૧૫ દિવસમાં ટિકિટ વગર મુસાફરી કરતા ઑલમોસ્ટ ૯૫,૦૦૦ ઝડપાયા, ૮.૨૩ કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો
વેસ્ટર્ન રેલવેમાં ટિકિટ તપાસતા ટિકિટ-કલેક્ટર.
દિવાળીના તહેવારોની ભીડભાડ વચ્ચે વેસ્ટર્ન રેલવે (WR)ના મુંબઈ સેન્ટ્રલ વિભાગ દ્વારા ૩૧ ઑક્ટોબરથી ૧૪ નવેમ્બર દરમ્યાન ૧૫ દિવસની ઑપરેશન દીપ નામની વિશેષ ટિકિટ-ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમ્યાન ટિકિટ વગર અને અનિયમિત મુસાફરી કરતા કુલ ૯૪,૯૧૯ કેસ પકડાયા હતા જેનાથી વેસ્ટર્ન રેલવેને દંડ અને ટિકિટોની આવક પેટે કુલ ૮,૨૨,૯૯,૩૦૦ રૂપિયાની કમાણી થઈ છે. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે જણાવ્યું હતું કે આ રકમ નિર્ધારિત ૭.૬૫ ટકાના લક્ષ્યાંક કરતાં ૭.૫૨ ટકા વધુ હતી તેમ જ ગયા વર્ષની સરખામણીએ આ વસૂલાતમાં ૫૩.૬ ટકાનો મોટો વધારો નોંધાયો છે.
