પાકિસ્તાની અધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી અબ્બાસ અરાગચી ઓમાન અને રશિયા જશે : આ વીક-એન્ડમાં દ્વિપક્ષીય શાંતિમંત્રણા માટે અમેરિકા તરફથી સ્પેશ્યલ રાજદૂત સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનેર ઇસ્લામાબાદ જશે
ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીની ફાઇલ તસવીર (તસવીર સૌજન્યઃ એએફપી)
સુધી શાંતિમંત્રણા માટે ઇસ્લામાબાદ જવા માટે અમેરિકા તૈયાર બેઠું હતું, પરંતુ ઈરાન તૈયાર નહોતું. જોકે હોર્મુઝ સ્ટ્રેટ પર અનઑફિશ્યલ ધોરણે શાંતિ વર્તાઈ રહી છે એટલે ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી ગઈ કાલે ઇસ્લામાબાદ જવા રવાના થઈ ગયા હોવાના સમાચાર વહેતા થયા હતા. તેઓ પાકિસ્તાન પહોંચીને મધ્યસ્થી કરનારા અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ બેઠક અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી સંભવિત વાર્તાની તૈયારી તરીકે થઈ રહી છે. સૂત્રોના કહેવા મુજબ હાલની વાતચીતમાં અમેરિકા સીધું જોડાશે નહીં. શુક્રવારે બપોરે અબ્બાસ અરાગચીએ પાકિસ્તાની સેનાપ્રમુખ આસિમ મુનીર અને વિદેશપ્રધાન મોહમ્મદ ઇશાક ડાર સાથે અલગ-અલગ વાતચીત કરી હતી. એમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર ચાલુ રાખવા પર ચર્ચા થઈ હતી.
ઈરાની મીડિયા એજન્સીના કહેવા અનુસાર અબ્બાસ અરાગચી પહેલાં ઇસ્લામાબાદ જશે અને પછી ઓમાનની રાજધાની મસ્કત અને પછી રશિયા જશે. જોકે આ બાબતે અમેરિકા કે ઈરાન બેમાંથી કોઈ તરફથી સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ADVERTISEMENT
અમેરિકા-ઈરાન વચ્ચે વાતચીત થાય એવી ઉજ્જવળ સંભાવના
ઈરાની વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી ઇસ્લામાબાદ જવા તૈયાર થયા એ પછી અમેરિકા તરફથી ડોનલ્ડ ટ્રમ્પે પણ પોતાના પ્રતિનિધિઓ મોકલવા માટે લીલી ઝંડી આપી દીધી છે. ગઈ કાલે તેમણે જાહેર કર્યું હતું કે ઈરાનના વિદેશપ્રધાન સાથે વાટાઘાટો માટે સ્પેશ્યલ રાજદૂત સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનેરને ઇસ્લામાબાદ મોકલીશું. ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વૅન્સ હાલ ઇસ્લામાબાદ નહીં જાય, પરંતુ જો મંત્રણામાં પ્રોગ્રેસે જણાશે તો તેમને પણ એમાં સામેલ થવા માટે સ્ટૅન્ડબાયમાં રાખવામાં આવ્યા છે.
ઈરાન તરફથી પહેલી શાંતિમંત્રણામાં હાજર રહેલા ઈરાનની પાર્લમેન્ટના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે શાંતિમંત્રણાથી અંતર રાખવાનું નક્કી કર્યું છે.
ટ્રમ્પ કોઈ પણ હિસાબે પહેલી મે પહેલાં યુદ્ધનો નિવેડો લાવવા ઇચ્છે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેનું યુદ્ધ બને એટલું ઝડપથી આટોપાય એવું ઇચ્છે છે, કેમ કે જો એમ નહીં થાય તો તેમના પદ પર કાનૂની તલવાર મુકાઈ છે. એનું કારણ એ છે કે અમેરિકાના ૫૦ વર્ષ જૂના કાયદા મુજબ યુદ્ધ શરૂ થયાના ૬૦ દિવસની અંદર તેમણે સેનેટની લેખિત મંજૂરી લેવાની છે.
અમેરિકાની સેનેટ જો તેમને મંજૂરી ન આપે તો રાષ્ટ્રપતિએ સેના પાછી બોલાવવી પડે. ટ્રમ્પે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો, પરંતુ તેમણે સેનેટને એની જાણ બીજી માર્ચે કરી હતી. એ રીતે પહેલી મેના રોજ ૬૦ દિવસ પૂરા થાય છે.
સેનેટમાં ટ્રમ્પની પાર્ટી પાસે બહુમત હોવા છતાં યુદ્ધના મુદ્દે તેમને ક્લીન-ચિટ મળે એવી સંભાવના ડામાડોળ છે. ૧૦૦ બેઠકોવાળી સેનેટમાં તેમની પાસે ૫૩ બેઠકો છે અને વિરોધ પક્ષ પાસે ૪૭. જોકે ઑલરેડી તેમની જ પાર્ટીના ૧૦ નેતાઓ આ યુદ્ધના વિરોધમાં છે એવું જાહેર કરી ચૂક્યા છે.
આ સંજોગોમાં ટ્રમ્પ ઇચ્છે છે કે મામલો સેનેટમાં પહોંચે એ પહેલાં જ યુદ્ધ ઉકેલાઈ જાય.
