પોતાની વિવિધ માગણીઓની અનેક વાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતાં સ્ટ્રાઇકની કરી જાહેરાત

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
માથાડી કામદારોની અનેક માગણીઓ સંદર્ભે સરકારનાં વિવિધ ખાતાંઓમાં અનેક વાર રજૂઆત કરવા છતાં અને અધિકારીઓ સાથે બેઠકો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતો હોવાથી રાજ્ય સરકારનું આ બાબતે ધ્યાન દોરવા બુધવાર પહેલી ફેબ્રુઆરીએ માથાડી કામદારો હડતાળ પર જશે, એવી જાહેરાત સ્વ. આમદાર અણ્ણાસાહેબ પાટીલના મહારાષ્ટ્ર રાજ્ય માથાડી, ટ્રાન્સપોર્ટ આણી જનરલ કામગાર યુનિયનના નેતા નરેન્દ્ર પાટીલ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં માથાડીનાં ૩૬ મંડળ છે. મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં જ ૧૧ મંડળ છે. આ અને અન્ય મંડળોની પુનર્રચના થઈ નથી, એથી ઘણા પૉલિસી ડિસિઝન પેન્ડિંગ છે. વળી આ મંડળોને ૫૦ વર્ષ થયાં છે, એના ઘણા કર્મચારીઓ રીટાયર થઈ ગયા છે, એમની જગ્યાએ નવી નિમણૂકો પણ નથી થઈ રહી એથી માથાડીઓને તેમના રોજિંદા કામકાજ કરાવવામાં પણ હાડમારી વેઠવી પડે છે. આ બધાનો નિવેડો લાવવો જરૂરી છે એથી સરકાર આ બાબતે ધ્યાન આપે એ માટે આ હડતાળનું આયોજન કરાયું છે, એમ માથાડી કામગાર નેતા નરેન્દ્ર પાટીલે જણાવ્યું છે.