નાંદેડની ડૉ. શંકરરાવ ચવાણ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં ૩૦ સપ્ટેમ્બરથી લઈને પહેલી ઑક્ટોબરના એક જ દિવસમાં ૨૪ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જે ગઈ કાલે વધીને ૩૧ થઈ ગયાં હતાં.

ગઈ કાલે નાંદેડની સરકારી હૉસ્પિટલના ડીન પાસે શિવસેનાના સંસદસભ્યએ ટૉઇલેટ સાફ કરાવ્યું હતું.
મુંબઈ ઃ નાંદેડની ડૉ. શંકરરાવ ચવાણ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં ૩૦ સપ્ટેમ્બરથી લઈને પહેલી ઑક્ટોબરના એક જ દિવસમાં ૨૪ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જે ગઈ કાલે વધીને ૩૧ થઈ ગયાં હતાં. વળી પહેલા દિવસે થયેલી એ ટ્રૅજેડીમાં ૧૨ તો શિશુનો સમાવેશ થતો હતો. એટલું જ નહીં, ગઈ કાલે સવારે પૂરા થયેલા ચોવીસ કલાકમાં છત્રપતિ સંભાજીનગરની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં પણ ૧૮ દરદીનાં મૃત્યુ થયાં હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સરકારી હૉસ્પિટલમાં આટલા મોટા પ્રમાણમાં બે દિવસમાં થયેલાં દરદીઓનાં મોતથી હાહાકાર મચી ગયો હતો. રાજ્ય સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લઈને પ્રધાનમંડળની બેઠક બોલાવી હતી અને એ બાબતની તપાસ કરવા કમિટી નીમીને તપાસનો આદેશ આપ્યો હતો.
નાંદેડની હૉસ્પિટલમાં ૧૨ શિશુઓનાં મૃત્યુ થયાં ત્યારે એના નીઓનેટલ આઇસીયુમાં ૨૪ બેડની કૅપેસિટીની સામે ૬૫ શિશુ સારવાર લઈ રહ્યાં હતાં. જોકે આ હૉસ્પિટલના પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર કિશોર રાઠોડે દવાની શૉર્ટેજને કારણે શિશુઓનાં મૃત્યુ થયાં હોવાનો આક્ષેપ નકારી કાઢ્યો હતો.
રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે સરકારે આ ઘટનાને બહુ જ ગંભીરતાથી લીધી છે અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે પણ દવાની અછતની વાતને પાયાવિહોણી ગણાવી હતી.
આ બધા વચ્ચે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે આ ઘટના માટે સરકારને જવાબદાર ગણીને એની સામે મર્ડરનો કેસ દાખલ કરવો જોઈએ.
રાજ્યના મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચના ડિરેક્ટર ડૉ. દિલીપ મ્હઈસકરે કહ્યું હતું કે ‘એક જ દિવસમાં મૃત્યુ પામેલા ૨૪ દરદીઓમાં ૧૨ શિશુ છે. મોટા ભાગના દરદીઓને નાનાં ટાઉન અને ગામડાંઓની ખાનગી હૉસ્પિટલમાંથી અહીં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.’
ડૉ. શંકરરાવ ચવાણ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલના ડીન ડૉ. શ્યામરાવ વાકોડેએ હૉસ્પિટલ તરફથી કોઈ બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ ફગાવી કાઢ્યો હતો અને કહ્યું હતું કે એ દરદીઓ ડાયાબિટીઝ, લિવર કામ કરતું અટકી જાય અને કિડની ફેલ્યર જેવી ગંભીર બીમારીઓથી પીડિતા અને એટલે તેમનાં મૃત્યુ થયાં હતાં.’
રાજ્યના મેડિકલ એજ્યુકેશન પ્રધાન હસન મુશરીફે કહ્યું હતું કે આ બાબતની ચકાસણી કરવા તેઓ જાતે નાંદેડ જઈ હૉસ્પિટલની મુલાકાત લેશે અને એ બાબતે પગલાં લેવાં જણાવશે.

