એક મુસાફરે કલ્યાણ સ્ટેશનથી દિવ્યાંગજનોના ડબ્બામાં પ્રવાસ કરી રહેલા મુસાફરોનો વિડિયો લઈને વાઇરલ કર્યા બાદ આ ઍક્શન લેવાઈ હોવાનું જણાયું હતું
પ્રતીકાત્મક તસવીર
પીક અવર્સની ભીડમાં ટ્રેનમાં ચડવું જ એટલું મુશ્કેલ હોય છે કે મુસાફરો ફુટબોર્ડ પર લટકીને, લગેજ કમ્પાર્ટમેન્ટમાં કે પછી દિવ્યાંગજનો માટેના આરક્ષિત ડબ્બામાં મુસાફરી કરતા હોય છે. જોકે આ રીતે મુસાફરી કરવી જોખમી છે અને ગેરકાયદે પણ છે. તેથી થાણે રેલવે પોલીસ અને ટિકિટચેકરોએ મળીને ગઈ કાલે ૧૦થી ૧૨ લોકલ ટ્રેનોના દિવ્યાંગજનોના ડબ્બામાં સઘન ચેકિંગ કર્યું હતું. એમાં ૫૦ જેટલી મહિલા મુસાફરો ગેરકાયદે મુસાફરી કરતી પકડાઈ હતી.
એક મુસાફરે કલ્યાણ સ્ટેશનથી દિવ્યાંગજનોના ડબ્બામાં પ્રવાસ કરી રહેલા મુસાફરોનો વિડિયો લઈને વાઇરલ કર્યા બાદ આ ઍક્શન લેવાઈ હોવાનું જણાયું હતું. રેલવે પોલીસે વિડિયો જોયા બાદ દિવ્યાંગજનોના ડબ્બામાં મુસાફરી કરતા સામાન્ય મુસાફરોને થાણેના પ્લૅટફૉર્મ-નંબર ૬ પર ઉતારી દીધા હતા. એમાં મહિલા મુસાફરોની સંખ્યા વધુ હતી. રેલવે પોલીસ અને ટિકિટચેકરોએ કરેલી આ કાર્યવાહીને કારણે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોએ રાહત અનુભવી હતી.
ADVERTISEMENT
દિવ્યાંગજનોના ડબ્બામાં સામાન્ય મુસાફર મુસાફરી કરતો પકડાય તો ૫૦૦ રૂપિયા અથવા મુસાફરી શરૂ થઈ હોય ત્યાંથી લાગુ થતા ટિકિટના દરમાંથી જે વધુ હોય એ રકમ દંડપેટે વસૂલ કરવામાં આવે છે. ગંભીર કેસમાં ૬ મહિનાની જેલની સજાની પણ જોગવાઈ છે.
થાણેમાં ફેફસાંમાં ઇન્ફેક્શન ધરાવતા શ્યામમુખ વાઘોમડા પક્ષીને બચાવી લેવાયું

દરિયાઈ પક્ષી માસ્ક્ડ બૂબી જેને ગુજરાતીમાં શ્યામમુખ વાઘોમડા તરીકે ઓળખવામાં આવે છે એ બીમાર અવસ્થામાં મળી આવતાં થાણેમાંથી એને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કોપરીના કન્હૈયાનગરમાં બીમાર હાલતમાં મળેલા આ પક્ષીને ફેફસાંમાં ઇન્ફેક્શન અને વીકનેસ હોવાનું નિદાન થયું હતું. રેસ્ક્યુ કરીને એને માનપાડાના વાઇલ્ડ લાઇફ વેલ્ફેર અસોસિએશન (WWA)ના વાઇલ્ડલાઇફ રીહૅબિલિટેશન સેન્ટર ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યું છે.


