પાકિસ્તાને બણગાં ફૂંક્યાં કે માત્ર ૨૩ જ મોત થયાં છે, અમે ૨૦૦ અફઘાની માર્યા: કતર અને સાઉદી અરેબિયાની મધ્યસ્થીથી સીમા-સંઘર્ષ રોક્યો હોવાની અફઘાનિસ્તાને કરી જાહેરાત
ગઈ કાલે પાકિસ્તાને અફઘાન બૉર્ડર સીલ કરી દેતાં લોકો સીમા પર રઝળી પડ્યા હતા.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સીમા પર તનાવ વધી રહ્યો છે. શુક્રવારે પાકિસ્તાને કાબુલ પર ઍરસ્ટ્રાઇક કરી હતી. એના જવાબમાં અફઘાની સેનાએ શનિવારે મોડી રાતે પાકિસ્તાનની સામે મોરચો શરૂ કરી દીધો હતો. તાલિબાનના નેતૃત્વવાળી અફઘાનિસ્તાની સેનાએ સીમા પાર કરીને પાકિસ્તાનની સિક્યૉરિટી પોસ્ટ પર હુમલો કર્યો હતો. તાલિબાન સરકારના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે અફઘાની સુરક્ષા દળોએ પાકિસ્તાનની ૨૫ સૈન્ય-ચોકીઓ કબજામાં કરી લીધી છે અને એ કાર્યવાહીમાં ૫૮ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય ૩૦ ઘાયલ થયા હતા. અફઘાનના ૯ સૈનિકો શહીદ થયા હતા.
અફઘાન રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે ‘અમે તો ઑપરેશન અડધી રાતે જ પૂરું કરી નાખ્યું હતું. જો પાકિસ્તાન ફરીથી અફઘાન સીમાનું ઉલ્લંઘન કરશે તો અમારી સેના દેશની રક્ષા માટે પૂરી રીતે તૈયાર છે.’
ADVERTISEMENT
શરૂઆત પાકિસ્તાને કરી હતી. શુક્રવારે પાકિસ્તાનની સેનાએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ની સામે ઍક્શન લઈને અફઘાન પર હુમલો કર્યો હતો. એ પછી બન્ને દેશો વચ્ચે બબાલ શરૂ થઈ હતી. ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનના વિસ્તારોમાં અફઘાન સૈનિકોએ ફાયરિંગ કર્યું હતું અને બન્ને તરફથી તોપ અને ગોળા ચલાવવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાની રક્ષા મંત્રાલયે મેવંદ જિલ્લામાં ઇસ્લામિક અમીરાત બળો સામે પાકિસ્તાની સેનાના પાંચ સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હોવાનો દાવો કર્યો હતો.
કતર અને સાઉદી અરેબિયાની મધ્યસ્થીથી બૉમ્બમારો રોકાયો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની ગરમાગરમીમાં મુસ્લિમ દેશોની મધ્યસ્થતાથી મામલો થાળે પડ્યો છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુઝાહિદે રવિવારે સાંજે ઘોષણા કરી હતી કે ‘અમે સીમા પર સંઘર્ષ રોકી દીધો છે. આ નિર્ણય સાઉદી અરેબિયા અને કતરની મધ્યસ્થતા બાદ એમના અનુરોધને કારણે લેવામાં આવ્યો છે. સીમા પર ચાલી રહેલી લડાઈને પૂરી રીતે રોકવામાં આવી છે જેથી અમે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા રાખી શકીએ.’
પાકિસ્તાનનો દાવો: ભારતને આપ્યો હતો એવો જડબાતોડ જવાબ આપીશું
બે દેશો વચ્ચે વધેલા તનાવને પગલે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેની સીમાઓ બંધ કરી દીધી હતી. પાકિસ્તાનની સેનાએ કહ્યું હતું કે માત્ર ૨૩ જ સૈનિકો મર્યા છે અને એના બદલામાં અમે ૨૦૦ તાલિબાનીઓને ઢેર કરી નાખ્યા છે. અમે ભારતને આપ્યો હતો એવો જડબાતોડ જવાબ આપીશું. ગૃહપ્રધાન મોહસિન નકવીએ કહ્યું હતું કે પાકિસ્તાન ચૂપ નહીં બેસે, ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. સીમા પર જબરદસ્ત હાર મળતાં પાકિસ્તાની વર્તમાનપત્ર ડૉને અફઘાનિસ્તાનની ૧૯ ચોકીઓ પર કબજો કર્યો હોવાનો દાવો કર્યો હતો.


