Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોન ઍપના ચક્કરમાં ફસાયા તો લાખના બાર હજાર થવાના

લોન ઍપના ચક્કરમાં ફસાયા તો લાખના બાર હજાર થવાના

30 July, 2022 12:15 PM IST | Mumbai
Prakash Bambhrolia

મમ્મીની સારવાર માટે લોન ઍપની મદદથી ૩,૮૫,૦૦૦ રૂપિયા લીધા બાદ રિકવરી એજન્ટોએ ૨૨ લાખ રૂપિયા વસૂલ કર્યા

કરોડો રૂપિયાના લોન ફ્રૉડ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સાઇબર પોલીસ સાથે

કરોડો રૂપિયાના લોન ફ્રૉડ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સાઇબર પોલીસ સાથે


ઇન્સ્ટન્ટ લોન આપવાના નામે લોકોને ધમકાવીને રૂપિયા પડવાતી ઇન્ટરસ્ટેટ ગૅન્ગના ૧૪ આરોપીઓ પકડાયાઃ આરોપીઓનાં ૩૫૦થી વધુ બૅન્ક-અકાઉન્ટમાંથી ૧૪ કરોડ રૂપિયા અને ૨.૧૭ લાખ ડૉલરની ક્રિપ્ટો કરન્સી મળી

રૂપિયાની જરૂર હોય તો લોન લેવા માટે કોઈ ઍપને બદલે બૅન્કમાં જજો. એમ નહીં કરો તો તમારે પસ્તાવાનો વારો આવશે. મુંબઈમાં રહેતી એક વ્યક્તિએ મમ્મીની સારવાર માટે લોન ઍપની મદદથી ૧૦ લોન મળીને ૩,૮૫,૦૦૦ રૂપિયા લીધા બાદ રિકવરી એજન્ટોએ તેમની પાસેથી ૨૨ લાખ રૂપિયા વસૂલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સાઇબર પોલીસે આ મામલાની તપાસ કરતાં જણાયું છે કે એક ઇન્ટરસ્ટેટ ગૅન્ગે લોકોના ડૉક્યુમેન્ટ્સ તફડાવીને ૩૫૦ કરતાં વધુ બૅન્ક-અકાઉન્ટ ઓપન કરવાની સાથે ૨૦૦થી વધુ બોગસ કંપનીઓના માધ્યમથી અસંખ્ય લોકો પાસેથી ૧૪ કરોડ રૂપિયા અને ૨.૧૭ લાખ અમેરિકન ડૉલરની ક્રિપ્ટો કરન્સી મેળવી હતી. સાઇબર પોલીસે આ તમામ રકમ સીઝ કરીને મુંબઈ, બૅન્ગલોર, હરિયાણા કલકત્તા અને ઉત્તરાખંડમાંથી એક ગુજરાતી સહિત ૧૪ આરોપીની ધરપકડ કરી છે.



બાંદરામાં આવેલા વેસ્ટર્ન ​રીજન સાઇબર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે તેની મમ્મીની સારવાર માટે તેણે ઑનલાઇન લોન ઍપની મદદથી ૧૦ લોનમાં ૩,૮૫,૦૦૦ હજાર રૂપિયાની લોન લીધી હતી. લોન લીધા બાદ તેને મૉર્ફ કરેલા અશ્લીલ ફોટો વાઇરલ કરવાની ધમકી આપવાની શરૂઆત થવાથી ગભરાઈ જઈને તેણે ૨૨ લાખ રૂપિયાનું રીપેમેન્ટ કરી દીધું હતું. આટલા રૂપિયા આપ્યા બાદ પણ રિકવરી એજન્ટોની ધમકીઓ ચાલુ જ રહેતા તેણે સાઇબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.


મામલો ગંભીર હોવાનું જાણ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરતાં જણાયું હતું કે એક મોટું ગ્રુપ કે ગૅન્ગ જરૂરિયાતમંદ લોકોને લોન આપવાના નામે છેતરી રહી છે. વેસ્ટર્ન રીજન સાઇબર પોલીસ સ્ટેશનની ટીમે મલાડમાં રહેતા સ્નેહ સમીર સોમાણી નામના ગુજરાતી આરોપી સહિત બૅન્ગલોરમાં રહેતા ઓવેજ સલીમ અહમદ, વિપુલ શંકર ગૌડા, મલ્લય્યા કુરુબા, અજયકુમાર અરુણકુમાર, હરિયાણાના સંજય વીરભાન અરોરા, ઉત્તરાખંડના હલ્દવાનીના પ્રિયાંશી શેખરચંદ્ર કાંડપાલ અને કલકત્તાના લિયાંગ શેંગ સ‌હિત કુલ ૧૪ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ૩૯ મોબાઇલ, ૨૧૧ સિમ કાર્ડ, ૧૯ લૅપટૉપ, ૨ હાર્ડ ડિસ્ક, ૩ રાઉટર અને ૧ એસસડી જપ્ત કરવામાં આવ્યાં હતાં.

આરોપીઓની પૂછપરછમાં અત્યંત ચોંકાવનારી માહિતી પોલીસને હાથ લાગી હતી. આરોપીઓએ એક કૉર્પોરેટ કંપનીની જેમ જ લોન આપવાના નામે લોકોને છેતરવા માટે લોકોના બૅન્ક-અકાઉન્ટ નંબર અને સિમ કાર્ડ મેળવીને વિવિધ બૅન્કોમાં ૩૫૦થી વધુ કરન્ટ અકાઉન્ટ ઑપન કર્યાં હોવાનું જણાયું છે. આ અકાઉન્ટમાં ૧૪ કરોડ રૂપિયા અને ૨.૧૭ લાખ અમેરિકન ડૉલરની કિંમતની ક્રિપ્ટો કરન્સી જમા છે, જે પોલીસે જપ્ત કરી છે.


મોડસ ઑપરેન્ડી
આરોપીઓની મોડસ ઑપરેન્ડી વિશે વેસ્ટર્ન રીજન પોલીસ સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર સુવર્ણા શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાધારણ લોકો ઘણી વાર પાંચથી દસ હજાર રૂપિયા જેટલી મામૂલી રકમની જરૂર પડે ત્યારે કોઈની સામે હાથ લંબાવવાને બદલે લોન મેળવવાના પ્રયાસ કરતા હોય છે. આ વાત આરોપીઓ સારી રીતે જાણતા હોવાથી તેઓ લોકોને છેતરવા માટે ઇન્સ્ટન્ટ લોન ઍપના માધ્યમથી અસંખ્ય લોકોને એસએમએસ મોકલતા હતા. કોઈ એસએમએસની લિન્ક પર ક્લિક કરીને ઍપ તેના મોબાઇલમાં ઇન્સ્ટૉલ કરે ત્યારે તેની પાસેથી બૅન્કથી લઈને પૅન કાર્ડ અને આધાર કાર્ડ સહિતની તમામ માહિતી મેળવી લેતા હતા. લોનના ચક્કરમાં ફસાયેલી વ્યક્તિ પાસેથી બાદમાં મૉર્ફ કરેલા ફોટો કે વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને તેણે લીધેલી લોનની રકમ કરતાં અનેકગણા રૂપિયા પડાવતા હતા.’

કઈ રીતે બચી શકાય લોન ઍપથી?
સાઇબર પોલીસે લોકોને ચેતવણી આપી છે કે તેમને રૂપિયાની જરૂર હોય તો કોઈ પણ લોન ઍપને બદલે બૅન્કમાં જજો. અજાણ્યા નંબર પરથી આવેલા એસએમસએસની લિન્ક દ્વારા લોન ઍપ ડાઉનલોડ ન કરો. કોઈએ ઍપ ડાઉનલોડ કરી લીધી હોય તો તેમણે મોબાઇલની ગૅલરી અને કૉન્ટૅક્ટ સહિત કૅમેરા, માઇક કે મેસેજની ઍક્સેસની મંજૂરી ન આપવી. બૅન્કનું અકાઉન્ટ ખોલવા માટે કોઈને કોઈ ડૉક્યુમેન્ટ્સ ન આપવા. લોન રિકવરી એજન્ટની ધમકીઓને શરણે જવાને બદલે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરો. 

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2022 12:15 PM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK