અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પછી હવે ઓમાનને ધમકાવવાનું શરૂ કર્યું છે. એનું કારણ અને દુખતી રગ છે હોર્મુઝ સ્ટ્રેટ.
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પછી હવે ઓમાનને ધમકાવવાનું શરૂ કર્યું છે. એનું કારણ અને દુખતી રગ છે હોર્મુઝ સ્ટ્રેટ. હોર્મુઝ સ્ટ્રેટની એક તરફ ઈરાન છે તો બીજી તરફ ઓમાનનો કાંઠો છે. ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘હોર્મુઝ સ્ટ્રેટ ઇન્ટરનૅશનલ સમુદ્રી રસ્તો છે અને અહીં કોઈ એક દેશનો કબજો ન થઈ શકે. દુનિયાનાં તમામ જહાજોને અહીંથી પસાર થવાની આઝાદી હશે. જો કોઈ એમાં દખલઅંદાજી કરશે તો ઉડાડી દઈશું. મને ચૂંટણીની કોઈ ચિંતા નથી.’
આ ધમકી આપવા પાછળનું કારણ એ છે કે ઈરાન છેલ્લા ઘણા સમયથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ફી વસૂલવાની સિસ્ટમ તૈયાર કરવા માગે છે. ઈરાને આ માટે ઓમાનનો સંપર્ક કર્યો છે અને બન્ને સાથે મળીને એ સિસ્ટમ બનાવી શકે એમ છે કેમ કે આ ખાડીના એક કાંઠે ઓમાન છે અને બીજા કાંઠે ઈરાન. આ વાત ટ્રમ્પને જરાય રાસ આવે એમ નથી. આ સિસ્ટમની વાતો વેગ પકડે એ પહેલાં જ તેમણે ઓમાનને ધમકાવવાનું શરૂ કરી દીધું છે.
ADVERTISEMENT
૮૦મી વર્ષગાંઠની ઉજવણીમાં વાઇટ હાઉસમાં ફાઇટિંગ કરાવશે ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ૧૪ જૂને ૮૦ વર્ષના થઈ જશે. આ અવસરે વાઇટ હાઉસમાં અલ્ટિમેટ ફાઇટિંગ ચૅમ્પિયનશિપ (UFC)ની મૅચ કરાવવામાં આવશે. UFC દુનિયાની સૌથી મોટી મિક્સ્ડ માર્શલ આર્ટ્સ સંસ્થા છે. એમાં અલગ-અલગ ફાઇટિંગ ગેમ્સના ખેલાડીઓ એકબીજાનો સામનો કરે છે. UFCના ચીફ ડાના વાઇટે કહ્યું હતું કે ‘વાઇટ હાઉસમાં ફાઇટિંગ કરાવવાનો વિચાર ખુદ ટ્રમ્પનો છે. તેમના કહેવા મુજબ વાઇટ હાઉસની સાઉથ લૉનમાં ખાસ ફાઇટિંગ એરિયા બનાવવાનું શરૂ થયું છે જ્યાં ૪૦૦૦ લોકો બેસી શકશે. આ ઉપરાંત વાઇટ હાઉસની પાસે એલિપ્સ ફીલ્ડમાં ફાઇટિંગનું લાઇવ સ્ક્રીનિંગ કરવામાં આવશે. એમાં ૭૫,૦૦૦થી એક લાખ લોકો મફતમાં એનું પ્રસારણ જોઈ શકશે.’ અમેરિકાની સ્થાપનાનું ૨૫૦મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ટ્રમ્પ તેમના જન્મદિવસને વિશેષ બનાવવા માગે છે.
ઓમાન પંદરમો દેશ જેના પર હુમલો કરવાની ટ્રમ્પે ધમકી આપી
અત્યાર સુધીમાં ૭ દેશો પર હુમલો કર્યો છે અને ૪ દેશોને અમેરિકામાં ભેળવી દેવાની ચેતવણી આપી ચૂક્યા છે
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દુનિયાભરના દેશો પર દાદાગીરી કરી રહ્યા છે. બુધવારે ઓમાન પર હુમલો કરીને ખતમ કરી દેવાની ધમકી આપનારા ટ્રમ્પે અત્યાર સુધીમાં વિશ્વના ૧૪ દેશોને આવી ધમકી આપી હતી. ઓમાન આ યાદીમાં પંદરમો દેશ છે. ટ્રમ્પના શાસનકાળ દરમ્યાન અમેરિકાએ ઑલરેડી ૭ દેશ પર હુમલા કર્યા પણ છે. એ છે યમન, સિરિયા, સોમાલિયા, નાઇજીરિયા, ઇરાક, વેનેઝુએલા અને ઈરાન. આ ઉપરાંત ટ્રમ્પે કૅનેડા, ગ્રીનલૅન્ડ, વેનેઝુએલા અને ક્યુબા પર કબજો જમાવીને અમેરિકામાં ભેળવી દેવાની ધમકી આપી હતી. જેમને હુમલાની ધમકી આપી છે એવા અન્ય ૪ દેશો છે ડેન્માર્ક, પનામા, મેક્સિકો અને ઓમાન.
ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ ઈરાની જનતાને કરી અપીલ
સૈન્ય કાર્યવાહીમાં પરાજય મળ્યા પછી ઈરાનમાં આંતરિક ફૂટ પડાવવાનું ષડયંત્ર કરે છે અમેરિકા-ઇઝરાયલ
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે અમેરિકા અને ઇઝરાયલ ઈસ્લામી ગણરાજ્યને અસ્થિર કરીને અંદરથી ફૂટ પાડીને જીતવાની કોશિશ કરી રહ્યાં છે. ઈરાનના ટેલિવિઝન પર પ્રસારિત એક લેખિત સંદેશમાં મોજતબા ખામેનેઈએ કહ્યું હતું કે ‘દેશને ઘૂંટણિયે પાડવાનું આ કાવતરું છે. યુદ્ધ, આર્થિક દબાવ અને રાજનીતિક પ્રચારાત્મક ઘેરાબંધી ઉપરાંત દુશ્મન હવે આંતરિક વિભાજન અને વિઘટન પેદા કરીને પોતાના સૈન્ય પરાજયની ભરપાઈ કરવા માગે છે. આવા સંજોગોમાં ઈરાની જનતાએ એકજૂટ રહીને સામંજસ્ય જાળવી રાખવું જોઈએ. બહારની શક્તિઓ દેશને નબળો બનાવવા માગે છે, પરંતુ જડમૂળથી નષ્ટ કરવાની તેમની મનસા કદી કામિયાબ નહીં થાય.’
ઈરાનની રાષ્ટ્રીય મજલિસની સ્થાપનાની વર્ષગાંઠના અવસરે ૫૬ વર્ષના મોજતબા ખામેનેઈએ પહેલી વાર જનતાને આ સાર્વજનિક સંદેશ આપ્યો હતો.
