સોની સ્કૂલ ઑફ ગરબા ડાન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા સિલેબસ પ્રમાણે નાલંદા ડાન્સ ઍન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી ઘાટકોપરના રામજી આસર વિદ્યાલયની સ્કૂલોના ૩૫૭ વિદ્યાર્થીઓ ૨૭ અને ૩૦ માર્ચે ગરબાની પ્રૅક્ટિકલ અને મૌખિક પરીક્ષા આપશે
જિગર અને સુહૃદ સોની
ગરબાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર સોની સ્કૂલ ઑફ ગરબા ડાન્સ દ્વારા મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલા સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરના સહયોગથી ૨૭ અને ૩૦ માર્ચે સ્કૂલના વિદ્યાર્થીઓની ગરબાની પરીક્ષા થવાની છે. ગરબાને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સામેલ કરાયા બાદ પહેલી વાર પરીક્ષા લેવામાં આવી રહી છે. પ્રથમ બૅચમાં ઘાટકોપરના રામજી આસર વિદ્યાલયની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોના ચોથા ધોરણના ૩૫૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ સંદર્ભે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં સોની સ્કૂલ ઑફ ગરબા ડાન્સના જિગર અને સુહૃદ સોનીએ કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓને લોકકલાનું જ્ઞાન આપવું એ શિક્ષણનો મહત્ત્વનો ભાગ છે. અત્યાર સુધી ભરતનાટ્યમ અને કથક નૃત્યનો અભ્યાસક્રમમાં સમાવેશ થતો હતો અને પરીક્ષાઓ પણ લેવાય છે. સરકાર દ્વારા નવી એજ્યુકેશન પૉલિસીમાં ગુજરાતના ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો એ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આ પગલાથી સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિથી પરિચિત થઈ રહ્યા છે. હાલમાં ૧૪ શૈક્ષણિક સંસ્થાઓમાં અઠવાડિયે એક પિરિયડ ગરબાનો હોય છે જેમાં લગભગ ૧૫૦૦ વિદ્યાર્થીઓ પરંપરાગત રીતે રમાતા ગરબા શીખી રહ્યા છે. નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરના સહયોગથી આ વર્ષે પહેલી વાર સ્કૂલના વિદ્યાર્થીઓ ગરબાની પરીક્ષા આપવાના છે. સિલેબસ અમારી ઍકૅડેમીએ તૈયાર કર્યું છે. ગરબા અન્ય લોકનૃત્યની જેમ સોલો પર્ફોર્મ ન કરી શકાય એટલે ૧૨ અને ૧૬નાં ગ્રુપ બનાવ્યાં છે. ટ્રેડિશનલ ડ્રેસમાં પરીક્ષા આપવાની રહેશે. પચાસ માર્કની અડધા કલાકની પરીક્ષામાં પ્રૅક્ટિકલ (ગરબા રમીને બતાવવાના) અને મૌખિક બન્ને હશે. ગરબાની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના ફાઇનલ રિઝલ્ટમાં ત્રણ બોનસ માર્ક ઉમેરાશે.’
ADVERTISEMENT
નવી શિક્ષણનીતિમાં ગરબાનો સમાવેશ કરાયા બાદ શરૂઆતમાં મુંબઈની પાંચ સ્કૂલોમાં ચોથા ધોરણથી આઠમા ધોરણના સિલેબસમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલા અને સંસ્કૃતિના વારસાને આગળ વધારવા પાંચ વર્ષની ગરબાની તાલીમને સત્તાવાર માન્યતા મળી છે. મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરના સહયોગથી ગરબા ક્લાસનું સંચાલન જિગર સોની અને સુહૃદ સોનીને સોંપવામાં આવ્યું છે. બન્ને ભાઈઓ ૨૮ વર્ષથી પરંપરાગત ગરબા શીખવે છે. તેમણે ગુજરાતના લોકનૃત્યને ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ફલક પર પણ ગૌરવ અપાવ્યું છે. સ્કૂલ ઉપરાંત કૉલેજમાં પણ તેઓ ગરબા શીખવે છે. અત્યાર સુધીમાં ૬૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શનમાં ગરબા શીખ્યા છે. મીઠીબાઈ કૉલેજમાં આ ત્રીજું વર્ષ છે. નરસી મોનજી કૉલેજમાં ગરબાની થિયરી પરીક્ષા પણ લેવાય છે. સોનીભાઈઓએ અત્યાર સુધીમાં વિશ્વના ૧૮ દેશોનાં ૭૦ શહેરોમાં ગરબાના ક્લાસ લીધા છે.
