ડોનલ્ડ ટ્રમ્પે ડેડલાઇન સાથે આપેલી ધમકી પછી સીઝફાયર માટે તૈયાર : પાકિસ્તાને પણ પહેલાં વિરોધ કર્યો અને પછી સપોર્ટમાં : નરેન્દ્ર મોદીએ ગાઝામાં શાંતિવાર્તાના નેતૃત્વ બદલ ટ્રમ્પની સરાહના કરી
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ધમકી આપતાં હમાસે ગાઝામાં સીઝફાયર માટે તૈયારી બતાવી હતી. શુક્રવારે રાતે જ હમાસે ડોનલ્ડ ટ્રમ્પના પ્લાન મુજબ તમામ જીવિત અને મૃત કેદીઓને છોડવાની તૈયારી બતાવી હતી. હમાસે એ પણ કહ્યું હતું કે આ અઠવાડિયે જે ૨૦ મુદ્દાની પીસ-ડીલ રજૂ કરવામાં આવી છે એમાંથી કેટલાક મુદ્દાઓ પર વાતચીત કરવી જરૂરી છે.
જોકે અલ ઝઝીરા ન્યુઝપેપરના રિપોર્ટ મુજબ હમાસ તરફથી જે જવાબ આવ્યો છે એમાં હથિયાર હેઠાં મૂકવાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. હમાસે ગાઝાનું શાસન કોઈ પૅલેસ્ટીન સમૂહને સોંપવાની તૈયારી બતાવી છે. એનું ગઠન પૅલેસ્ટીનના લોકોની સહમતી અને આરબ-ઇસ્લામિક દેશોના સમર્થનથી કરવામાં આવશે. જોકે હમાસે હજી પણ પૅલેસ્ટીનના લોકોના ભવિષ્ય પર થનારી ચર્ચામાં સામેલ થવાની ઇચ્છા જતાવી છે. હમાસ યુદ્ધવિરામ લાગુ પડવાના ૭૨ કલાકની અંદર બંધકોને છોડશે. એના બદલામાં પૅલેસ્ટીનના ૨૦૦૦થી વધુ સુરક્ષાકેદીઓ અને માર્યા ગયેલા ગાઝાવાસીઓનાં શબ પાછાં સોંપવામાં આવશે.
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘હમાસ તરફથી અપાયેલા નિવેદનના આધારે મારું માનવું છે કે તેઓ સ્થાયી શાંતિ માટે તૈયાર છે. ઇઝરાયલે તરત જ ગાઝા પર બૉમ્બમારો રોકવો જોઈએ જેથી આપણે બંધકોને સુરક્ષિત અને જલદી બહાર કાઢી શકીએ.’
નરેન્દ્ર મોદીએ કરી ડોનલ્ડ ટ્રમ્પની સરાહના
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝામાં થઈ રહેલા શાંતિ-પ્રયાસોનું નેતૃત્વ કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિની સરાહના કરતાં લખ્યું હતું કે ‘ગાઝામાં શાંતિ-પ્રયાસોમાં નિર્ણાયક પ્રગતિ માટે અમે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના નેતૃત્વનું સ્વાગત કરીએ છીએ. બંધકોને છોડવાનો સંકેત મહત્ત્વપૂર્ણ છે. ભારત સ્થાયી અને ન્યાયસંગત શાંતિની દિશાના તમામ પ્રયાસોનું દૃઢતાથી સમર્થન કરતું રહેશે.’
પહેલાં વિરોધ કર્યા પછી પાકિસ્તાન પણ માની ગયું
શુક્રવારે પાકિસ્તાના વિદેશપ્રધાન ઇશાક ડારે ગાઝા સીઝફાયરના પ્રસ્તાવને ખારિજ કરીને સંસદમાં કહ્યું હતું કે ‘ટ્રમ્પનો પ્લાન અમારા પ્રસ્તાવ જેવો નથી. એમાં કેટલાક બદલાવો કરવામાં આવ્યા છે જે અમારા પ્રસ્તાવમાં હતા. મારી પાસે એનો રેકૉર્ડ છે.’
જોકે શાહબાઝ શરીફે શનિવારે સોશ્યલ મીડિયા પર ગાઝા મામલે સહમતી દાખવતાં લખ્યું હતું કે ‘આ પ્લાન ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને રોકવાની દિશામાં એક મોટું કદમ છે. આપણે ગાઝામાં યુદ્ધવિરામની ખૂબ નજીક છીએ. હમાસના નિવેદને શાંતિનો એક રસ્તો ખોલ્યો છે જેને આપણે બંધ ન થવા દેવો જોઈએ. પાકિસ્તાન પૅલેસ્ટીનમાં શાંતિ લાવવા માટે કામ કરશે.’


