અંબરનાથની પ્રિયલ સોની જે યુવક સાથે ગઈ હોવાની શક્યતા છે તેની સામે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો
અંબરનાથની ટીનેજર પ્રિયલની હજી કોઈ ભાળ મળી રહી નથી.
અંબરનાથ-વેસ્ટમાં રહેતી ૧૭ વર્ષની કચ્છી ટીનેજર ગુમ થઈ એના ૨૩ દિવસ પછી પણ તેની કોઈ માહિતી મળી રહી ન હોવાથી પોલીસે વ્યાપક તપાસ હાથ ધરી છે. બારમા ધોરણની કૉલેજનું લીવિંગ સર્ટિફિકેટ લઈને પ્રિયલ સોની વિદ્યાવિહારમાં આવેલી નવી કૉલેજમાં ઍડ્મિશન લેવા ગઈ હતી. નવી કૉલેજમાં સર્ટિફિકેટ આપીને પાછી ઘરે આવી રહી હોવાની પપ્પા સાથે વાત કર્યા બાદ તેની કોઈ ભાળ મળી રહી નથી. ત્યાર બાદ તેનો ફોન પણ સતત બંધ આવી રહ્યો હોવાથી પોલીસ પણ તેના સુધી પહોંચી શકી નથી. આટલા દિવસોમાં ફક્ત એક જ દિવસ ફોન ઑન થતાં બૅન્ગલોરનું લોકેશન આવતાં પોલીસની ટીમ ત્યાં પણ પહોંચી હતી. આમ છતાં ટીનેજરને શોધવામાં સફળતા મળી રહી નથી. પોલીસે અપહરણનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
અંબરનાથમાં કરિયાણાની દુકાન ધરાવતા કચ્છી વીસા ઓસવાળ સમાજના હિરેન સોની પત્ની, સિનિયર સિટિઝન પેરન્ટ્સ સહિત ૧૦ વર્ષના દીકરા અને ૧૭ વર્ષની દીકરી સાથે રહે છે. પ્રિયલને બારમા ધોરણમાં ૬૬ ટકા આવ્યા હોવાથી BCoM કરીને MBA કરવું છે. અંબરનાથમાં આવેલી કૉલેજમાં તેણે બારમું ધોરણ કર્યું છે અને તેણે વિદ્યાવિહારની સોમૈયા કૉલેજમાં તેરમા ધોરણમાં ઍડ્મિશન લીધું હતું. ૧૮ જૂને સવારે નવ વાગ્યે પ્રિયલ અને તેના પપ્પાએ અંબરનાથની કૉલેજમાંથી લીવિંગ સર્ટિફિકેટ લીધું હતું. ત્યાં જ તેમને ૧૨ વાગ્યા હતા. ત્યાંથી તેના પપ્પાએ તેને વિદ્યાવિહાર જવાની ટિકિટ કઢાવી આપી હતી. એટલે વિદ્યાવિહાર જઈને તેણે તેરમા ધોરણની ઍડ્મિશન-પ્રક્રિયા કરી હતી. પ્રિયલની મમ્મી ભાવના સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેનો ફોન ૧૮ જૂને આવ્યા પછી બંધ જ આવી રહ્યો છે. અમે દરરોજ અનેક વખત ફોન કરીએ છીએ, પણ કોઈ સફળતા મળતી નથી. અમને તેના વિશે કંઈ પણ સાંભળવા મળે તો અમે તરત ત્યાં દોડી જઈએ છીએ.’
ADVERTISEMENT
પોલીસનું શું કહેવું છે?
કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પઢારી કાંડેએ આ કેસની તપાસ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટીનેજરની તપાસ ચાલુ છે. તે કૉલેજની ઍડ્મિશનની પ્રક્રિયા પૂરી કરીને નીકળતી ત્યાંના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં દેખાય છે. ટીનેજરના મોબાઇલના કૉલ ડેટા રેકૉર્ડ્સ (CDR)ની તપાસ કરતાં જે યુવક સાથે તે જતી રહી હોવાની શક્યતા છે તેનો નંબર આવ્યો છે. આટલા દિવસમાં ફક્ત એક જ દિવસ મોબાઇલ થોડી વાર માટે ઑન થતાં બૅન્ગલોરનું લોકેશન આવતાં અહીંથી પોલીસની ટીમ તરત બૅન્ગલોર રવાના થઈ હતી. ત્યાં દરેક ઠેકાણે તપાસ કરવા છતાં કોઈ માહિતી મળી નહોતી. ટીનેજરના પેરન્ટ્સ પણ પ્રયાસ કરી રહ્યા છે. ટીનેજર ૧૭ વર્ષ ૪ મહિનાની હોવાથી પોલીસ તે યુવક સામે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ કરી રહી છે.’

