બેસ્ટ (બૉમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ)ની મિડસાઇઝ ઈવી બસમાં માલવણી ડેપોમાં ગઈ કાલે વહેલી સવારે બૅટરી ચાર્જ કરાઈ રહી હતી ત્યારે આગ ફાટી નીકળી હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : બેસ્ટ (બૉમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ)ની મિડસાઇઝ ઈવી બસમાં માલવણી ડેપોમાં ગઈ કાલે વહેલી સવારે બૅટરી ચાર્જ કરાઈ રહી હતી ત્યારે આગ ફાટી નીકળી હતી. હાજર સ્ટાફના લોકો ફાયર એક્સ્ટિંગ્વિશર લઈને દોડ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એમાં સફળતા ન મળતાં આખરે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને એણે ગણતરીની મિનિટોમાં આગ ઓલવી નાખી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈના જખમી થવાના પણ અહેવાલ નથી.
માલવણી ડેપોમાં ઈવી બસની બૅટરી ચાર્જ કરવાના પૉઇન્ટ પર ઘણીબધી બસમાં બૅટરી ચાર્જ થઈ રહી હતી. એમાંથી એક બસમાં છત પર લાગેલી બૅટરીમાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થઈ એટલે તરત જ એની આજુબાજુ ઊભેલી બસોને ત્યાંથી ખસેડી લેવાઈ હતી જેથી આગ વધુ ન પ્રસરે.
બેસ્ટના જનરલ મૅનેજર વિજય સિંઘલે કહ્યું હતું કે ‘તાતા મોટર્સને એ લૉટની બધી જ ઈવી બસ ચેક કરવા જણાવાયું છે, કારણ કે બૅટરી ચાર્જ કરતી વખતે આગ લાગી હોવાની આ બીજી ઘટના બની છે. આ બસ રસ્તા પર દોડતી હોય છે ત્યારે એમાં કોઈ સમસ્યા નથી આવતી, પણ બૅટરી ચાર્જ કરતી વખતે કેમ આગ લાગે છે એનું ટેક્નિકલ કારણ શોધવા તેમને જણાવાયું છે.’
આ પહેલાં ૧૬ જૂને માલવણી ડેપોમાં જ એક બસમાં બૅટરી ચાર્જ કરતી વખતે આગ ફાટી નીકળી હતી. બેસ્ટની બસમાં આગ લાગવાની આ વર્ષની આ છઠ્ઠી ઘટના છે. એમાં પણ ત્રણ મહિનાની અંદર આવી આ ત્રીજી ઘટના બની છે.

