રશિયામાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરો માટે દેશની રાષ્ટ્રીય DNS સિસ્ટમનો ઉપયોગ કરવો જરૂરી બનાવવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
ટેલિગ્રામ પર પ્રતિબંધ બાદ રશિયાની પુતિન સરકારે અમેરિકન સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયામાં લોકપ્રિય અમેરિકન સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ જેમ કે વૉટ્સઍપ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને બ્લૉક કરવામાં આવ્યાં છે. રશિયનો આ લોકપ્રિય ઍપ્સનો ઉપયોગ કરી શકતા નથી. બુધવારે રશિયાએ લોકપ્રિય મેસેજિંગ ઍપ ટેલિગ્રામને બ્લૉક કરી દીધી હતી. રશિયન સરકાર લોકોને સરકારી માલિકીના પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા આમ કરી રહી છે. રશિયાની નિયમનકારી સંસ્થા રોસકૉમનાડજોરે સુરક્ષા-ચિંતાઓને ટાંકીને ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. હવે મુખ્ય અમેરિકન સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને પણ બ્લૉક કરવામાં આવ્યાં છે. આ વેબસાઇટ્સનાં ડોમેન નામો રશિયાના રાષ્ટ્રીય ડોમેન નેમ સિસ્ટમ (DNS)માંથી દૂર કરવામાં આવ્યાં છે.
પુતિન સરકારે માત્ર મુખ્ય અમેરિકન સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ જ નહીં, આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અસરગ્રસ્ત વેબસાઇટ્સમાં બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC), ડોઇશ વેલે, રેડિયો ફ્રી યુરોપ અને રેડિયો લિબર્ટીનો સમાવેશ થાય છે. આ સિવાય બ્રાઉઝિંગ માટે ઉપયોગમાં લેવાતા ટોર બ્રાઉઝરને પણ બ્લૉક કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
DNS સિસ્ટમનો ઉપયોગ ફરજિયાત
રશિયામાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરો માટે દેશની રાષ્ટ્રીય DNS સિસ્ટમનો ઉપયોગ કરવો જરૂરી બનાવવામાં આવ્યો છે. આ સિસ્ટમ રોસકૉમનાડજોર નામની સરકારી એજન્સીની દેખરેખ હેઠળ કાર્ય કરે છે. એની ભૂમિકા સાર્વભૌમ ઇન્ટરનેટ કાયદા હેઠળ ઇન્ટરનેટ નિયંત્રણ લાગુ કરવાની છે.
આમ શા માટે કર્યું?
કેટલાક અહેવાલો સૂચવે છે કે રશિયાએ દેશમાં વિદેશી સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ અને મીડિયા વેબસાઇટ્સના ઉપયોગને વર્ચ્યુઅલ રીતે દૂર કરવા માટે આ પગલું ભર્યું છે. જોકે આનાથી રશિયનો ઘણી વૈશ્વિક સેવાઓ અને સમાચાર-સ્રોતોથી દૂર થઈ ગયા છે.
વૉટ્સઍપ કૉલિંગ પહેલાંથી પ્રતિબંધિત
રશિયા પહેલેથી જ ઘણી વૉટ્સઍપ સર્વિસ પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે. ગયા વર્ષે વૉટ્સઍપ અને ટેલિગ્રામનું કૉલિંગ ફીચર બ્લૉક કરવામાં આવ્યું હતું. વધુમાં ડિસેમ્બરમાં રશિયાએ દેશમાં ઍપલના ફેસટાઇમ અને સ્નૅપચૅટ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.


