની આસપાસ મેં તેને મારો મોબાઇલ પાછો આપવા કહ્યું હતું ત્યારે ગેમની ઍપ્લિકેશન બંધ કરતી વખતે ભૂલમાં તેની આંગળી મારા કારખાનામાં લાગેલા CCTV એક્સેસ ઍપ્લિકેશન પર જતાં એ ખૂલી ગઈ હતી. એમાં કોઈ વ્યક્તિ મારા કારખાનાનું શટર તોડવાની કોશિશ કરી રહી છે એ જોતાં તેણે મને એની જાણ કરી હતી. એ સમયે મેં વિચાર કર્યો કે પોલીસને જાણ કરીશ અને પોલીસ પહોંચશે ત્યાં સુધી તો મારી દુકાન લૂંટી ચોર ભાગી ગયો હશે. એટલે મેં પોતે જ ચોરને પકડવાનું નક્કી કરી કારખાને જવા માટે નીકળ્યો હતો. એ સમયે મારી બન્ને પુત્રીઓ પણ મારી સાથે આવી હતી. ત્યાર બાદ અમે કારખાને પહોંચી ચોરને પકડી પાડ્યો હતો. થોડી વારમાં અમારો અવાજ સાંભળતાં બીજા લોકોએ પોલીસને જાણ કરી હતી એટલે ત્યાં પોલીસ પણ આવી પહોંચી હતી. અંતે અમે ચોરને પોલીસને સોંપી દીધો હતો. મારા કારખાનામાં એ સમયે આશરે પચીસથી ત્રીસ લાખ રૂપિયાનો ચાંદી અને સોનાનો માલ સહિત રોકડ હતાં.’
ADVERTISEMENT
ભાંડુપના ખિંડીપાડા વિસ્તારમાં રહેતા આરોપી વિશાલની અમે ધરપકડ કરી છે એમ જણાવતાં થાણે નગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ આસપાસની બે દુકાનોનાં શટર તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ દુકાનમાં અંદર બીજું લૉક હોવાથી તે અંદર જઈ શક્યો નહોતો એટલે તેણે સુરેશના કારખાનાને ટાર્ગેટ કરી હતી. જો સુરેશ થોડો લેટ કારખાને પહોંચ્યો હોત તો વિશાલ ચોરી કરવામાં સફળ થઈ ગયો હોત. આ ઘટનામાં સુરેશે જોરદાર હિંમત બતાવી હતી. વિશાલ પર આ પહેલાં ચોરીના બેથી ત્રણ કેસ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.’


