Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઑમિક્રૉનથી વિશ્વભરમાં ફફડાટ

ઑમિક્રૉનથી વિશ્વભરમાં ફફડાટ

30 November, 2021 09:41 AM IST | Brussels
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક સપ્તાહ પહેલાં સાઉથ આફ્રિકામાં મળેલો વેરિઅન્ટ હૉન્ગકૉન્ગ તેમ જ ઑસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયો, જાપાનમાં તમામ વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ, તો યુરોપ સાઉથ આફ્રિકાથી આવ‍તી તમામ ફલાઇટો કરી રદ

કોરોનાના નવા વેરિઅન્ટને પગલે જપાને વિદેશથી આવતા તમામ પ્રવાસી પર પ્રતિબંધ મૂકતાં ટોક્યો ઍરપોર્ટ પર પાર્ક થયેલાં વિમાનો (તસવીર : એ.એફ.પી)

કોરોનાના નવા વેરિઅન્ટને પગલે જપાને વિદેશથી આવતા તમામ પ્રવાસી પર પ્રતિબંધ મૂકતાં ટોક્યો ઍરપોર્ટ પર પાર્ક થયેલાં વિમાનો (તસવીર : એ.એફ.પી)


નવા વેરિઅન્ટ ઑમિક્રૉનની અસરથી બચવા માટે ઘણા દેશોએ ગઈ કાલથી ફરી પાછા પ્રવાસ તેમ જ અન્ય નિયંત્રણો ફરી લાધ્યાં હતાં. જપાને તમામ વિદેશીઓના પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધા હતા. હજુ એક સપ્તાહ પહેલાં જ સાઉથ આફ્રિકાના સંશોધકોએ આ વેરિઅન્ટને ઓળખી કાઢ્યો હતો, પરંતુ ત્યાર બાદ એ છેક હૉન્ગકૉન્ગ, ઑસ્ટ્રેલિયા અને પોર્ટુગલમાં પણ જોવા મળ્યો છે. પોર્ટુગલે સાઉથ આફ્રિકામાં મળેલો આ વેરિઅન્ટ સ્થાનિક સ્તરે પ્રસર્યો છે કે નહીં એની તપાસ શરૂ કરી હતી. 
પ્રતિબંધ અસરહીન
જે રીતે વિવિધ દેશોમાં કોરોનાનો આ વેરિઅન્ટ જોવા મળી રહ્યો છે એના પરથી એક વાત તો નક્કી છે કે જે રીતે લોકો હાલ દેશ-વિદેશમાં ફરે છે એને કારણે એ જીનને બૉટલમાં રાખવો શક્ય જ નથી તેમ છતાં, કેટલાક દેશો એવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈશ્વિક આરોગ્ય સંગઠને પણ દેશોને વિવિધ પ્રતિબંધો તથા આવનજાવન પર રોક મૂકવાની ના પાડી છે, કારણ કે આની બહુ જ મર્યાદિત અસરો પડે છે. વળી લોકોમાં અંધાધૂંધીમાં વધારો સર્જાય છે તેમ જ એમની આજીવિકાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. 
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સસ્પેન્ડ
જોકે તેમ છતાં, કેટલાક લોકોની એવી દલીલ પણ છે કે આવાં નિયંત્રણો નવા વેરિઅન્ટ વિશે સમીક્ષા કરવા માટે જરૂરી સમય આપે છે. હજી લોકોને એની પણ ખબર નથી કે આ વાઇરસ વધુ ચેપી છે, ગંભીર બીમારી નોતરી શકે છે કે વૅક્સિનને પણ ગણકારતો નથી. સમગ્ર વિશ્વએ કોરોનાની ગંભીરતાને શરૂઆતમાં ગણકારી નહોતી, એ બદલ નિષ્ણાતોએ ટીકા પણ કરી છે. તો બીજી તરફ નવા વેરિઅન્ટની પ્રતિક્રિયા બહુ જ ઝડપથી આવી છે. યુરોપિયન યુનિયનના ૨૭ દેશોએ સાઉથ આફ્રિકાથી આવતી ફ્લાઇટ પર પ્રતિંબધ મૂક્યો છે. પોર્ટુગલની ફુટબૉલ ટીમના ૧૩ ખેલાડીઓમાં ઑમિક્રૉન મળ્યો છે. આ ઉપરાંત બેલ્જિયમ, ડેન્માર્ક અને નધરલૅન્ડમાં આના કેસ જોવા મળ્યા છે. 
કોઈ અસર નહીં 
જપાનમાં હજી એક પણ કેસ નથી મળ્યો, છતાં ત્યાં તમામ વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકાયો છે. ઇઝરાયલે પણ વિદેશીઓ પર પ્રતિબંધ મૂક્યો છે તો મોરોક્કોએ પણ ગઈ કાલથી વિદેશથી આ‍વતી તમામ ફ્લાઇટ પર બે સપ્તાહ માટે રદ કરી છે. બીજી તરફ તરફ કેટલાક દેશો એવા પણ છે જેમણે એનાથી તદ્દન વિપરીત કાર્યવાહી પણ કરી છે. મલેશિયા અને સિંગાપોરની સરહદને ખુલ્લી મૂકવામાં આવી છે. ન્યુ ઝીલૅન્ડે પણ મહિનાઓના શટડાઉન બાદ ફરી બધી પ્રવૃત્તિઓ શરૂ કરવાની યોજના યથાવત્ રાખી છે.



કોરોનાથી બચવા માટે લંડનની ક્રિસમસ માર્કેટમાં માસ્ક પહેરીને ફરતા લોકો.  (તસવીર : એ.એફ.પી.) 


ઑમિક્રૉનને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી
૧.    ઑમિક્રૉન વેરિઅન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાઈ શકે એમ હોવાથી વૅક્સિનેશનની ઝુંબેશ વધુ ઝડપી બનાવવા તેમ જ રોગનું શમન કરવા માટેની આવશ્યક જાહેર આરોગ્ય સેવાઓ તૈયાર રાખવી. 
૨.    ઑમિક્રૉનના અસંખ્ય સ્પાઇક મ્યુટેશન્સ છે, જેમાંના કેટલાક મહામારી સંબંધિત રોગચાળા પર વિશિષ્ટ સંભવિત અસરો ધરાવે એવી સંભાવના છે. 
૩.    જો ઑમિક્રૉનને પગલે કોવિડ-૧૯ના કેસમાં મોટો ઉછાળો નોંધાશે તો એનાં પરિણામ ઘણાં ગંભીર રહેશે. જોકે હજી સુધી ઑમિક્રૉન વાઇરસથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. 
૪.    નવા વેરિઅન્ટ ઑમિક્રૉન સંબંધે એકંદર વૈશ્વિક જોખમનું પ્રમાણ ઘણું ઊંચું છે. વૅક્સિન અને અગાઉના ચેપને પગલે વધેલી પ્રતિકારશક્તિ સાથે આ રોગથી બચવા તેમ જ એના પ્રસારની ચાલ સમજવા હજી વધુ અભ્યાસની આવશ્યકતા છે. 
૫. શુક્રવારે ઑમિક્રૉનને ચિંતાજનક વેરિઅન્ટ ગણાવતાં એને કોવિડના અલ્ફા, બીટા,  ગામા અને ડેલ્ટા વેરિઅન્ટની તુલનાએ વધુ જોખમી શ્રેણીનો વેરિઅન્ટ ગણાવ્યો હતો. 
૬. ઑમિક્રૉનનો નિર્ણાયક ડેટા આગામી અઠવાડિયામાં મળવા અપે​ક્ષિત છે. ડબ્લ્યુએચઓનું માનવું છે કે એનો ચેપ વૅક્સિનેટેડ લોકોને પણ થઈ શકે છે. જોકે એનું પ્રમાણ ઘણું ઓછું અને ધારી શકાય એવું રહેવા અપે​ક્ષિત છે. 
૭. ઑમિક્રૉન સૌપ્રથમ સાઉથ આફ્રિકામાં શોધાયો હતો અને ત્યાર બાદ એ વિશ્વના ૧૨ અન્ય દેશોમાં પણ મળી આવ્યો હતો, જેમાં બોટ્સવાના, ઇટલી, હૉન્ગકૉન્ગ, ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ, યુનાઇટેડ કિંગડમ, ડેન્માર્ક, જર્મની, કૅનેડા, ઇઝરાયલ અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે. 
૮. અનેક દેશોએ સાઉથ આફ્રિકા અને એના પાડોશી દેશોમાં જતી અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સ પર પ્રવાસ પર પ્રતિબંધો લાગુ કર્યા છે. 
૯. જપાન અને ઇઝરાયલે વિદેશીઓના આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઑસ્ટ્રેલિયા ડિસેમ્બર મહિનાથી તાલીમી માઇગ્રન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે પોતાના દેશની સરહદ ખુલ્લી મૂકવા વિશેની યોજના પર પુન:વિચારણા કરશે. 
૧૦. ભારતમાં જે દેશોમાં ઑમિક્રૉન વાઇરસ મળી આવ્યો છે, એ દેશના પ્રવાસીઓના આગમન પર ટેસ્ટ ફરજિયાત બનાવાઈ છે. ભારત આવનારા પ્રત્યેક આંતરરાષ્ટ્રીય મુસાફરે સ્વઘોષણા પત્રમાં સહી કરવાનું રહેશે તેમ જ આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ બન્ને શરત પૂરી ન કરનાર વ્યક્તિ ભારતમાં પ્રવેશ કરી શકશે નહીં. 

પોર્ટુગલની ફુટબૉલ ટીમમાં મળ્યા ૧૩ કેસ


પોર્ટુગલની એક પ્રોફેશનલ ફુટબૉલ ટીમમાં ઑમિક્રૉનના ૧૩ કેસ મળી આવ્યા હતા. ત્યાર બાદ સરકારે આ વેરિઅન્ટ સ્થાનિક સ્તરે પ્રસર્યો છે કે નહીં એની તપાસ શરૂ કરી છે. લિસ્બનમાં આવેલી બેલેનેશ ફુટબૉલ ટીમનો એક ખેલાડી સાઉથ આફ્રિકા ગયો હતો. જ્યાં સૌથી પહેલાં આ વેરિઅન્ટની ઓ‍ળખ કરવામાં આવી હતી. એને બાદ કરતાં અન્ય કોઈ ખેલાડી ત્યાં ગયા નહોતા. તેમ છતાં, તપાસ દરમ્યાન ૧૩ કેસ મળી આવ્યા હતા જેના પરથી અંદાજ આવે છે કે આ વાઇરસ કેટલો ચેપી છે. 

ઉર્સુલા વૉન ડેર લેન, પ્રમુખ યુરોપિયન યુનિયન કમિશન

"સાઉથ આફ્રિકાએ દાખવેલી પારદર્શકતા તેમ જ એણે મેળવેલાં પરિણામોને તરત વિશ્વભરના લોકોને જણાવીને પ્રશંસનીય કાર્ય કર્યું છે. આનાથી ઘણા લોકોના જીવ બચાવી શકાશે."

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2021 09:41 AM IST | Brussels | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK