નવીદ અકરમ સામે હત્યાના ૧૫ સહિત કુલ ૫૯ આરોપ મૂકવામાં આવ્યા
નવીદ અકરમ, સાજિદ અકરમ
ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બૉન્ડી બીચ પર થયેલા આતંકવાદી હુમલા બાદ કોમામાંથી બહાર આવેલા ૨૫ વર્ષના હુમલાખોર નવીદ અકરમની ઑસ્ટ્રેલિયન પોલીસે ધરપકડ કરી હતી. છેલ્લાં ૩૦ વર્ષમાં ઑસ્ટ્રેલિયાની ધરતી પરનો આ સૌથી ઘાતક હુમલો હતો. ડૉક્ટરોએ પુષ્ટિ આપી હતી કે નવીદ માનસિક રીતે સ્વસ્થ છે. ત્યાર બાદ પોલીસે તેને હૉસ્પિટલના બેડ પર જ કસ્ટડીમાં લીધો હતો.
નવીદ પર આતંકવાદ, હત્યાના ૧૫ ગુના, હત્યાનો પ્રયાસ, વિસ્ફોટક ઉપકરણ મૂકવા અને હથિયારોના ગુના સહિત ૫૯ આરોપો મૂકવામાં આવ્યા છે. નવીદ અને તેના ૫૦ વર્ષના પિતા સાજિદ અકરમે સિડનીના બૉન્ડી બીચ પર યહૂદી ઉત્સવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં ૧૦થી ૮૭ વર્ષની વયના ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૩ ભારતીય સ્ટુડન્ટ સહિત લગભગ ૪૦ લોકો ઘાયલ થયા હતા.
ADVERTISEMENT
મૂળ હૈદરાબાદના અને ૧૯૯૮થી ઑસ્ટ્રેલિયામાં રહેતા સાજિદનું પોલીસના વળતા ગોળીબારમાં મોત થયું હતું. તપાસ-અધિકારીઓ સંભવિત કટ્ટરપંથી સંબંધો અને ફિલિપીન્સની તાજેતરની તેની મુસાફરીની તપાસ કરી રહ્યા છે, જ્યારે ભારતીય અધિકારીઓએ કહ્યું હતું કે આ કેસનો ભારત સાથે કોઈ સંબંધ નથી.
સાજિદ અકરમ ભારતનો જ, પણ પિતાના અંતિમ સંસ્કારમાં પણ આવ્યો નહોતો
સિડનીના બૉન્ડી બીચ પર યહૂદીઓ પર ગોળીબાર કરનારા ૫૦ વર્ષના સાજિદ અકરમના મુદ્દે પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે તે મૂળ ભારતના હૈદરાબાદનો વતની હતો અને ૧૯૯૮માં ઑસ્ટ્રેલિયા શિફ્ટ થયા બાદ હૈદરાબાદસ્થિત પરિવાર સાથે તેનો મર્યાદિત સંપર્ક હતો. સાજિદ અકરમે ૨૦૦૯માં ભારતમાં તેના પિતાના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી નહોતી. સાજિદ અકરમ ભારતીય પાસપોર્ટ જ ધરાવતો હતો. બીજી તરફ તેલંગણ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ સાજિદ અકરમનાં મૂળ હૈદરાબાદની ટોલી ચોકીમાં અલ હસનાથ કૉલોનીમાં શોધી કાઢ્યાં હતાં. તેના પિતા સશસ્ત્ર દળના નિવૃત્ત અધિકારી છે અને તેનો મોટો ભાઈ ડૉક્ટર છે. આ પરિવાર આ સ્થળે રહે છે. આ મુદ્દે તેલંગણના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ શિવધર રેડ્ડીએ જણાવ્યું હતું કે ‘સાજિદ ૨૭ વર્ષ પહેલાં સ્થળાંતર કર્યા પછી ૬ વખત ભારત આવ્યો હતો. તેની મુલાકાતો મુખ્યત્વે મિલકતના મુદ્દે હતી. ૨૦૦૯માં તેના પિતાનું અવસાન થયું ત્યારે તે ભારત આવ્યો નહોતો. રિપોર્ટ્સ દર્શાવે છે કે તે ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) વિચારધારાથી પ્રેરિત હતો. તે કટ્ટરપંથી બન્યો એનાં પરિબળો સાથે ભારતનો કોઈ સંબંધ નથી. સાજિદ ઑસ્ટ્રેલિયા ગયો એ પહેલાં ભારતમાં તેનો કોઈ પ્રતિકૂળ રેકૉર્ડ નહોતો.’ સાજિદ હૈદરાબાદની અનવર-ઉલ-ઉલૂમ કૉલેજમાંથી કૉમર્સ ગ્રૅજ્યુએટ થયો હતો અને ઑસ્ટ્રેલિયા ગયો હતો. બાદમાં તેણે યુરોપિયન મૂળની મહિલા વેનેરા ગ્રોસો સાથે નિકાહ પઢ્યા હતા, જેની સાથે તેને એક પુત્ર અને પુત્રી હતી. ૨૦૦૧ની આસપાસ તેનાં માતા-પિતાને મળવા અને તેની દુલ્હનને બતાવવા તે હૈદરાબાદ આવ્યો હતો અને શહેરમાં પરંપરાગત નિકાહ કર્યા હતા. ઑસ્ટ્રેલિયન અધિકારીઓને શંકા છે કે પિતા અને પુત્ર બન્ને સિડનીમાં કટ્ટરપંથી બન્યા હતા. નવીદે ૨૦૧૯ અને ૨૦૨૨ વચ્ચે સિડનીમાં અરબી અને ધાર્મિક અભ્યાસક્રમોમાં ભાગ લીધો હતો.
પિતા-પુત્ર ફિલિપીન્સ ગયા
પિતા-પુત્રની આ જોડી નવેમ્બર ૨૦૨૫માં ફિલિપીન્સ ગઈ હતી, જ્યાં તેમણે સિડની પાછા ફરતા પહેલાં લશ્કરી શૈલીની તાલીમ લીધી હશે એવું માનવામાં આવે છે. ફિલિપીન્સ બ્યુરો ઑફ ઇમિગ્રેશને પુષ્ટિ આપી હતી કે હુમલા પહેલાં સાજિદ અકરમ ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને અને નવીદ ઑસ્ટ્રેલિયન પાસપોર્ટનો ઉપયોગ કરીને ફિલિપીન્સ આવ્યા હતા. સાજિદ અકરમ અને તેનો પુત્ર પહેલી નવેમ્બરે સિડનીથી આવ્યા હતા અને ૨૮ નવેમ્બરે સિડની પાછા ફર્યા હતા.


