જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાનો નિર્ણય ભારતે પાછો ખેંચવો જોઈએઃ પાકિસ્તાન
શાહબાઝ શરીફ, ભાવિકા મંગલનંદન
અફસોસ સાથે કહેવું પડે છે કે આ ઍસેમ્બલી આજે એક મજાકની સાક્ષી બની છેઃ ભારત
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે યુનાઇટેડ નેશન્સ જનરલ ઍસેમ્બલી (UNGA)માં કરેલા પ્રવચનમાં જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કરતાં ભારતે પણ એનો જોરદાર જવાબ આપ્યો હતો અને યુનાઇટેડ નેશન્સ (UN)માં ભારતનાં ફર્સ્ટ સેક્રેટરી ભાવિકા મંગલનંદને રાઇટ ઑફ રિપ્લાય હેઠળ પાકિસ્તાનના વડા પ્રધાનના ભાષણને મજાક ગણાવીને કહ્યું કે પાકિસ્તાન ક્રૉસ બૉર્ડર ટેરરિઝમને સપોર્ટ કરે છે અને એનાં દુષ્પરિણામ એણે જ ભોગવવાં પડશે.
ADVERTISEMENT
શું કહ્યું હતું શાહબાઝ શરીફે?
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ૨૦ મિનિટના પ્રવચનમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય ભારતે પાછો ખેંચવો જોઈએ અને શાંતિપૂર્ણ સમાધાન માટે વાતચીત કરવી જોઈએ. તેમણે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાણીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શું કહ્યું ભાવિકા મંગલનંદને?
શાહબાઝ શરીફે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉખેળતાં ભાવિકાએ કહ્યું કે જે દેશનો ઇતિહાસ ચૂંટણીમાં ગરબડ કરવાનો હોય એ દેશ એક લોકતંત્રમાં રાજનીતિક વિકલ્પની વાત કરે છે. એ સાચું છે કે પાકિસ્તાનની નજર અમારી જમીન પર છે. એણે લગાતાર આતંકવાદનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીમાં કર્યો છે, જે ભારતનું અવિભાજ્ય અંગ છે. અફસોસ સાથે કહેવું પડે છે કે આ ઍસેમ્બલી આજે એક મજાકની સાક્ષી બની છે. આર્મી દ્વારા ચલાવવામાં આવતા એક દેશ કે જેની પ્રતિષ્ઠા આતંકવાદ, ડ્રગ્સનો વેપાર અને આંતરરાષ્ટ્રીય અપરાધો માટે કુખ્યાત છે એણે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર હુમલાનું દુઃસાહસ પણ કર્યું છે.
આતંકવાદને મુદ્દે ભાવિકાએ કહ્યું હતું કે એક એવો દેશ જેણે ૧૯૭૧માં નરસંહાર કર્યો હતો અને આજે પણ લઘુમતીઓ પર અત્યાચાર કરે છે. અસહિષ્ણુતા અને ભય વિશે બોલવાની હિંમત કરે છે. પાકિસ્તાને સમજવું જોઈએ કે ભારતના વિરોધમાં આતંકવાદનાં દુષ્પરિણામ એને ભોગવવાં પડશે. અમે એવા દેશની વાત કરીએ છીએ જેણે ઓસામા બિન લાદેનને વર્ષો સુધી એના દેશમાં રાખ્યો હતો. આ એક એવો દેશ છે જેનું નામ દુનિયામાં ઘણી આતંકવાદી ઘટનાઓમાં બહાર આવ્યું છે. લાંબા સમયથી દુનિયા જાણે છે કે પાકિસ્તાન સરહદ પારના આતંકવાદનો ઉપયોગ એના પાડોશીઓના વિરોધમાં કરે છે. તેણે ૨૦૦૧માં અમારી સંસદ, ૨૦૦૮માં અમારી આર્થિક રાજધાની મુંબઈમાં હુમલા કર્યા છે. મુંબઈની વિવિધ માર્કેટ, તીર્થયાત્રાનાં સ્થાનો પર હુમલા કર્યા છે. લિસ્ટ ઘણું લાંબું છે. પાકિસ્તાન દુનિયામાં ક્યાંય પણ આતંકવાદ વિશે બોલે એ એમના માટે પાખંડ છે.