૨૦૨૬ની શરૂઆતમાં જપાન તરફથી બે ટ્રેનોની ગિફ્ટ-રૂપે ડિલિવરી કરવામાં આવશે
મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની ટ્રાયલ જપાનમાં શરૂ થઈ ગઈ
મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની ટ્રાયલ જપાનમાં શરૂ થઈ ગઈ છે. આ ટ્રાયલ બાદ આ ટ્રેનો ભારત આવશે. ભારતમાં બુલેટ ટ્રેન આવે એ પહેલાં જ યુદ્ધના તબક્કામાં કામ ચાલી રહ્યું છે. નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન (NHSRC) મુંબઈ અને અમદાવાદ વચ્ચે ૫૦૮ કિલોમીટરની ભારતની પહેલી હાઈ સ્પીડ રેલ લાઇનનું નિર્માણ કરી રહ્યું છે. એનો ૩૫૨ કિલોમીટરનો રૂટ ગુજરાતના નવ જિલ્લામાંથી અને બાકીનો હિસ્સો મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી પસાર થશે.
જપાનમાં બુલેટ ટ્રેનની ટ્રાયલની શરૂઆતને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જપાન અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ જપાન ભારતને બે શિંકાન્સેન ટ્રેન સેટ ગિફ્ટમાં આપશે. એક બુલેટ ટ્રેન E5 શ્રેણીની છે અને એક E3 શ્રેણીની છે. આ ટ્રેનો ૨૦૨૬ની શરૂઆતમાં ભારતમાં પહોંચાડવામાં આવશે.
ADVERTISEMENT
જ્યારે આ ટ્રેનો જપાનથી ભારત આવશે ત્યારે એનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે. આ ટ્રેનોને ભારતીય ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિઓમાં અનેક સ્તરનાં પરીક્ષણોમાંથી પસાર થવું પડશે. ભારતમાં બુલેટ ટ્રેનની સ્પીડ ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ ટ્રેનોની ભારતમાં ૨૦૨૬ દરમ્યાન ટ્રાયલ કરવામાં આવશે અને આ ટ્રેનો ૨૦૨૯ સુધીમાં દોડવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.
બે કલાકમાં સફર પૂર્ણ થશે
૫૦૮ કિલોમીટર લાંબા આ કૉરિડોરના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર બે કલાકમાં કાપી શકાશે. આ રૂટ પર ૧૨ સ્ટેશન હશે.


