રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા બિલ્ડિંગમાં સિક્યૉરિટી માટે તહેનાત કરવામાં આવેલા મુંબઈ પોલીસના ૧૨ ગાર્ડ ડ્યુટીમાં બેદરકાર રહ્યા હોવાનું જણાયા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ફાઈલ તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા બિલ્ડિંગમાં સિક્યૉરિટી માટે તહેનાત કરવામાં આવેલા મુંબઈ પોલીસના ૧૨ ગાર્ડ ડ્યુટીમાં બેદરકાર રહ્યા હોવાનું જણાયા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસના ડેપ્યુટી પોલીસ-કમિશનર સંદીપ જાધવ (લોકલ આર્મ્સ 2)ના કહેવા મુજબ ફોર્ટમાં આવેલા RBIના નવા અને જૂના બિલ્ડિંગમાં સિક્યૉરિટી માટે ૮૦ પોલીસને તહેનાત કરવામાં આવ્યા છે. આમાંથી એક કારકુન સહિત ૧૨ પોલીસે ડ્યુટીમાં બેદરકારી કરી હોવાનું જણાતાં આ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તહેનાત તમામ પોલીસના કારકુન તરીકેની જવાબદારી કૉન્સ્ટેબલ મહેન્દ્ર સાંગળેને સોંપવામાં આવી હતી. બન્ને બિલ્ડિંગમાં ડ્યુટીની ફાળવણીની જવાબદારી મહેન્દ્ર સાંગળેની હતી. મહેન્દ્ર સાંગળે ૧૯થી ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન રજા પર હતો. ગયા રવિવારે RBIના બિલ્ડિંગના મહત્ત્વના ભાગમાં ડ્યુટી સોંપવામાં આવી હતી, પરંતુ ૧૧ પોલીસ ફરજ પર હાજર નહોતા થયા એટલે RBIના અધિકારીએ મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસ કરવામાં આવતાં જણાયું હતું કે ડ્યુટી પર હાજર ન થનારાઓ રજા પર છે અને તેઓ તેમના વતનમાં છે. તેમણે આ રજાની જાણ કારકુન મહેન્દ્ર સાંગળેને કરી હોવાનું કહ્યું હતું. આ જાણીને પોલીસ અધિકારી ચોંકી ઊઠ્યા હતા અને ૧૨ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.