અમેરિકન રૅપર ટ્રૅવિસ સ્કૉટની કૉન્સર્ટમાં તસ્કરો ત્રાટક્યા
અમેરિકન રૅપર ટ્રૅવિસ સ્કૉટ
મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ૧૯ નવેમ્બરે સાંજે યોજાયેલી અમેરિકન રૅપર ટ્રૅવિસ સ્કૉટની કૉન્સર્ટમાં તસ્કરો ૨૪ મોંઘા મોબાઇલ અને ૧૨ લોકોની સોનાની ચેઇન તફડાવી ગયા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે તાડદેવ પોલીસે પાંચ સેપરેટ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. રૅપર ટ્રૅવિસ સ્કૉટ જ્યાં પર્ફોર્મન્સ આપી રહ્યો હતો ત્યાં ભીડ અને ધક્કામુક્કીનો લાભ લઈને ચેઇન-સ્નૅચરોએ લોકોને નિશાન બનાવ્યા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેજ અને પ્રવેશદ્વાર પાસે લગાવેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજથી આરોપીઓની ઓળખ કરી રહી છે. થોડા વખત પહેલાં BKCમાં યોજાયેલા પ્રોગ્રામમાંથી પણ આ રીતે તસ્કરોએ હાથસફાઈ કરી હતી જેમાં હજી પણ આરોપીઓ પોલીસને મળ્યા નથી.
કાલબાદેવીમાં રહેતા ૧૮ વર્ષના પ્રિયેશ દિવેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સાંજે પાંચ વાગ્યે હું મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે કૉન્સર્ટ જોવા ગયો હતો. આ કૉન્સર્ટમાં ટ્રૅવિસ સ્કૉટનો પર્ફોર્મન્સ સાંજે સાડાસાત વાગ્યે શરૂ થયો હતો. એમાં ભારે ભીડ હતી ત્યારે બધા લોકો એકબીજાને ધક્કો મારીને સ્ટેજની આગળ જવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. હું પણ નજીકથી પર્ફોર્મન્સ સાંભળવા સ્ટેજની નજીક ગયો હતો. ત્યાં પર્ફોર્મન્સ એન્જૉય કરતી વખતે ધક્કામુક્કીનો ફાયદો ઉઠાવીને મારા ગળામાંની સોનાની ચેઇન કોઈકે પાછળથી ખેંચી લીધી હતી. મેં તરત ચેઇન ખેંચનાર વ્યક્તિને શોધી હતી, પરંતુ તે મળી નહોતી. અંતે મેં મારી ફરિયાદ તાડદેવ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’
તાડદેવના આનંદનગરમાં રહેતા બાવીસ વર્ષના સાહિલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમેરિકન રૅપર ટ્રૅવિસ સ્કૉટની કૉન્સર્ટ જોવા હું મારા મિત્રો સાથે સાંજે સાત વાગ્યાની આસપાસ મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ગયો હતો. ટ્રૅવિસ સ્કૉટનો પર્ફોર્મન્સ જોવા સ્ટેજ નજીક જઈને અમે ઊભા રહ્યા હતા. એ દરમ્યાન મારા ખિસ્સામાં રાખેલો આઇફોન 17 પ્રો-મૅક્સ મોબાઇલ કોઈકે માત્ર પાંચ મિનિટમાં કાઢી લીધો હતો. મને ફોન ચોરાયો હોવાની ખાતરી થઈ હતી એટલે મેં મારા નંબર પર ફોન કરવાની કોશિશ કરી ત્યારે એ બંધ આવ્યો હતો. આ ફોન મેં માત્ર એક મહિના પહેલાં દોઢ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હું ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન પર પહોંચ્યો ત્યારે ત્યાં મારા જેવા અનેક લોકોના મોબાઇલ આ રીતે ચોરાયા હોવાની જાણકારી મને મળી હતી.’
ADVERTISEMENT
તાડદેવ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સવલારામ સાલગાવકરે
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવાર રાત્રે યોજાયેલા પ્રોગ્રામમાંથી ૧૨ લોકોની આશરે ૧૭ લાખ રૂપિયાની ૧૭૭ ગ્રામ સોનાની ચેઇનની ચોરી થઈ છે તેમ જ ૨૪ લોકોના આશરે ૧૨ લાખ રૂપિયાના મોબાઇલ ચોરી થયા હોવાની કુલ પાંચ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદીઓ મુંબઈ, સુરત, બૅન્ગલોર અને કેરલાના છે. આરોપીઓને શોધવા માટે વિવિધ ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ આરોપીઓને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.’


