Russia-Ukraine War: રશિયાએ યુક્રેન પર ૩૬૭ ડ્રોન અને મિસાઇલોથી કર્યો હુમલો; આ હુમલા પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા; ટ્રમ્પે એમ પણ કહ્યું કે, રશિયા ઘણા લોકોને મારી રહ્યું છે
ડોનાલ્ડ ટ્રમ્પ, વ્લાદિમીર પુતિન
રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધવિરામ (Russia-Ukraine War) લાવવાનો પ્રયાસ કરી રહેલા અમેરિકા (United States of America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હવે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પર નારાજગી વ્યક્ત કરી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે રશિયા દ્વારા યુક્રેન પર સતત બોમ્બમારા કરવાની કાર્યવાહીને ખોટી ગણાવી હતી.
રશિયાએ ફરી એકવાર યુક્રેન પર નિશાન સાધ્યું છે. તેણે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આ મામલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ગુસ્સે છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, હું પુતિનથી ખુશ નથી.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, રશિયાએ યુક્રેનના ઘણા ભાગોમાં મિસાઇલો છોડી છે. તેણે ૩૬૭ ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કર્યો છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન પર રશિયાની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, હું પુતિનથી બિલકુલ ખુશ નથી. લોકો માર્યા જઈ રહ્યા છે. હું તેમને ઘણા સમયથી ઓળખું છું. અમારા સારા સંબંધો રહ્યા છે, પરંતુ હવે તે રોકેટ ફાયર કરી રહ્યા છે. મને આ બિલકુલ ગમતું નથી. તે એક પાગલ માણસ છે. આ યોગ્ય નથી. ટ્રમ્પે પુતિન માટે `What the hell...` જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો.
યુક્રેનમાં થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૧૨ લોકો માર્યા ગયા છે. રશિયાએ આ હુમલા માટે ૨૯૮ ડ્રોન અને ૬૯ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. આના કારણે સમગ્ર યુક્રેનમાં ગભરાટનો માહોલ છે. તેના ઘણા વિસ્તારોમાં વિનાશ થયો છે. યુક્રેનિયન વાયુસેનાના જણાવ્યા અનુસાર, તેમણે ૪૫ મિસાઈલ તોડી પાડી છે. ૨૬૬ ડ્રોન પણ નાશ પામ્યા છે. કિવ (Kyiv) શહેરને ઘણું નુકસાન થયું છે. રશિયાએ અગાઉ પણ યુક્રેનને નિશાન બનાવ્યું હતું. આ બંને વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હજુ સુધી સમાપ્ત થયું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelensky) પર પણ નિશાન સાધ્યું. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ‘ઝેલેન્સકીની વાત કરવાની રીત દેશનું કોઈ ભલું કરી શકતી નથી. તેમના મોંમાંથી જે કંઈ નીકળે છે તે સમસ્યા વધારી રહ્યું છે. મને નથી લાગતું કે આ યોગ્ય છે. આ બંધ થવું જોઈએ.’
તમને જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. શનિવાર-રવિવારની રાત્રે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં રાજધાની કિવ સહિત યુક્રેનના ઘણા શહેરો પર કુલ ૩૬૭ ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવ્યા હતા.


