ઍરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાઇલટની તબિયત બગડવાને કારણે ફ્લાઇટને પોર્ટો તરફ વાળવી પડી હતી
પ્રતીકાત્મક તસવીર
સ્પેનથી યુનાઇટેડ કિંગડમ જઈ રહેલી જેટ2 ઍરલાઇન્સની એક ફ્લાઇટમાં ૩૦,૦૦૦ ફુટની ઊંચાઈએ વિમાનના પાઇલટને હાર્ટ-અટૅક આવ્યો હતો, પણ ૨૨૦ મુસાફરો સાથેના પ્લેનનું સફળ ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
જેટ2 ઍરલાઇન્સની ફ્લાઇટ LS1266 ૨૧ મેએ રાત્રે સ્પેનના ટેનેરિફથી યુનાઇટેડ કિંગડમના બર્મિંગહૅમ જઈ રહી હતી. ટેકઑફ કર્યાના થોડા સમય પછી પાઇલટને ૩૦,૦૦૦ ફુટની ઊંચાઈ પર હૃદયરોગનો હુમલો આવ્યો હતો. અચાનક વિમાન ઊંચાઈ ગુમાવવા લાગ્યું હતું અને ખૂબ નીચે આવી ગયું હતું. ગભરાટમાં કૅબિન-ક્રૂએ રડતાં-રડતાં મુસાફરોને પૂછ્યું હતું કે શું કોઈ ડૉક્ટર પ્રવાસ કરે છે? સદ્નસીબે કો-પાઇલટ અનુભવી હતો. તેણે તરત જ નિયંત્રણ સંભાળી લીધું હતું અને ઇમર્જન્સી લૅન્ડિંગની તૈયારી શરૂ કરી હતી. વિમાનને પોર્ટુગલના પોર્ટો ફ્રાન્સિસ્કો સા કાર્નેરો ઍરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું અને વહેલી સવારે લગભગ ૨.૧૧ વાગ્યે સુરક્ષિત રીતે ઊતર્યું હતું.
ADVERTISEMENT
લૅન્ડિંગ પછી મેડિકલ ટીમે તાત્કાલિક વિમાનમાં પહોંચીને પાઇલટને હૉસ્પિટલમાં લઈ જઈને દાખલ કર્યો હતો. બાકીના મુસાફરોને બારથી ૧૩ કલાક સુધી ઍરપોર્ટ પર રાહ જોવી પડી હતી. બાદમાં તેમને નવા ક્રૂ સાથે રિપ્લેસમેન્ટ ફ્લાઇટ દ્વારા બર્મિંગહૅમ લઈ જવામાં આવ્યા હતા.
ઍરલાઇને શું કહ્યું?
ઍરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાઇલટની તબિયત બગડવાને કારણે ફ્લાઇટને પોર્ટો તરફ વાળવી પડી હતી. કંપનીએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માગીને કહ્યું કે મુસાફરોની સલામતી હંમેશાં પ્રાથમિકતા છે. નિષ્ણાતોના મતે દરેક કમર્શિયલ ફ્લાઇટમાં બે પાઇલટ હોય છે જેથી આવી પરિસ્થિતિમાં બીજો પાઇલટ જવાબદારી સંભાળી શકે. આ ઘટના દર્શાવે છે કે સિસ્ટમ કામ કરે છે, પરંતુ પાઇલટના સ્વાસ્થ્યનું વધુ કડક નિરીક્ષણ કરવાની જરૂર છે.
