અત્યાર સુધી ૨૬૪ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી, ૬૬ બિલ્ડિંગના ગેરકાયદે ભાગોને દૂર કરાયા
પ્રતીકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ જૂન મહિનાથી ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં TMCએ ૧૯૮ ગેરકાયદે બિલ્ડિંગ તોડી પાડ્યાં છે અને ૬૬ બિલ્ડિંગના ગેરકાયદે બાંધવામાં આવેલા ભાગોને તોડવામાં આવ્યા છે.
બૉમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર વૉર્ડ-ઑફિસર અને સ્પેશ્યલ વિજિલન્સ ટીમ દ્વારા દિવા અને મુંબ્રામાં ગેરકાયદે બિલ્ડિંગોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ TMCની ઍન્ટિ એન્ક્રોચમેન્ટ ટીમે આ કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
TMCના કમિશનર સુભાષ રાવે જણાવ્યું હતું કે ‘ગેરકાયદે બાંધકામો હટાવતી વખતે તમામ સિસ્ટમને અલર્ટ રાખવામાં આવે છે. જો કોઈ ગેરકાનૂની હરકત જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરીને કેસ રજિસ્ટર કરવામાં આવે છે. બાંધકામ ચાલતું હોય એવાં બિલ્ડિંગો પર ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ લગાડવામાં આવ્યો છે, જેને સ્કૅન કરીને લોકો બાંધકામની પરવાનગીઓ વિશે માહિતી મેળવી શકે છે. જેથી બિલ્ડિંગ ગેરકાયદે હોય તો ખરીદનારાઓ અંધારામાં ન રહે.’
જૂનથી સપ્ટેમ્બર મહિનામાં ગેરકાયદે બિલ્ડિંગ બંધાતાં હોય એવા ૫૦ કેસ નોંધાયા હોવાનું સુભાષ રાવે ઉમેર્યું હતું.


