ચાઇનીઝ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં સેંકડો વર્કર્સ દિવસે કૂચ કરતા જોવા મળ્યા હતા

તસવીર સૌજન્ય મિડ-ડે
તાઇપેઇ : તાઇવાનની મલ્ટિનૅશનલ ઇલેક્ટ્રૉનિક્સ કંપની ફોક્સકૉનના ચીનમાં આવેલા વિશાળ પ્લાન્ટમાં વ્યાપક હિંસા ફાટી નીકળી હતી. આ કંપનીએ ગઈ કાલે આ વાત કન્ફર્મ કરી હતી. આ ફૅક્ટરીમાં વિરોધ-પ્રદર્શન કરનારા કર્મચારીઓ અને સિક્યૉરિટી જવાનોની વચ્ચે અથડામણ થઈ હતી.
આ કંપનીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે વર્કર્સની સૅલેરી અને આ પ્લાન્ટમાં કામ કરવાની સ્થિતિ બાબતે ફરિયાદો હતી, પરંતુ ઝેંગઝુમાં આવેલી આ ફૅક્ટરીમાં નવા કર્મચારીઓને કોરોના પૉઝિટિવ સ્ટાફની સાથે રાખવામાં આવ્યા હોવાની વાત કંપનીએ ફગાવી દીધી હતી. આ કંપની વાસ્તવમાં આઇફોન્સની દુનિયામાં સૌથી મોટી ઉત્પાદક છે.
ADVERTISEMENT
આ ટેક કંપનીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે કોઈ હિંસાના સંબંધમાં, આવી ઘટનાઓને ફરી બનતી અટકાવવા માટે કંપની કર્મચારીઓ અને સરકારની સાથે સતત વાતચીત કરશે.
ચાઇનીઝ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં સેંકડો વર્કર્સ દિવસે કૂચ કરતા જોવા મળ્યા હતા. કેટલાક બૅરિકેડ્સ તોડતા અને પોલીસ-સુરક્ષાકર્મચારીઓની સાથે અથડામણ કરતા જોવા મળ્યા હતા. આ ફૅક્ટરીમાં લગભગ બે લાખ વર્કર્સ છે, જેને આઇફોન સિટી કહેવામાં આવે છે.

