અંધેરી કે-વેસ્ટ વૉર્ડમાં નોકરી મળી હોવાના ડૉક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા હતા. જોકે કેટલાક મહિનાઓ પછી પણ નોકરી અંગે કોઈ માહિતી ન મળતાં તેણે ડૉક્યુમેન્ટ્સની તપાસ કરી હતી,

બીએમસીમાં નોકરીની લાલચ આપી બોરીવલીના ગુજરાતી સાથે આઠ લાખ રૂપિયાની છેતરપિંડી
બોરીવલીમાં રહેતા ગુજરાતીને બીએમસીમાં નોકરી અપાવવાની લાલચ આપીને તેની પાસેથી આઠ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેના નામે ભાભા હૉસ્પિટલનું બોગસ મેડિકલ સર્ટિફિકેટ અને સ્વામી વિવેકાનંદ સ્કૂલના ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરીને તેને આપવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી કે-વેસ્ટ વૉર્ડમાં નોકરી મળી હોવાના ડૉક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા હતા. જોકે કેટલાક મહિનાઓ પછી પણ નોકરી અંગે કોઈ માહિતી ન મળતાં તેણે ડૉક્યુમેન્ટ્સની તપાસ કરી હતી, જેમાં બે જણે મળીને તેની સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળતાં બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
બોરીવલી-વેસ્ટમાં એલ. ટી. રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને મેડિકલની દુકાનમાં નોકરી કરતા સંતોષ ચવાણે કરેલી ફરિયાદ અનુસાર ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં તેના ઘરે પૂજા રાખવામાં આવી હતી. ત્યારે તેની પત્નીએ ભાઈ માનેલો ગિરધર છગન લાડ તેમના ઘરે આવ્યો હતો. તેણે કહ્યું હતું કે મારો એક મિત્ર બીએમસીમાં નોકરીએ લગાડી આપે છે. એમ કહીને તેણે ભરત કાનજી સોલંકીની ઓળખ કરાવી હતી. ત્યાર બાદ અંધેરી કે-વેસ્ટ વૉર્ડમાં નોકરી અપાવવાનો વાયદો કરીને ધીરે-ધીરે કરીને આઠ લાખ રૂપિયા બંનેએ લીધા હતા. એ પછી થોડા વખત બાદ ફરિયાદીના નામે નોકરી મળી હોવાનો લેટર મળ્યો હતો. એમાં ભાભા હૉસ્પિટલમાં મેડિકલ કરી હોવાના ડૉક્યુમેન્ટ્સ સાથે પાલિકાના ફૉર્મ પર ફરિયાદીનો ફોટો લાગેલો પત્ર હતો જેમાં અધિકારીઓના સહી-સિક્કા કર્યા હતા. જોકે એ પછી પણ કેટલાક સમયથી સુધી નોકરી ન મળતાં આ ઘટનાની ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. એના આધારે પોલીસે શુક્રવારે ભરત કાનજી સોલંકી અને ગિરધર છગન લાડ સામે ફરિયાદ નોંધી હતી.
બોરીવલી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું છે કે ભરત કાનજી સોલંકી સામે જે. જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં વધુ એક આવો જ કેસ હોવાથી તેની ત્યાં ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તે જેલકસ્ટડીમાં છે. હવે એની વધુ તપાસ કરવા માટે અમે તાબો લઈશું. એ સાથે બીજા આરોપીની પણ શોધ કરવામાં આવી રહી છે.’