ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટે પુતિનની ધરપકડનું વૉરન્ટ કાઢ્યું છે એટલે ઝેલેન્સ્કી અને તેમની વચ્ચે બેઠક ક્યાં યોજવી એ મોટો સવાલ છે ત્યારે...
પુતિન અને ઝેલેન્સ્કી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે અમેરિકા દ્વારા થઈ રહેલા પ્રયાસોમાં હવે પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું આયોજન થવાનું છે. જોકે આ બેઠક ક્યાં યોજાઈ શકે એ સવાલ છે, કારણ કે ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ ૨૦૨૩માં રશિયન પ્રેસિડન્ટ પુતિન સામે વૉરક્રાઇમ માટે વૉરન્ટ બહાર પાડ્યું છે અને એ ૧૨૪ દેશો માટે બંધનકર્તા છે. તેમના દેશમાં પુતિન આવે તો તેમની ધરપકડ કરીને તેમને હેગમાં આવેલી ICCની કોર્ટમાં રજૂ કરવાનો આદેશ છે. જોકે હવે સ્વિટ્ઝરલૅન્ડના વિદેશપ્રધાન ઇગ્નાઝિયો કાસિસે જણાવ્યું હતું કે ‘જો રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં શાંતિ પર વાટાઘાટો માટે અમારા દેશમાં આવશે તો તેમને ધરપકડથી મુક્તિ આપવામાં આવશે. ICC દ્વારા ધરપકડ વૉરન્ટ કાઢવામાં આવ્યું હોવા છતાં અમે તેમની ધરપકડ નહીં કરીએ, કારણ કે તેઓ શાંતિ વાટાઘાટો માટે આવી રહ્યા છે.’
બીજી તરફ ઑસ્ટ્રિયાના નેતાએ પણ પુતિનને આવવા માટે ઑફર કરી હતી. ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકરે પોસ્ટ કર્યું હતું કે અમે અમારી તમામ સેવાઓ પ્રદાન કરવા તૈયાર છીએ. પુતિનને આવકારવા માટે હંગેરીએ પણ તૈયારી દર્શાવી છે. હંગેરીની સંસદે એપ્રિલમાં ICC છોડી દેવાનો નિર્ણય લીધો હતો, જેને કારણે પુતિનની ધરપકડનું જોખમ હંગેરીમાં રહેશે નહીં.
ADVERTISEMENT
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉને કહ્યું હતું કે પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે શાંતિ શિખર સંમેલન એક તટસ્થ દેશમાં અને કદાચ સ્વિટ્ઝરલૅન્ડમાં યોજાઈ શકે છે.
પુતિન સામે વૉરન્ટ
યુક્રેનિયન બાળકોને ગેરકાયદે રીતે દેશનિકાલ કરવાના કથિત યુદ્ધગુના પર ૨૦૨૩માં ICC દ્વારા જાહેર કરાયેલા ધરપકડ વૉરન્ટનો પુતિન સામનો કરી રહ્યા છે. રોમ કાયદા હેઠળ કોર્ટમાં પક્ષકાર ૧૨૫ દેશોએ રશિયન નેતાની ધરપકડ કરવાની અને જો તેઓ તેમના પ્રદેશમાં પગ મૂકે તો તેમને ટ્રાયલ માટે હેગમાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડે છે.
મારા વિના પુતિન-ઝેલેન્સ્કીની પહેલી મુલાકાત વધુ સારી રહેશે : ડોનલ્ડ ટ્રમ્પ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરાવવા માટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પ્રયાસ કરી રહ્યા છે અને સોમવારે વાઇટ હાઉસમાં યુક્રેનના પ્રેસિડન્ટ વૉલોદિમીર ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓને તેઓ મળ્યા હતા. ત્યાર બાદ તેમણે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે વન-ટુ-વન બેઠક યોજવાની વાત કરી હતી અને આ માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે તેમણે કમેન્ટ કરી હતી કે જો રશિયાના પ્રેસિડન્ટ પુતિન અને યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી સંભવિત ત્રિપક્ષીય શાંતિ સમિટ પહેલાં એકબીજા સાથે પ્રથમ વખત મુલાકાત કરે તો એ વધુ સારું રહેશે.
ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે તેઓ આ બેઠકનું આયોજન કરી રહ્યા છે જે ૨૦૧૯ પછી પુતિન-ઝેલેન્સ્કીની પહેલી મુલાકાત હશે. ત્રિપક્ષીય બેઠકમાં ટ્રમ્પે હાજરી આપવાની ખાતરી આપી છે.
નોંધનીય છે કે ઝેલેન્સ્કીએ મૉસ્કોમાં પુતિન સાથેની મુલાકાતને નકારી કાઢી છે.


