PoK પર આક્રમણ કરીને કબજો કરવાની જરૂર નહીં પડે, PoK ખુદ કહશે કે હું ભારત છું
ગઈ કાલે મૉરોક્કોના રબાતમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા રાજનાથ સિંહ.
રક્ષાપ્રધાન રાજનાથ સિંહ બે દિવસ માટે મૉરોક્કોની વિઝિટ પર છે. ૯૯ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા મૉરોક્કોની રાજધાની રબાતમાં ગઈ કાલે ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે ભારતની ધર્મનિરપેક્ષતા પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ભારતની વિશેષતા જુઓ. આતંકવાદીઓએ આપણા દેશવાસીઓને તેમનો ધર્મ પૂછીને માર્યા; પણ અમે કોઈનો ધર્મ જોઈને નહીં, તેમનાં કર્મ જોઈને માર્યા. અમે માત્ર એ લોકોને માર્યા જેમણે માસૂમ લોકોનો જીવ લીધો.’
પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (PoK) વિશે વાત કરતાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘અમારે PoK પર હુમલો કરીને કબજો કરવાની જરૂર જ નહીં પડે, PoK આપમેળે આવશે. PoKમાં જ માગણી ઊઠવા લાગી છે. તમે સાંભળ્યું હશે કે લોકો જ નારાબાજી કરીને કહી રહ્યા છે. પાંચ વર્ષ પહેલાંથી હું કહેતો આવ્યો છું કે PoKને હડપવાની જરૂર જ નહીં પડે, એ તો આપણું જ છે. એ દિવસો દૂર નથી જ્યારે PoK ખુદ કહેશે કે હું પણ ભારત છું.’


