NSA અજિત ડોભાલ શાંતિદૂત બનીને પહોંચશે મૉસ્કો: રશિયા અને યુક્રેન યુદ્ધને રોકવાના પ્રયાસો પર કરશે ચર્ચા
નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ
છેલ્લાં અઢી વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસને ગતિ મળી રહી છે અને શાંતિવાર્તાના મુદ્દે નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ આ અઠવાડિયે મૉસ્કો જઈ રહ્યા છે. તેઓ આ બે દેશો વચ્ચેના યુદ્ધને રોકવા માટે થનારી ચર્ચામાં ભાગ લેશે એવી શક્યતા છે. આ મુદ્દે સત્તાવાર રીતે કંઈ પણ જાહેરાત કરવામાં આવી નથી.
યુક્રેનની મુલાકાત લઈને પાછા આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે ૨૭ ઑગસ્ટે ફોનમાં વાતચીત થઈ હતી. આ વાતચીત બાદ અજિત ડોભાલની મૉસ્કોયાત્રા આયોજિત કરવામાં આવી છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ અજિત ડોભાલને મૉસ્કો મોકલશે જેથી શાંતિના પ્રયાસો પર વિચાર કરી શકાય.
ADVERTISEMENT
થોડા દિવસ પહેલાં જ પુતિને જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ બાબતે જો કોઈ સમાધાન શોધવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે તો એમાં ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોનો સમાવેશ છે.
વડા પ્રધાન મોદી જુલાઈમાં રશિયાની મુલાકાતમાં પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ઑગસ્ટમાં યુક્રેનની મુલાકાતમાં પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીને મળ્યા હતા. યુદ્ધ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે આ સમય યુદ્ધનો નથી, કોઈ પણ સંઘર્ષનું સમાધાન વાતચીત દ્વારા લાવી શકાય છે.
અજિત ડોભાલની રશિયાયાત્રા આ મુદ્દે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એમાં બેઉ દેશો વચ્ચે ઊંડાણપૂર્વક ચર્ચા થશે. દુનિયાની નજર પણ આ યુદ્ધ પર ટકેલી છે અને તેઓ આનું સમાપન ચાહે છે. યુદ્ધ રોકવા માટે ભારતને મધ્યસ્થતા કરવાનો મોકો મળ્યો છે અને અજિત ડોભાલની આ યાત્રાથી ભારતની ભૂમિકાને મજબૂતી મળી શકે એમ છે.
યુક્રેને યુદ્ધમાં મોલ્ટન થર્માઇટનો ઉપયોગ કર્યો
સોશ્યલ મીડિયામાં એવા વિડિયો વાઇરલ થઈ રહ્યા છે જેમાં રશિયાના કબજા હેઠળના વિસ્તારમાં યુક્રેનના ડ્રોન મોલ્ટન થર્માઇટ છાંટી રહ્યાં છે. આ એવું જ્વલનશીલ કેમિકલ છે જેનું તાપમાન ૨૨૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને એ આસપાસમાં આવેલી વસ્તુઓને પીગળાવી શકે છે જેમાં યુદ્ધમાં વપરાતી ટૅન્કો સહિત અનેક ચીજોનો સમાવેશ છે. આ મોલ્ટન થર્માઇટ જ્યાં ડ્રોનથી છાંટવામાં આવે છે ત્યાં તાત્કાલિક આગ લાગી જાય છે. રશિયાએ યુક્રેન પર યુદ્ધ કરવા માટે આનો ઉપયોગ કર્યો હતો. બે વિશ્વયુદ્ધોમાં જર્મની અને એના સહયોગી દેશોએ આનો ઉપયોગ કર્યો હતો.


