Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શું બજેટ આપણું બજેટ સાચવશે?

શું બજેટ આપણું બજેટ સાચવશે?

31 January, 2023 09:07 AM IST | Mumbai
Bakulesh Trivedi, Rohit Parikh

આ પ્રશ્ન અત્યારે દરેક વ્યક્તિને સતાવી રહ્યો છે ત્યારે આવતી કાલે જાહેર થનારા યુનિયન બજેટ પાસેથી વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા મુંબઈગરાઓ શું અપેક્ષા રાખીને બેઠા છે એ જાણવાની કોશિશ કરી ‘મિડ-ડે’એ.

બજેટ બનાના હલવા હૈ ક્યા? : દર વર્ષે બજેટ રજૂ કરતાં પહેલાં હલવા સેરેમની રાખવામાં આવે છે, જેમાં ફાઇનૅન્સ મિનિસ્ટર હાજર રહેતાં હોય છે. નિર્મલા સીતારમણે પણ વર્ષોથી ચાલતી આ પરંપરા કાયમ રાખી છે.

બજેટ બનાના હલવા હૈ ક્યા? : દર વર્ષે બજેટ રજૂ કરતાં પહેલાં હલવા સેરેમની રાખવામાં આવે છે, જેમાં ફાઇનૅન્સ મિનિસ્ટર હાજર રહેતાં હોય છે. નિર્મલા સીતારમણે પણ વર્ષોથી ચાલતી આ પરંપરા કાયમ રાખી છે.


આ પ્રશ્ન અત્યારે દરેક વ્યક્તિને સતાવી રહ્યો છે ત્યારે આવતી કાલે જાહેર થનારા યુનિયન બજેટ પાસેથી વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા મુંબઈગરાઓ શું અપેક્ષા રાખીને બેઠા છે એ જાણવાની કોશિશ કરી ‘મિડ-ડે’એ. આવતા વર્ષની ચૂંટણી, વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિબળો, મંદીના ભણકારા, ફિસ્કલ ડેફિસિટ ઓછી કરવાની મથામણ વચ્ચે અંદાજપત્ર ઇલેક્શનલક્ષી રહેશે કે પછી વિકાસલક્ષી એના પર છે આખા દેશની નજર...

10
૨૦૧૪માં સરકાર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદીની સરકારનું આ દસમું બજેટ છે.



હમારી માંગેં પૂરી કરો  : આવતી કાલે દેશનાં ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા ‌સીતારમન આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાંનું છેલ્લું ફુલફ્લેજ્ડ બજેટ રજૂ કરવાનાં છે. આવતા વર્ષની ચૂંટણી, વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિબળો, મંદીના ભણકારા, ફિસ્કલ ડેફિસિટ ઓછી કરવાની મથામણની વચ્ચે અંદાજપત્ર ઇલેક્શનલક્ષી રહેશે કે પછી વિકાસલક્ષી એના પર બધાની નજર છે ત્યારે આમઆદમીને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે આ બજેટમાંથી આપણને શું મળશે અને અત્યારે આર્થિક મોરચે દેશની જે સ્થિતિ છે એમાં આપણું બજેટ સચવાશે કે નહીં?
આવા સંજોગોમાં નાણાપ્રધાન પોતાના પટારામાંથી કાલે શું આપે છે એ તો જાહેરાત બાદ જ ખબર પડશે, પણ એ પહેલાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા મુંબઈગરા મોદી સરકારના આ બજેટ પાસેથી શું અપેક્ષા રાખીને બેઠા છે એ જાણીએ.


ડ્યુટી ઘટે તો સ્મગલિંગ ઓછું થાય : સંજય કોઠારી, જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ભૂતપૂર્વ ચૅરમૅન

જો સરકાર ગોલ્ડ, સિલ્વર, પ્લૅટિનમ વગેરેની ડ્યુટીમાં ઘટાડો કરે તો એનું સ્મગલિંગ ઘટે અને એનો ફાયદો વેપારીઓ, ગ્રાહકો અને સરકાર ત્રણેને થઈ શકે. હાલ ઘણા લોકો ગ્રે માર્કેટમાંથી સ્મગલિંગનું સોનું લે છે, કારણ કે એ સસ્તું પડે છે. એની સામે વેપારીએ તો ડ્યુટી ચૂકવીને જ સોનું ખરીદ્યું છે એટલે તેનું કૉસ્ટિંગ ઊંચું જ રહેશે. તેનો માલ ઘરમાં પડ્યો રહે છે અને ગ્રે માર્કેટમાં માલ વેચાઈ જાય છે. જો ડ્યુટી ઘટે તો સ્મગલિંગ ઓછું થાય અને સરકારને પણ ડ્યુટી મળે. 


ખાદ્ય ચીજવસ્તુઓ‌‌ને જીએસટીમાંથી મુક્ત કરો : રાજેશ ડગલી, મૅનેજર ઇન કન્સ્ટ્રક્શન કંપની, ‍મલાડ

જીએસટીને કારણે આજે મધ્યમ વર્ગના પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. તેમને રાહત મળે એ માટે સરકારે આ બજેટમાં ખાદ્ય ચીજવસ્તુઓ પર લાદવામાં આવેલા જીએસટીમાં ત્રણ ટકાનો ઘટાડો કરવાની જરૂર છે. બધી જ વસ્તુઓમાં જીએસટીના દર મહત્તમ ૧૮ ટકાથી કોઈ પણ સંજોગોમાં વધારવા ન જોઈએ. સરકારે અત્યારે મારા જેવા સિનિયર સિટિઝનોને મળતી સબસિડી હટાવતાં અમારો આર્થિક બોજો વધી ગયો છે. આ બજેટમાં સરકારે ફરીથી ટ્રેનની મુસાફરીમાં સિનિયર સિટિઝનોને ૫૦ ટકા કન્સેશન આપવાની જરૂર છે. વ્યક્તિગત આવક પરના ટૅક્સની મર્યાદા સાડાસાત લાખ રૂપિયા કરશે તો અમને રાહત મળશે. 

ખાદ્ય પદાર્થોના ભાવ વધ્યા પછી ઘટતા નથી : હર્ષા પંચોલી, ગૃહિણી, મીરા રોડ

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે એટલે એની સીધી અસર બધી ચીજવસ્તુઓ પર પડે છે અને એમના ભાવ તરત જ વધારી દેવાય છે. પછી જો પેટ્રોલ કે ડીઝલના ભાવ ઘટે તો પણ ચીજવસ્તુઓના ભાવ જે એક વાર વધ્યા હોય એ ઘટતા જ નથી. આ બાબતે કંઈક કરવું જોઈએ. બીજું, ખેડૂતો તેમના માલનો ભાવ ન મળે તો આંદોલન કરે છે અને શાકભાજી કે પછી દૂધ રસ્તા પર ઢોળી દે છે અથવા બાળી નાખે છે એ વેડફાટ અટકવો જોઈએ અને સામાન્ય માણસોને એ પ્રોડક્ટ્સ સસ્તા ભાવે આપવી જોઈએ. સરકારે કાયદો લાવવો જોઈએ કે વેડફાટ કોઈ હાલતમાં નહીં ચલાવાય. એ સિવાય બની શકે એટલી વધુ ભારતીય બનાવટની ચીજો વાપરવા પ્રમોટ કરવું જોઈએ. ખાસ કરીને ફટાકડા, ચાઇનીઝ માંજો અને હોળીમાં જે રંગ વપરાય છે એ પણ ઇમ્પોર્ટ થાય છે એ રોકવી જોઈએ.

સોનાની આયાત ડ્યુટીમાં રાહત આપો : ફતેહચંદ રાંકા, મહારાષ્ટ્ર રાજ્ય સરાફ સુવર્ણકાર ફેડરેશનના અધ્યક્ષ, પુણે વ્યાપારી મહાસંઘના અધ્યક્ષ

બજેટ ૨૦૨૩-’૨૪માં જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ નિયમિત અને ગ્રે બજાર વચ્ચે સમાનતા રહે એ માટે સોનાની આયાત ડ્યુટીમાં થોડી રાહતની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત જ્વેલરી સેગમેન્ટમાં નિકાસની માગને વધારવા માટે પ્રોત્સાહનોની જાહેરાત અપેક્ષિત છે. ગયા વર્ષે ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં ઘટાડો થયો હતો, જ્યારે સ્થાનિક ભાવમાં વધારાને કારણે માગ પર અસર થતાં આયાતમાં ઘટાડો થયો હતો. સોનામાં ડ્યુટી ઓછી હતી ત્યારે આપણા દેશમાં સ્મગલિંગનું પ્રમાણ નહીંવત્ થઈ ગયું હતું. ઊંચા આયાત-જકાત દરને કારણે ગ્રે માર્કેટ અને રેગ્યુલર માર્કેટમાં સોનાના ભાવમાં બહુ મોટો ફરક છે જેને કારણે સોનાની દાણચોરીમાં વધારો થયો છે. આ ધ્યાનમાં રાખીને સરકારે આયાત ડ્યુટીમાં રાહત આપવાની જરૂર છે. જીએસટીના ગૂંચવાડામાંથી વેપારીઓ બહાર આવી શક્યા નથી. આટલાં વર્ષ પછી પણ જીએસટી સેટલ થયો નથી. જરૂર પડે તો એક વાર જીએસટી બંધ કરીને પ્રૉપર અભ્યાસ કરીને શરૂ કરવાની જરૂર છે. આજે વેપારી ઑનલાઇન રિટર્ન ભરીને કંટાળી ગયો છે.‌ રિટર્ન ભરવાની ‌પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવવાની જરૂર છે. અત્યારની પ્રક્રિયાથી યુવાવર્ગ તેના પારિવારિક બિઝનેસથી દૂર થઈ રહ્યો છે. તેમનું આકર્ષણ પરદેશ તરફ વધી ગયું  છે. અનેક પરિવારો વિદેશમાં સ્થાયી થવા લાગ્યા છે.  

બે-ચાર પૉઝિટિવ સ્ટેપ્સ લેવાય તો માર્કેટ પર સારી અસર પડે : કિરીટ ભણસાલી, ભારત ડાયમન્ડ બુર્સના કમિટી મેમ્બર

આમ જનતાને ફાયદો થાય એવાં પગલાં વધુ લેવાં જોઈએ. હીરાબજારને લગતી અમારી ઘણી માગણીઓ છે. જો એમાંથી બે-ચાર પર પણ પૉઝિટિવ પગલાં લેવાય તો માર્કેટ પર એની ઘણી સારી અસર પડે. જેમ કે ગોલ્ડ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવી, ટર્નઓવર ટૅક્સ ઓછો કરવો. એ સિવાય એક્સપોર્ટ સામે બૅન્ક-લોનનો દર ઓછો કરવો. જો એક્સપોર્ટ વધે તો એના ઘણા ફાયદા છે. જો વધુ સપ્લાય થાય તો વધુ માલ બને, મૅન્યુફૅક્ચરિંગ વધે, વધુ લોકોને રોજગાર મળે, વિદેશી હૂંડિયામણ વધે. આમ એક પગલાના અનેક ફાયદા મળતા હોય છે. 

ટૅક્સપેયરને કોઈ ફાયદો નથી મળતો : વિપુલ જોશી, ડૉક્ટર, ઘાટકોપર

સરકાર ટૅક્સપેયર પાસેથી ટૅક્સ તો લે છે, પણ તેને વધારાનો કોઈ જ ફાયદો અપાતો નથી. ટૅક્સપેયરને ઓલ્ડ એજમાં કોઈ પેન્શન અપાતું નથી. વળી હાલ તો પેન્શનના પૈસા (એલઆઇસીની સ્કીમ છે)નું એલઆઇસીએ અદાણીમાં રોકાણ કરતાં કરોડો રૂપિયા સલવાઈ ગયા છે. સરકારે ખાવા-પીવાની ચીજો પર અને ઈવન દવાઓ પર જીએસટી ન લગાડવો જોઈએ. કોઈ વ્યક્તિ દવા લેવા દુકાન પર જાય એટલે ચાર-પાંચ દવા લીધા પછી દુકાનદાર ટોટલ બિલ આપે તો એ બિલની ટોટલ રકમ પર પણ જીએસટી લેવાય છે. કંપનીએ દવા બનાવી ત્યારે એના પર જીએસટી લગાડીને જ પ્રાઇસ મૂકી છે તો એના પર ફરીથી જીએસટી શા માટે લેવાય છે? આ બધું બંધ થવું જોઈએ. નોકરિયાતો માટે ટૅક્સ-સ્લૅબ વધારી આપવો જોઈએ. આજની તારીખે વર્ષે પાંચ લાખ રૂપિયા પગાર મળવો એ કંઈ વધારે ન કહેવાય. એના પર પણ જો ટૅક્સ લેવામાં આવે તો લોકો ટૅક્સ-ચોરી કરવાના ઉપાય શોધે જ. એથી એ ટૅક્સ-સ્લૅબ વધારી આપવો જોઈએ. જો કોઈ નાની વ્યક્તિ ટૅક્સ-ચોરી કરતી પકડાય તો દંડાય અને કાર્યવાહી થાય, પણ મોટા હાથી નીરવ મોદી કે પછી વિજય માલ્યા કરોડો રૂપિયાનું કરી જાય છે છતાં તેમને કશું થતું નથી. આ બધું બંધ થવું જોઈએ. 

પેટ્રોલ–ડીઝલનો જીએસટીમાં સમાવેશ કરો : બાલમિલકત સિંહ, ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉન્ગ્રેસ, કોર કમિટીના ચૅરમૅન

જીએસટી લાવવાનો ઉદ્દેશ હતો ‘વન નેશન, વન ટૅક્સ’. જોકે એવું થયું નથી. પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાં જોઈએ જેથી લોકોને એનો લાભ મળી શકે. બીજું, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઑઇલના ભાવ ઘટે છે, પણ એનો લાભ લોકોને ટ્રાન્સફર નથી થતો એ થવો જોઈએ. ટ્રાન્સપોર્ટ સીમલેસ થવું જોઈએ. જીએસટી આવ્યા બાદ હવે ઈ-વે બિલ બને છે જે ઑનલાઇન ચેક થઈ શકે છે. ગાડીનાં પેપર્સ પણ હવે ઈ-પરિવહન હેઠ‍‍ળ ઑનલાઇન ચેક કરી શકાય છે તો પછી હવે ચેકપોસ્ટ શા માટે? જ્યાં પણ મૅન્યુઅલ ઇન્ટરફિયરન્સ થશે ત્યાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા રહે છે. ટોલ પણ હવે સૅટેલાઇટ થ્રૂ કટ થવો જોઈએ. ફાસ્ટ ટૅગમાં પણ લાઇનમાં તો ઊભા રહેવું પડે જ છે તો સમયની બચત ક્યાં થઈ? જ્યારે ઈ-વે બિલમાં અમારે જણાવવાનું જ હોય છે કે ગાડી ક્યાંથી ક્યાં જશે તો એ વચ્ચેના કિલોમીટરની ગણતરી કરીને ત્યારે જ કાપી લેવાય તો એને કારણે ટોલનાકા પર લાગતી લાઇન પણ ઘટી જશે. એ સિવાય આપણા દેશમાં ગણીગાંઠી કંપનીઓ જ ટાયર બનાવે છે અને એથી મોનોપૉલી હોવાથી અવારનવાર ભાવમાં વધારો કરતી રહે છે. જો ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડાય તો અનેક વિદેશી કંપનીઓનાં ટાયર મળી શકે અને એથી સ્થાનિક બજારમાં પણ એની અસર પડે અને ભાવ ઘટે. એ જ રીતે ગાડીમાં વપરાતા લુબ્રિકન્ટ અને અન્ય આઇટમો પર જીએસટી ઘટવો જોઈએ. 

જીએસટીના સ્લૅબમાં ઘટાડો કરો : મોહન ગુરનાણી, ચેમ્બર ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના અધ્યક્ષ

જીએસટીનું અનુપાલન સરળ હોવું જોઈએ. પેપરવર્ક જેવી વધુ પડતી કામગીરી નાના ઉદ્યોગોની ઉત્પાદકતાની કમર તોડી નાખે છે જે આખરે વેપારીઓના નકારાત્મક આઉટપુટમાં પરિણમે છે અને અનિચ્છનીય મુકદ્દમામાં વધારો કરે છે. જીએસટીનું કલેક્શન મજબૂત રહ્યું છે અને આવક સરકારની અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે. આથી સરકારે હવે જીએસટીના સ્લૅબમાં ઘટાડો કરવો જોઈએ અને સામાન્ય માણસ પરનો ભાર ઓછો કરવો જોઈએ. સરકારે વચન મુજબ તમામ રાજ્યોમાં તમામ પરોક્ષ કર - ખાસ કરીને મહારાષ્ટ્રમાં - જેમ કે પ્રોફેશનલ ટૅક્સ, એપીએમસી સેસ વગેરે તરત જ નાબૂદ કરવા જોઈએ, કારણ કે જીએસટીના દરો પહેલેથી જ ખૂબ વધારે છે. ઇક્વિટેબલ મૉર્ગેજ અને હાઇપોથેકેશન જેવા વિવિધ નાણાકીય દસ્તાવેજો પરની સ્ટૅમ્પ-ડ્યુટી જે મહારાષ્ટ્રમાં ૦.૩ ટકા છે એ ખૂબ વધારે છે અને એસએમઈ અને એમએસએમઈને ઘણું નુકસાન કરે છે. આના પર સ્ટૅમ્પ-ડ્યુટી ઉપરાંત જીએસટી પણ લાગુ કરવામાં આવે છે. ફુગાવાને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત ઇન્કમ-ટૅક્સના સ્લૅબની મર્યાદા વધારીને દસ લાખ કરવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2023 09:07 AM IST | Mumbai | Bakulesh Trivedi, Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK