ખાર રોડ અને સાંતાક્રુઝ વચ્ચે થયેલા બ્લાસ્ટને લીધે કાયમ માટે વ્હીલચૅરગ્રસ્ત થઈ ગયેલા ગુજરાતી CA ચિરાગ ચૌહાણ કહે છે...
ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદા વિશે કિરીટ સોમૈયાએ યોજેલી પ્રેસ કૉન્ફરન્સમાં ચિરાગ ચૌહાણ અને બ્લાસ્ટનો ભોગ બનેલા અન્ય લોકો. તસવીર: આશિષ રાજે
૨૦૦૬ની ૧૧ જુલાઈએ મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા ૭ બૉમ્બ-બ્લાસ્ટમાં ૧૮૯ લોકોએ જીવ ગુમાવ્યા, પણ કાતિલ કોઈ નહીં; બારેબાર આરોપીઓ છૂટી ગયા
વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોમાં ૨૦૦૬ની ૧૧ જુલાઈએ થયેલા સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટનો ભોગ બનેલો કાંદિવલીનો ૪૦ વર્ષનો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ચિરાગ ચૌહાણ એ દિવસે સાંજે એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનથી કાંદિવલી તેના ઘરે જઈ રહ્યો હતો. ખાર રોડ અને સાંતાક્રુઝ વચ્ચે તેના કમ્પાર્ટમેન્ટમાં બૉમ્બ-બ્લાસ્ટ થતાં ચિરાગ ઈજા પામ્યો અને બેભાન થઈ ગયો હતો. આ આતંકવાદી હુમલાને કારણે ચિરાગને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી જેને કારણે તે લકવાગ્રસ્ત બની ગયો છે અને હવે વ્હીલચૅર પર નિર્ભર છે. ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટનો ચુકાદો સાંભળીને ચિરાગ હતાશ થઈ ગયો હતો.
ADVERTISEMENT
હું પણ વિસ્ફોટમાં બચી ગયેલા લોકોમાંનો એક છું, વ્યક્તિગત રીતે મેં ઘણા સમય પહેલાં આતંકવાદીઓને માફ કરી દીધા છે અને મારા જીવનમાં આગળ વધી ગયો છું એમ જણાવતાં ચિરાગ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બૉમ્બ-બ્લાસ્ટમાં જે લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ગંભીર ઈજા પામ્યા બાદ અપંગ બનીને જીવી રહ્યા છે તેમને ન્યાય અપાવવામાં ન્યાયતંત્ર નિષ્ફળ ગયું છે. આમ મને લાગે છે કે જસ્ટિસ ગૉટ કિલ્ડ. કાશ એ સમયે નરેન્દ્ર મોદી વડા પ્રધાન હોત તો આપણને તાજેતરના આતંકવાદી હુમલાની જેમ ન્યાય મળી શક્યો હોત. ભારતે પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓ અને બધા ગુનેગારોને યોગ્ય જવાબ આપ્યો હોત. આજનો દિવસ દરેક માટે ભારે દુખદ છે. હજારો પરિવારોને થયેલા નુકસાન અને પીડા માટે કોઈને સજા નથી મળી.’
આ બૉમ્બ-બ્લાસ્ટને તો હું પૉઝિટિવ ઍન્ગલથી જ જોઉં છું એમ જણાવતાં ચિરાગ ચૌહાણે કહ્યું હતું કે ‘હું તો આ બ્લાસ્ટમાં મોતના મુખમાંથી બચી ગયો છું. મને નથી લાગતું કે આનાથી મોટી સફળતા કે જીત જીવનમાં બીજી કોઈ હોઈ શકે. હું તો આમાંથી એટલું જ શીખ્યો છું કે ગમે તેવી આફતો આવે તોય આપણે રોકાવું ન જોઈએ, અવિરત આગળ વધતા રહેવું જોઈએ.’

