પલ્લવીબહેનના પતિ અરવિંદે હિંમત દાખવીને બાઇકનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ વિરુદ્ધ દિશામાં હિલ રોડ તરફ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર (મિડ-ડે)
બાંદરાના બૅન્ડ-સ્ટૅન્ડ નજીક રવિવારે સાંજે માઉન્ટ મૅરી ચર્ચ નજીક રહેતાં ૪૮ વર્ષનાં પલ્લવી વાઘેલા સાથે બનેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે ચેઇન-સ્નૅચર તેમની એક લાખ રૂપિયાની ચેઇન લૂંટીને નાસી ગયા હતા. આ મામલે બાંદરા પોલીસે ગઈ કાલે સવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પલ્લવીબહેન રવિવારે સાંજે પતિ અરવિંદ સાથે બૅન્ડ-સ્ટૅન્ડ ફરવા ગયાં હતાં અને યુનિયન બૅન્ક નજીકથી ચાલીને પસાર થઈ રહ્યાં હતાં એ દરમ્યાન સામેની બાજુથી બાઇક પર આવેલા બે જણે અચાનક પલ્લવીબહેનના ગળા પર હુમલો કરીને એક લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેઇન ખેંચી લીધી હતી અને ઝડપથી બાઇક પર નાસી ગયા હતા. પોલીસે આરોપીઓની ઓળખ કરવા માટે ઘટનાસ્થળ નજીકના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને વધુ તપાસ હાથ ધરી છે. આ અચાનક બનેલી ઘટનાથી દંપતી ગભરાઈ ગયું હતું અને તેમણે તાત્કાલિક જોર-જોરથી બૂમો પાડી હતી, પરંતુ બાઇક પર આવેલા બન્ને જણે પોતાની બાઇક પૂરઝડપે મેહબૂબ સર્કલની દિશામાં ભગાડી મૂકી હતી. પલ્લવીબહેનના પતિ અરવિંદે હિંમત દાખવીને બાઇકનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ વિરુદ્ધ દિશામાં હિલ રોડ તરફ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
