૨૦ દિવસ પહેલાં સગાઈ થયા બાદ ટૂંક સમયમાં લગ્ન થવાનાં હતાં, પણ આર્થિક મુશ્કેલીને લીધે ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની શક્યતા
શિરીષ મહારાજ મોરે
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા દેહુમાં સત્તરમી સદીમાં થઈ ગયેલા મહાન સંત તુકારામના અગિયારમી પેઢીના વંશજ ૩૦ વર્ષના શિરીષ મહારાજ મોરેએ ગઈ કાલે તેમના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી મળી આવેલી સુસાઇડ-નોટમાં પોતે આર્થિક મુશ્કેલીમાં હોવાથી જીવન પૂરું કરી રહ્યા હોવાનું તેમણે લખ્યું હતું. ૨૦ દિવસ પહેલાં શિરીષ મહારાજની સગાઈ થઈ હતી અને ટૂંક સમયમાં લગ્ન થવાનાં હતાં ત્યારે જ જીવલેણ પગલું ભરતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ દેહુમાં શિરીષ મહારાજ તેમનાં માતા-પિતા સાથે રહેતા હતા. તેમણે થોડા સમય પહેલાં જ નવું ઘર ખરીદ્યું હતું. માતા-પિતા નીચેની રૂમમાં રહે છે અને શિરીષ મહારાજ ઉપરની રૂમમાં રહેતા હતા એટલે મંગળવારે રાત્રે ભોજન કર્યા બાદ તેઓ તેમની રૂમમાં ગયા હતા. ગઈ કાલે સવારે શિરીષ મહારાજ જાગ્યા નહોતા એટલે માતા-પિતાએ ઉપર જઈને તપાસ કરી તો શિરીષ મહારાજનો પંખા સાથે લટકેલો મૃતદેહ જોવા મળ્યો હતો. તેમણે પોલીસને જાણ કરી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે સંત તુકારામના વંશજ હોવાથી શિરીષ મહારાજ ભજન-કીર્તન કરીને ગુજરાન ચલાવતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર હોવાની સાથે શિવશંભો પ્રતિષ્ઠાનના અધ્યક્ષ પણ હતા.


