બોગસ દસ્તાવેજના આધારે દુબઈ પહોંચ્યા, પણ ઇમિગ્રેશનમાં પકડાઈ ગયા એટલે પાછા ઇન્ડિયા ડિપૉર્ટ કરવામાં આવ્યા : મુંબઈમાં સહાર પોલીસે ધરપકડ કરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
યુરોપના લક્ઝમબર્ગમાં નોકરી મેળવીને ત્યાં જ સ્થાયી થવાનું સપનું જોઈને ગુજરાતના મહેસાણા અને અમદાવાદમાં રહેતા ૭ યુવકો એજન્ટને ૧૦-૧૦ લાખ રૂપિયા આપીને બોગસ દસ્તાવેજ બનાવડાવીને દુબઈ પહોંચ્યા હતા, પણ ત્યાંથી આગળનો પ્રવાસ કરે એ પહેલાં તેઓ ઇમિગ્રેશન તપાસમાં પકડાઈ જતાં ગઈ કાલે તેમને પાછા મુંબઈ ડિપૉર્ટ કરવામાં આવ્યા હતા. આ મામલે બોગસ દસ્તાવેજ બનાવવા અને ઇમિગ્રેશન વિભાગ સાથે છેતરપિંડી કરવા બદલ સહાર પોલીસે તમામની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે અમદાવાદના એજન્ટની પણ તપાસ હાથ ધરી છે જેણે તેમની પાસેથી પૈસા લઈને બોગસ દસ્તાવેજ બનાવી આપ્યા હતા.
સહારના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર દેવીન્દ્ર પૉલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૯ જુલાઈએ ગાંધીનગરનો કૌશિક પટેલ; મહેસાણાના અર્થકુમાર પટેલ, મહર્ષિ પટેલ, પૃથ્વીરાજગિરિ ગોસ્વામી, ભાર્ગવ જોશી, મોહમ્મદ પઠાણ તથા અમદાવાદનો કૃણાલ પ્રજાપતિ મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી ટૂરિસ્ટ વીઝા પર દુબઈ ગયા હતા. દુબઈ ઍરપોર્ટ પર તેમણે આગળના યુરોપના લક્ઝમબર્ગનો પ્રવાસ કરવા ઇમિગ્રેશન વિભાગને તમામ દસ્તાવેજ આપ્યા હતા. દરેકના પાસપોર્ટ પર શેંગેન વીઝા લગાડવામાં આવ્યા હતા જેની ઝીણવટભરી તપાસ કરતાં શેંગેન વીઝાનું સ્ટિકર બોગસ હોવાનું જણાતાં દુબઈ ઇમિગ્રેશને સતત બે દિવસ પૂછપરછ કર્યા બાદ ગઈ કાલે વહેલી સવારે સાત યુવકોને પાછા મુંબઈ ડિપૉર્ટ કર્યા હતા. ત્યાર બાદ મુંબઈ ઍરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે કરેલી તપાસમાં ખુલાસો થયો હતો કે સાતેસાત યુવકોએ અમદાવાદના એક એજન્ટને યુરોપના લક્ઝમબર્ગમાં જઈને ત્યાં નોકરી મેળવી સ્થાયી થવાના ચક્કરમાં ૧૦-૧૦ લાખ રૂપિયા આપ્યા હતા. એની સામે એજન્ટે તમામના પાસપોર્ટ પર શેંગેન વીઝાનું સ્ટિકર લગાડી આપ્યું હતું. અંતે છેતરપિંડીનો ખુલાસો થતાં આરોપીઓને તાબામાં લીધા હતા. અમે પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી છે. આ કેસમાં અમે એજન્ટની પણ તપાસ કરી રહ્યા છીએ.’

