Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > આખી દુનિયામાં આતંકવાદને એક્સપોર્ટ કર્યા પછી પોતાના પગ તળે રેલો આવ્યો ત્યારે જાગ્યું પાકિસ્તાન

આખી દુનિયામાં આતંકવાદને એક્સપોર્ટ કર્યા પછી પોતાના પગ તળે રેલો આવ્યો ત્યારે જાગ્યું પાકિસ્તાન

17 December, 2014 11:02 AM IST |

આખી દુનિયામાં આતંકવાદને એક્સપોર્ટ કર્યા પછી પોતાના પગ તળે રેલો આવ્યો ત્યારે જાગ્યું પાકિસ્તાન

આખી દુનિયામાં આતંકવાદને એક્સપોર્ટ કર્યા પછી પોતાના પગ તળે રેલો આવ્યો ત્યારે જાગ્યું પાકિસ્તાન



terrorist


પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર મંગળવારે હુમલો કરી ચૂકેલા આ છ પિશાચોની તસવીર પાકિસ્તાન તાલિબાને બહાર પાડી હતી.



પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલો કરીને તાલિબાનોએ સંખ્યાબંધ સ્ટુડન્ટ્સને હણ્યા એ પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરકારે આતંકવાદીઓ સામે નવેસરથી કામગીરી શરૂ કરવાનો ફેંસલો ગઈ કાલે કર્યો હતો. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે સમગ્ર પ્રદેશમાંથી આતંકવાદનો સફાયો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને કહ્યું હતું કે ‘માત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જ નહીં, પણ સમગ્ર ઉપખંડમાંથી ટેરરિઝમને ખતમ કરી નાખવાનો અમારો ઇરાદો છે. હવે સરકાર આતંકવાદીઓ સાથે કોઈ મંત્રણા નહીં કરે અને આતંકવાદીઓ સામેની કાર્યવાહીને વેગ આપશે.’

બધા તાલિબાન એકસરખા

સારા અને ખરાબ તાલિબાન વચ્ચે ભેદ નહીં પાડવાના સોગંદ લેતાં નવાઝ શરીફે એવી જાહેરાત પણ કરી હતી કે આતંકવાદનો સામનો કરવા માટેની રાષ્ટ્રીય યોજના પાકિસ્તાન એક જ સાહમાં ઘડી કાઢશે. પેશાવરમાં એક સર્વપક્ષીય સભાના અધ્યક્ષપદેથી નવાઝ શરીફે ગઈ કાલે જણાવ્યું હતું કે આજની આ બેઠકમાં આતંકવાદીઓ અને એમનાં કૃત્યો સામે આકરાં પગલાં લેવાનો મુસદ્દો તત્કાળ ઘડી કાઢવા વિશે સહમતી સાધવામાં આવી છે.

ઍક્શન પ્લાન માટે સમિતિ

ગૃહપ્રધાન ચોધરી નિસારના વડપણ હેઠળની તમામ સંસદીય પક્ષોના પ્રતિનિધિઓની એક સમિતિ ઍક્શન પ્લાન અઠવાડિયામાં ઘડી કાઢશે અને રાષ્ટ્રીય નેતાગીરીને સુપરત કરશે. સશસ્ત્ર દળો અને ગુપ્તચર તંત્રના અધિકારીઓને પણ આ સમિતિમાં સ્થાન આપવામાં આવશે.

પાકિસ્તાન ડૂબ્યું શોકમાં

સમગ્ર વિશ્વને હચમચાવી મૂકનાર કરુણાંતિકા પછી ગઈ કાલથી પાકિસ્તાનમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની શરૂઆત થઈ હતી. રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની મોટા ભાગની સ્કૂલોમાં સવારની સભામાં મૃતકોના આત્માની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું હતું અને વિવિધ શહેરોમાં કૅન્ડલ લાઇટ વિજિલ પણ પાળવામાં આવી હતી. પેશાવરના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા સ્ટુડન્ટ્સને દફનાવવાની કામગીરી મંગળવારે રાતની માફક ગઈ કાલે પણ ચાલુ રહી હતી. ઠેકઠેકાણે પ્રાર્થનાસભાઓ યોજવામાં આવી હતી અને એમાં હજ્જારો લોકોએ ભાગ લીધો હતો.

તાલિબાનોમાં પડ્યાં તડાં

પાકિસ્તાનમાં થતા આતંકવાદી હુમલાઓ વિશે ભાગ્યે જ કોઈ નિવેદન બહાર પાડતા અફઘાન તાલિબાનના પ્રવક્તા ઝબિનુલ્લા મુજાહિદે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘પેશાવરના હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે અમારું જૂથ સહાનુભૂતિ દર્શાવે છે. મહિલાઓ, બાળકો અને નિર્દોષ લોકોની હત્યા ઇસ્લામવિરોધી કામ છે.’

બીજી તરફ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને પેશાવરની આર્મી સ્કૂલ પર હુમલો કરનારા આતંકવાદીઓની તસવીર બહાર પાડી હતી અને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાનો અમને જરાય અફસોસ નથી. સુરક્ષા દળોએ જેહાદીઓનાં રિલેટિવ્સની ધરપકડ કરીને એમનું એન્કાઉન્ટર કર્યું હતું. એનો બદલો લેવા માટે આવું કૃત્ય કરવું જરૂરી હતું.

મુલ્લા ફઝલુલ્લાની ધરપકડની તૈયારી

પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલો કરનાર તહરીક-એ-તાલિબાનના વડા મુલ્લા ફઝલુલ્લાની ધરપકડ કરવા માટે પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ રાહિલ શરીફ ગઈ કાલે અફઘાનિસ્તાન પહોંચ્યા હતા. નવાઝ શરીફે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની સાથે આતંકવાદના મુદ્દે ટેલિફોનિક વાતચીત કરી એ પછી રાહિલ શરીફ કાબુલ ગયા છે.

મુલ્લા ફઝલુલ્લા સામે આકરાં પગલાં લેવા માટે પાકિસ્તાનના લશ્કરી વડા અફઘાનિસ્તાનની રાજકીય તેમજ લશ્કરી નેતાગીરી અને ઇન્ટરનૅશનલ સિક્યૉરિટી અસિસટન્સ ફોર્સના કમાન્ડર્સને મળશે. મંગળવારના હુમલાનો અફઘાનિસ્તાનમાંથી દોરીસંચાર કરનારા તાલિબાનના કમાન્ડર ઉમર નારે પકડી પાડવાનાં ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યાં છે.

૮ આતંકવાદીઓને ૨૪ કલાકમાં ફાંસી

પેશાવરમાં બર્બર હુમલા પછી નવાઝ શરીફે પાકિસ્તાનમાં ફાંસીની સજાના અમલ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કૅબિનેટની બેઠકમાં આ ફેંસલો કરવામાં આવ્યો હતો. આ સાથે ફાંસીની સજા પામેલા આઠ આતંકવાદીઓને આગામી ૨૪ કલાકમાં ફાંસી આપવામાં આવે એવી સંભાવના બળવત્તર બની છે. એ આઠેય ગુનેગારોની દયાની અરજીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફગાવી ચૂક્યા છે.

ગલ્ર્સ કૉલેજમાં બૉમ્બવિસ્ફોટ


પેશાવરથી દક્ષિણમાં ૩૦૦ કિલોમીટર દૂર આવેલા ડેરા ઇસ્માઇલ ખાન ગામની એક ગલ્ર્સ કૉલેજમાં ગઈ કાલે બે બૉમ્બવિસ્ફોટ થયા હતા. ગલ્ર્સને શિક્ષિત કરવાનો વિરોધ કરતા આતંકવાદીઓએ આ કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવે છે. કૉલેજ બંધ હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી.

અફઘાનિસ્તાનમાં બૅન્ક પર ત્રાટક્યા આતંકવાદીઓ

અફઘાનિસ્તાનના અશાંત દક્ષિણી પ્રાંત હેલમંદની પ્રાંતિય રાજધાની લશ્ગર ગાહમાં આવેલી ન્યુ કાબુલ બૅન્કની શાખામાં પાંચ સુસાઇડ બૉમ્બરોએ હુમલો કર્યો હતો. ચાર આતંકવાદીઓ અંદર જઈ શકે એટલા માટે પાંચમા સુસાઇડ બૉમ્બરે ખુદને બૅન્કના દરવાજા પાસે ફૂંકી માર્યો હતો. બૅન્કમાં ઘૂસેલા આતંકવાદીઓએ ઘટનાસ્થળે પહોંચેલા સલામતી દળોના જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણ પોલીસ-કર્મચારીઓ સહિત કુલ દસ જણાનાં મોત થયાં હતાં અને બીજા ૧૫ ઘાયલ થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2014 11:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK