ડોનલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે આ બહુ ખરાબ છે, જોકે ઝેલેન્સ્કીનું કહેવું છે કે હુમલાનો દાવો સાવ જુઠ્ઠો છે
નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના ઘર પર યુક્રેને ૯૧ ડ્રોનથી હુમલો કર્યાના સમાચારથી બે દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિવાર્તાની સંભાવના પર ફરી એક વાર અલ્પવિરામ આવી ગયો છે. પુતિન પર થયેલા હુમલા વિશે ઘેરી ચિંતા વ્યક્ત કરતાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ‘કોઈ પણ દેશના રાષ્ટ્રાધ્યક્ષને નિશાન બનાવવાનું બેહદ ગંભીર છે. એનાથી આંતરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને ખતરો છે. સંઘર્ષોનું સમાધાન હિંસાથી નહીં, પણ સંવાદ અને વાટાઘાટોથી કાઢવું જોઈએ. એવું કંઈ ન કરો જે શાંતિ-પ્રક્રિયાને નબળી પાડે કે અવરોધે.’
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે ‘તમને ખબર છે મને આ કોણે કહ્યું? રાષ્ટ્રપતિ પુતિને. તેમણે કહ્યું કે સવારના પહોરમાં તેમના પર હુમલો થયો હતો. આ જરાય સારી વાત નથી. હું ખૂબ જ ગુસ્સામાં છું. જોકે સંભવ છે કે આવું ન પણ થયું હોય.’
ADVERTISEMENT
યુક્રેને કહ્યું આવું કંઈ નથી થયું
રશિયાએ પુતિનના ઘર પર હુમલો થયાની જાહેરાત કરી કે તરત જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ દાવો સાવ ખોટો છે એવું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘રશિયા કીવમાં સરકારી ઇમારતો પર હુમલો કરી શકાય એ માટેનો માહોલ બનાવી રહ્યું છે.’


