ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે કોઈ ICC સભ્ય સંસ્થાએ નાદારીની કાનૂની પ્રક્રિયાનો આશરો લીધો હોય
ફાઇલ તસવીર
અમેરિકન ક્રિકેટમાં એક મોટું સંકટ ઊભું થયું છે. ICCએ તાજેતરમાં USA ક્રિકેટને સભ્યપદ પરથી સસ્પેન્ડ કર્યું હતું. હવે આ ક્રિકેટ બોર્ડે એક આશ્ચર્યજનક પગલું ભરતાં પોતાને બૅન્કરપ્ટ જાહેર કર્યું છે. ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે કોઈ ICC સભ્ય સંસ્થાએ નાદારીની કાનૂની પ્રક્રિયાનો આશરો લીધો હોય.
બોર્ડે ચૅપ્ટર 11 નાદારી માટે અરજી કરી છે. ચૅપ્ટર 11 નાદારી યુનાઇટેડ સ્ટેટ્સમાં એક કાનૂની જોગવાઈ છે જે કોઈ સંસ્થા અથવા વ્યક્તિને કોર્ટની દેખરેખ હેઠળ તેનાં દેવાં અને નાણાકીય મુશ્કેલીઓનું પુનર્ગઠન કરવાની મંજૂરી આપે છે. આનો અર્થ એ નથી કે સંસ્થા બંધ થઈ ગઈ છે, પરંતુ એને પોતાને પુનર્જીવિત કરવાની તક આપવામાં આવે છે. આ જ કારણ છે કે એને ‘પુનઃ સંગઠન નાદારી’ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઇઝ (ACE) સાથે લાંબા સમયથી ચાલી રહેલા નાણાકીય અને સંગઠન જેવા વિવાદની સુનાવણી શરૂ થવાની થોડી મિનિટ પહેલાં USA ક્રિકેટના વકીલોએ કોર્ટમાં નાદારી જાહેર કરી હતી. ACEએ આરોપ લગાવ્યો કે ‘બોર્ડે પરિણામ એની વિરુદ્ધ આવશે એ જાણીને આ પગલું ભર્યું છે. USA ક્રિકેટ હવે પ્લેયર્સ અને રમતના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે રાજકારણ અને આંતરિક સંઘર્ષોમાં ફસાયેલું છે.’


